2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે

India Census 2027 : કેન્દ્ર સરકારે વર્ષ 2027ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી (National Census) ડિજિટલ માધ્યમથી કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે લોકસભામાં આ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરી પરંપરાગત કાગળ આધારિત ફોર્મ્સને બદલે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
મોબાઇલ એપ અને વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્શન
સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું કે, વસ્તી ગણતરી માટે એક વિશેષ ડિજિટલ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા સમગ્ર દેશમાં પ્રક્રિયાઓનું મોનિટરિંગ અને વ્યવસ્થાપન કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકો પોતે તેમની માહિતી ઓનલાઈન ભરી શકશે, જ્યારે ફિલ્ડ અધિકારીઓ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરશે.
કઈ કઈ માહિતી માગવામાં આવશે
વસ્તી ગણતરીની નિર્ધારિત પદ્ધતિ મુજબ, દરેક વ્યક્તિની માહિતી તે સ્થળે નોંધવામાં આવશે જ્યાં તે ગણતરીના સમયગાળા દરમિયાન હાજર હશે. આ સિસ્ટમ 2027માં પણ જાળવી રખાશે. આ ઉપરાંત, વ્યક્તિનું જન્મસ્થળ, છેલ્લું નિવાસસ્થાન, વર્તમાન સ્થળે રહેવાનો સમયગાળો અને સ્થળાંતરનું કારણ જેવી પ્રવાસન સંબંધિત માહિતી પણ ડિજિટલ રીતે નોંધવામાં આવશે.
પારદર્શિતા માટે પ્રશ્નાવલી અગાઉથી જાહેર કરાશે
મંત્રી રાયે એ પણ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં પ્રશ્નાવલીને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રાજપત્ર (Official Gazette) માં સૂચિત કરવામાં આવશે. આ પ્રક્રિયા પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને તમામ રાજ્યો તેમજ એજન્સીઓને સમયસર તૈયારી કરવાની તક આપવા માટે અનિવાર્ય છે.
કેમ ઓનલાઈન ડેટા કલેક્ટ કરાશે?
સરકારનું માનવું છે કે ડિજિટલ વસ્તી ગણતરીના કારણે ડેટા પ્રોસેસિંગ ઝડપી બનશે, ભૂલોની શક્યતા ઘટશે અને અંતિમ રિપોર્ટ અગાઉની તુલનામાં વધુ ભરોસાપાત્ર તથા સમયસર ઉપલબ્ધ થઈ શકશે. નિષ્ણાતોના મતે, ડિજિટલ માધ્યમથી થયેલી આ વસ્તી ગણતરી ભવિષ્યના નીતિ નિર્માણ, શહેરી આયોજન, સ્થળાંતરના વલણો અને સામાજિક-આર્થિક સર્વેક્ષણોને વધુ સારી રીતે સમજવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
છેલ્લે વસતી ગણતરી ક્યારે થઇ?
ભારતની છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011 માં થઈ હતી અને 2021ની વસ્તી ગણતરી કોવિડ-19 મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી. આ સંજોગોમાં 2027ની ડિજિટલ વસ્તી ગણતરીને દેશના વસ્તી વિષયક ચિત્રને નવા સ્વરૂપમાં સમજવાની દિશામાં એક મોટી છલાંગ માનવામાં આવી રહી છે.

