ભારત પર 50% અને પાકિસ્તાન પર 19% ટેરિફ જ કેમ લાગ્યો? રઘુરામ રાજને જણાવ્યું કારણ

Raghuram Rajan: રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું કે, અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા 50% ટેરિફની પાછળ રશિયાથી ભારતની ક્રૂડ ખરીદીનો મુદ્દો નહતો. પરંતુ, મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસના સૈન્ય તણાવ પર ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી મુખ્ય કારણ હતું. તેમણે એ પણ કહ્યું કે, પાકિસ્તાને સારી ગેમ રમી. તેમની આ ટિપ્પણી 4 ડિસેમ્બરે યુનિવર્સિટી ઑફ જ્યૂરિખના યુબીએસ સેન્ટર ફોર ઇકોનોમિક્સ ઇન સોસાયટીમાં આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવી હતી.
પાકિસ્તાને સાર્વજનિક રૂપે ટ્રમ્પનો આભાર માન્યો
રઘુરામ રાજને કહ્યું કે, ટ્રમ્પે તે સમયે સંઘર્ષ વિરામનો શ્રેય પોતે લીધો હતો. પરંતુ, ભારતે સ્પષ્ટ કર્યું કે, પાકિસ્તાન તરફથી બે વાર વાતચીતની વિનંતી બાદ જ યુદ્ધવિરામ થયું. પાકિસ્તાને સાર્વજનિક રૂપે ટ્રમ્પનો આભાર માન્યો. જોકે, ભારતીય સૈન્ય નેતૃત્વએ કહ્યું કે, સંઘર્ષ વિરામ ભારત-પાક વાતચીતથી સંભવ થયો. તેમના અનુસાર, આ નિવેદનબાજી વ્હાઇટ હાઉસને પસંદ ન આવી.
આ પણ વાંચોઃ 2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે
પૂર્વ ગવર્નરે કહ્યું કે, આ તણાવ સંપૂર્ણ રીતે ટ્રમ્પની વ્યક્તિગત પ્રતિક્રિયાથી ઊભો થયો હતો, ન કે રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત પર ભારતના વલણથી. તેમણે ઉદાહરણ દ્વારા કહ્યું કે, હંગરીના વડાપ્રધાન વિક્ટર ઑર્બોન દ્વારા રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર પણ ટ્રમ્પે કોઈ વાંધો વ્યક્ત કર્યો નહતો. ક્રૂડ ઓઇલ ક્યારેય કેન્દ્રીય મુદ્દો હતો જ નહીં. અસલી મુદ્દો વ્યક્તિત્વ અને ટ્રમ્પના દાવા પર ભારતની પ્રતિક્રિયા હતી.
પાકિસ્તાન પર ફક્ત 19% ટેરિફ
રઘુરામ રાજને એ પણ કહ્યું કે, પાકિસ્તાને આ આખા પ્રકરણમાં બરાબરની ગેમ રમી અને આનું પરિણામ હતું કે, અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યું. જોકે, પાકિસ્તાન પર ફક્ત 19% ટેરિફ જ લાગુ કરાયું. તમે મહિનામાં ચાર દિવસની 'મિની વૉર' દરમિયાન ભારતે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 નાગરિકોની હત્યા બાદ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકી ઠેકાણા પર સીમિત અને સટીક કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચોઃ 'SIR'ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
પાકિસ્તાનની ઉશ્કેરણીભરી કાર્યવાહી
ભારતની કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. ત્યાર બાદ ભારતીય સેનાએ ઇસ્લામાબાદની સૈન્ય અને પરમાણુ સુવિધાઓને નિશાનો બનાવ્યો. વધતા દબાણ બાદ પાકિસ્તાને અમેરિકા પાસે મધ્યસ્થતાની માંગ કરી હતી. રઘુરામ રાજન અનુસાર, આ ઘટનાક્રમ અને ત્યારબાદ ભારતીય નિવેદનોએ ટ્રમ્પ વહીવટી તંત્રને નારાજ કર્યું, જેના કારણે ભારતને ભારે વ્યાપારિ દબાણનો સામનો કરવો પડ્યો.

