Get The App

રાકેશ ઝુનઝુનવાલા કહેતા- તમારા બાપના કે સસરાના પૈસે શેર બજારમાં રોકાણ ન કરો

Updated: Aug 14th, 2022

GS TEAM

Google News
Google News
રાકેશ ઝુનઝુનવાલા કહેતા- તમારા બાપના કે સસરાના પૈસે શેર બજારમાં રોકાણ ન કરો 1 - image


- 'પોતાની કમાણીના રૂપિયા વડે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરો જેથી પૈસાનું મહત્વ સમજી શકો'

નવી દિલ્હી, તા. 14 ઓગષ્ટ 2022, રવિવાર

ભારતીય શેર માર્કેટના 'બિગ બુલ' તરીકે પ્રખ્યાત એવા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. 

રાકેશ ઝુનઝુનવાલાના અનેક નિવેદનો, સૂત્રોને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળતો હતો અને તેમની અનેક વાતો ખૂબ જ લોકપ્રિય બની છે. તેઓ હંમેશા કહેતા કે, શેર માર્કેટમાં તમારા સસરા કે તમારા પિતાના પૈસાથી રોકાણ ન કરશો. 

આ પણ વાંચોઃ શેર માર્કેટના કિંગ, દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું અવસાન

શા માટે આપ્યું હતું એ નિવેદન

એક સવાલના જવાબમાં રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે, લોકો શેર માર્કેટમાં આડેધડ ટ્રેડિંગ કરી રહ્યા છે. આવા લોકો માટે એક સલાહ છે કે, તેઓ પોતાના પૈસા એટલે કે પોતાની કમાણીના રૂપિયા વડે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરે જેથી તેઓ પૈસાનું મહત્વ સમજી શકે. 

આ ઉપરાંત તેમને જ્યારે નાના-મોટા રોકાણકારો માટે એક સલાહ આપવા કહેવામાં આવ્યું ત્યારે તેમણે પોતે 2020માં લોકોને જે શેર લેવા જણાવ્યું હતું તે ઘટના યાદ કરાવીને લોકો કોઈનું પણ નથી સાંભળતા તેમ જણાવ્યું હતું. 

આ પણ વાંચોઃ શું ઝુનઝુનવાલાના અવસાન બાદ તેમના કારોબાર અને માર્કેટ પર અસર પડશે?, જાણો પિયૂષ ગોયલનો જવાબ

બૂમો પાડો પણ કોઈ નહીં સાંભળે

રાકેશ ઝુનઝુનવાલાએ પોતાના એક મિત્ર સાથેના અનુભવનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, તેમણે જ્યારે મિત્રને શેર ખરીદવા જણાવ્યું ત્યારે તેણે 'શા માટે?' એવો સવાલ કર્યો હતો. તેમણે કહ્યું કે, હું એ 'કેમ'નો જવાબ ન આપી શકું. બૂમો પાડીને કહું કે, શેર લઈ લો.. કોઈ નહીં સાંભળે, લોકો પોતાને મરજી પડે એ જ કરશે. 

ઉલ્લેખનીય છે કે, રાકેશ ઝુનઝુનવાલાને શેર માર્કેટમાં રોકાણનો 40થી પણ વધારે વર્ષોનો અનુભવ હતો. જોકે અનેક રોકાણકારો તેમની ટિપ્સને ફોલો પણ કરતા હતા. તેઓ ભારતીય શેર માર્કેટના વોરેન બફેટ તરીકે પ્રખ્યાત હતા અને તેમણે માત્ર 18 વર્ષની ઉંમરે જ શેર માર્કેટમાં પગ મુક્યો હતો. 


Tags :