ભારતના જવાબ બાદ અમેરિકા નરમ પડ્યું? કહ્યું- 'છેવટે તો અમે સાથે જ રહીશું'
Scott Bessent remains confident India–US ties will heal amid 50% tariff crisis : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના કારણે તણાવ સતત વધી રહ્યો છે. આજથી અમેરિકામાં ભારતથી જતાં સામાન પર 50 ટકા ટેરિફ સત્તાવાર રીતે લાગુ પડ્યો છે. બીજી તરફ ટ્રમ્પની કેબિનેટના સાથી કહી રહ્યા છે કે ભારત અને અમેરિકા છેલ્લે તો એકસાથે જ આવી જશે.
સ્કોટ બેસેન્ટનું મોટું નિવેદન
અમેરિકાની મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અમેરિકાના સેક્રેટરી ઓફ ટ્રેઝરી ( નાણામંત્રી ) સ્કોટ બેસેન્ટે કહ્યું છે, 'ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને અમેરિકા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. છેવટે તો અમે બંને દેશ સાથે જ આવી જઈશું.' ભારત સાથે ડીલ ન થવા મુદ્દે બેસેન્ટે વધુમાં કહ્યું છે, 'અમેરિકા સાથે ડીલ કરવા માટે ભારત સૌથી વહેલા આવનારા દેશોમાં હતો. ટેરિફ પર વાતચીત શરૂ થયા બાદ અમને લાગ્યું હતું કે મે કે જૂન મહિના સુધીમાં ટ્રેડ ડીલ થઈ જશે પણ વાટાઘાટો લાંબી ખેંચાતી ગઈ અને ડીલ થઈ શકી નહીં.'
નોંધનીય છે કે કૃષિ સેક્ટરને લઈને ભારત અને અમેરિકા વચ્ચે મતભેદો હોવાના કારણે ડીલ થઈ શકી નથી. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે જેના કારણે યુક્રેન યુદ્ધ સામે રશિયાને મદદ મળી રહી છે. જે બાદ ટ્રમ્પે વધારાના ટેરિફ ઝીંકવાની પણ જાહેરાત કરી. જે બાદ અમેરિકાએ ભારતની પ્રોડક્ટ્સ પર કુલ 50 ટકા ટેરિફ લગાવ્યા.