For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હું તો નાણા પરત કરવા તૈયાર છું પણ મોદી બેંકોને નાણા વસૂલવા આદેશ આપતા નથી ઃ માલ્યા

મોદીએ લોકસભામાં આપેલા ભાષણના સંદર્ભમાં માલ્યાની ટ્વિટર પર પ્રતિક્રિયા

વડાપ્રધાન મોદીએ બુધવારે લોકસભામાં નામ લીધા વગર ૯૦૦૦ કરોડ લઇને ભાગી જનાર વ્યકિતનો ઉલ્લેખ કર્યો હતો

Updated: Feb 14th, 2019


લંડન, તા. ૧૪Article Content Image

બ્રિટનની કોર્ટમાં ભારતમાં પ્રત્યાર્પણ માટેના કેસોનો સામનો કરી રહેલા વિવાદાસ્પદ ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ટ્વિટર પર વડાપ્રધાનને વિનંતી કરી છે કે તે બેંકોના નાણાં ચૂકવવા તૈયાર હોવાથી તે બેંકોને નાણા વસૂલવાનો આદેશ આપે. 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ બુધવારે ૧૬મી લોકસભાના પોતાના અંતિમ ભાષણમાં નામ લીધા વગર ૯૦૦૦ કરોડ રૃપિયા લઇને ભાગી જનાર વ્યકિતનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાનની ટિપ્પણીના સંદર્ભમાં માલ્યાએ વડાપ્રધાન મોદીને ઘેરતા જણાવ્યું છે કે હું તો નાણા પરત કરવા તૈયાર છું પણ વડાપ્રધાન મોદી બેંકોને નાણાં વસૂલવાનો આદેશ આપતા નથી.

એક ટ્વિટમાં ભાગેડું ઉદ્યોગપતિ માલ્યાએ જણાવ્યું છે કે હું સન્માનની સાથે પૂછવા માગું છું કે વડાપ્રધાન પોતાની બેંકોને મારી પાસેથી નાણા વસૂલવાના નિર્દેશ કેમ આપતા નથી.

માલ્યાએ જણાવ્યું છે કે તેમણે કર્ણાટક હાઇકોર્ટમાં પણ આ કેસના નિકાલ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. માલ્યાએ જણાવ્યું છે કે આ પ્રસ્તાવને તુચ્છ ગણી નકારી ન શકાય. આ પ્રસ્તાવ સંપૂર્ણ રીતે વાસ્તવિક, ગંભીર અને પ્રામાણિક છે. 

માલ્યાએ પોતાના બચાવમાં જણાવ્યું છે કે મેં તો કોર્ટ સમક્ષ મારી ૧૪૦૦૦ કરોડ રૃપિયાની સંપત્તિ મૂકી દીધી છે. મેં સંપત્તિ સંતાડી હોવાના ઇડીના દાવાને ફગાવું છું. ઇડી પ્રજાને મારી વિરુદ્ધ ગેરમાર્ગે દોરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે નવેમ્બર, ૨૦૧૬માં મુંબઇની એક વિશેષ પીએમએલએ કોર્ટે દારૃના વ્યવસાયી વિજય માલ્યાને ભાગેડું જાહેર કર્યા હતાં. 

Gujarat