Get The App

કયા કારણોસર ભારત અમેરિકાના આકરા ટેરિફનો ભોગ બન્યું, જાણો વેપારી સંબંધોમાં અણબનાવનો ઘટનાક્રમ

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
India US trade war


Why India Faces 50% US Tariff : આજે 27 ઓગસ્ટના રોજથી અમેરિકાએ ભારત પર લગાવેલા વધારાના 25% ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે, જેને લીધે ભારતીય નિકાસ પર હવે કુલ 50% શુલ્ક લાદવામાં આવશે. આમ થતાં ભારતમાંથી અમેરિકા નિકાસ થતી ઘણી ચીજવસ્તુઓ પ્રભાવિત થશે. ભારત ઉપરાંત બ્રાઝિલ પર પણ ટ્રમ્પના પ્રશાસને આટલા ઊંચા ટેરિફ લાદ્યા છે. બ્રિક્સ સંગઠનના સભ્ય એવા બંને દેશનું નાક દબાવવા ટ્રમ્પે ટેરિફનું હથિયાર અજમાવ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય કે વર્ષની શરૂઆતમાં તો ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વધારવાની વાત ચાલી રહી હતી તો પછી એકાએક આ ખટાશ ક્યાંથી, કઈ રીતે આવી પડી?

ટ્રમ્પે ટેરિફનું મુખ્ય કારણ શું જણાવ્યું? 

જુલાઈ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવામાં આવ્યો ત્યારે તેમણે બ્રિક્સ સંગઠનને તેનું કારણ ગણાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'અમે હજી વાટાઘાટો કરી રહ્યા છીએ અને આમાં બ્રિક્સનો મુદ્દો પણ સામેલ છે. તમે જાણો છો કે, બ્રિક્સ અમેરિકા-વિરોધી દેશોનો સમૂહ છે અને ભારત તેનું સભ્ય છે. આ અમેરિકન ચલણ પર હુમલો છે અને અમે કોઈને આવું કરવા દઈશું નહીં.'

વેપાર ખાધને પણ કારણ ગણાવ્યું

બ્રિક્સનો મુદ્દો બાજુ પર મૂકીએ તો ટ્રમ્પે ભારત-અમેરિકા વચ્ચેની વેપાર ખાધને પણ મડાગાંઠનું કારણ ગણાવ્યું હતું. બંને દેશો વચ્ચેના વેપારમાં ભારત વધુ કમાય છે, અને અમેરિકાને ખાતે વેપાર ખાધ જમા થાય છે. એને લીધે પણ ટ્રમ્પે હવે ભારત સાથેના વેપાર મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે. 

આ પણ વાંચો : ભારતના જવાબ બાદ અમેરિકા નરમ પડ્યું? કહ્યું- છેવટે તો અમે સાથે જ રહીશું

વાટાઘાટોનો ક્રમિક ઇતિહાસ કેવો રહ્યો? 

- ફેબ્રુઆરી મહિનામાં ભારત અને અમેરિકા વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડોલર સુધી વધારવા માટે સહમત થયા હતા. ત્યારે ભારતે અમેરિકા પાસેથી ઊર્જા ખરીદી વધારવાનું વચન પણ આપ્યું હતું.

- માર્ચ મહિનામાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ટ્રમ્પ સરકારના મંત્રી હોવર્ડ લુટનિક વોશિંગ્ટનમાં મળ્યા. પછી એ જ મહિનામાં અમેરિકન અધિકારીઓ વેપાર મુદ્દે વધુ વાટાઘાટો માટે દિલ્હી આવ્યા.

- એપ્રિલમાં ઉપ-રાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારત આવ્યા ત્યારે દ્વિપક્ષીય વાટાઘાટોની રૂપરેખા તૈયાર કરવામાં આવી. સોદા પર હસ્તાક્ષર માટે 9 જુલાઈની સમયમર્યાદા નક્કી કરાઈ. 

- મે મહિનામાં પીયૂષ ગોયલ ફરી વોશિંગ્ટન ગયા. તેમની સાથે વરિષ્ઠ વાટાઘાટકાર રાજેશ અગ્રવાલ પણ હતા.

- જૂન મહિનામાં યુએસ વાણિજ્ય મંત્રી લુટનિક ભારત આવ્યા ત્યારે તેમણે કહ્યું કે સોદો ટૂંક સમયમાં અંતિમ રૂપ લઈ શકે છે. એ સમયે ટ્રમ્પે પોતે પણ કહ્યું હતું કે ભારત સાથે એક મોટો સોદો થવાનો છે. એ પછી ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે કૃષિ ઉત્પાદનો પર આયાત શુલ્કના મુદ્દે મતભેદ સર્જાતા વાટાઘાટો અટકી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પના યુએસ મુલાકાતના આમંત્રણને નકારી કાઢ્યું હતું.

- 4 જુલાઈએ પીયૂષ ગોયલે કહ્યું કે ભારત રાષ્ટ્રના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે. ભારતીય પ્રતિનિધિમંડળ 15મા રાઉન્ડની વાતચીત માટે અમેરિકા પહોંચ્યું. આ સમયગાળા દરમિયાન ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા હતા કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને અટકાવ્યો છે. જવાબમાં પીએમ મોદીએ સંસદમાં કહ્યું હતું કે, 'કોઈ પણ વિશ્વ નેતાએ અમને કામગીરી બંધ કરવા કહ્યું નથી.' એ પછી 31 જુલાઈએ ટ્રમ્પે પહેલીવાર ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી.

- 7 ઓગસ્ટે નવા ટેરિફ દરો લાગુ કરાયા. થોડા સમય પછી ટ્રમ્પે વધારાના 25% શુલ્કની પણ જાહેરાત કરી. પીએમ મોદીએ કહી દીધું કે ભારત ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં. 25 ઓગસ્ટે ભારત આવનારા યુએસ પ્રતિનિધિમંડળની મુલાકાત રદ કરવામાં આવી.

આ પણ વાંચો : ટ્રમ્પનું બેવડું વલણ: ભારત પર ટેરિફ ઝીંકી ખુદ અમેરિકાની રશિયા સાથે સોદાબાજી

મતભેદના મુખ્ય કારણો કયા હતા? 

બંને પક્ષો વચ્ચે એકથી વધુ મુદ્દે સહમતિ નથી. 

1) ડેરી અને કૃષિ સંબંધિત ઉત્પાદનો 

અમેરિકા ઇચ્છે છે કે તેના ડેરી અને કૃષિ સંબંધિત ઉત્પાદનો માટે ભારતીય બજાર ખોલી દેવામાં આવે અને એ માટે ભારત દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ આયાત શુલ્કમાં છૂટ આપે. ભારતનો ડેરી અને કૃષિ ઉદ્યોગ અમેરિકાના ડેરી અને કૃષિ ઉદ્યોગ જેવો સંગઠિત નથી. ભારતમાં લોકો ડેરી અને કૃષિ પેદાશોની છૂટક લે-વેચ કરે છે. તેથી જો આ ક્ષેત્રે અમેરિકાના સસ્તા ઉત્પાદનો ભારતમાં ઠલવાય તો ભારતના ઉત્પાદકોના વેચાણ પર એની પ્રતિકૂળ અસર થાય એમ છે. તેથી ભારતે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી અને આ માટે સંમત ન થયું.

2) ભારતની માંગો અમેરિકાને મંજૂર નથી

પ્રસ્તાવિત વેપાર કરાર હેઠળ, ભારત શ્રમ-સઘન ક્ષેત્રો માટે ખાસ શુલ્ક-છૂટની માંગ કરી રહ્યું છે. આમાં વસ્ત્રો, કાપડ, ચામડાની ચીજવસ્તુઓ, ઝીંગા, તેલીબિયાં, પ્લાસ્ટિક, રસાયણો, રત્નો અને ઘરેણાં, દ્રાક્ષ અને કેળા જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ભારત વધારાના શુલ્ક (26%) દૂર કરવાની અને સ્ટીલ-એલ્યુમિનિયમ (50%) અને ઓટો ક્ષેત્ર (25%) પર શુલ્કમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યું છે. આ માંગોમાં ભારતનો એકતરફી લાભ લાગતો હોવાથી અમેરિકાને એ મંજૂર નથી.

Tags :