ટ્રમ્પનું બેવડું વલણ: ભારત પર ટેરિફ ઝીંકી ખુદ અમેરિકાની રશિયા સાથે સોદાબાજી
US Tariff: પશ્ચિમી દેશોના બેવડા ધોરણોનો ઇતિહાસ સાક્ષી છે. જેઓ આજે માનવાધિકારની વાતો કરે છે, ભૂતકાળમાં તેમણે તેનું ઉલ્લંઘન કર્યું છે. આજે જે પશ્ચિમી દેશો ભારત પર રશિયન તેલ ખરીદવા બદલ ગુસ્સે છે, તેઓ પોતે રશિયન ઊર્જા પર નિર્ભર છે. ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે રશિયન તેલ ખરીદવા માટે ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવ્યો છે, તેમના જ દેશની કંપની રશિયાની સૌથી મોટી કંપની સાથે ગુપ્ત ઊર્જા સોદા કરી રહી છે.
અમેરિકા અને રશિયા વચ્ચેનો ગુપ્ત ઊર્જા સોદો
ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે અમેરિકાએ રશિયા સાથે ઊર્જા ખરીદવા માટે ગુપ્ત સોદાબાજી કરી છે. રિપોર્ટ મુજબ, અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ જાહેરમાં વેપાર વધારવાની વાત કરી, પરંતુ ખાનગીમાં, બંને દેશોની મોટી ઊર્જા કંપનીઓએ રશિયાના તેલ અને ગેસ ક્ષેત્રોમાંથી તેલ કાઢીને ફરીથી વેપાર શરુ કરવાની યોજના બનાવી હતી.
અમેરિકાના બેવડા ધોરણો
ધ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, અમેરિકાની મોટી ઊર્જા કંપની એક્સૉન મોબિલ રશિયાની સરકારી કંપની રોસનેફ્ટ સાથે ફરી વેપાર શરુ કરવા ગુપ્ત વાતચીત કરી રહી છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી સામેલ છે. એક તરફ અમેરિકાએ રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવ્યો છે, જેથી કુલ ટેરિફ 50% થયો છે, જે ભારતના અરબો ડૉલરના વેપારને અસર કરી શકે છે. આ ઘટનાથી અમેરિકાના બેવડા ધોરણો સ્પષ્ટ થાય છે, જેના કારણે ભવિષ્યમાં ભારત અમેરિકા પર કેવી રીતે વિશ્વાસ કરી શકે તેવો પ્રશ્ન ઊભો થયો છે.
આ પણ વાંચો: ટ્રમ્પના આરોગ્યને લઈને મનોવૈજ્ઞાનિકોનો ગંભીર દાવો! આ માનસિક બીમારીના લક્ષણ દેખાયા
અમેરિકા દલીલ કરે છે કે ભારતના રશિયન તેલ ખરીદવાથી યુક્રેનમાં યુદ્ધને સમર્થન મળે છે. જોકે, આ જ અમેરિકાની કંપની એક્સૉન મોબિલ રશિયાની કંપની રોસનેફ્ટ સાથે ફરીથી ઊર્જા કરાર કરી રહી છે, જે તેમના બેવડા ધોરણો દર્શાવે છે. જે રશિયન તેલ-ગેસ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો, તે જ રશિયન પ્રોજેક્ટમાં હવે અમેરિકા ભાગીદારી શોધી રહ્યું છે.
ટ્રમ્પ પ્રશાસને પહેલેથી જ આપી હતી લીલીઝંડી
ધ વોલ સ્ટ્રીટ જર્નલના ખુલાસા મુજબ, ટ્રમ્પ અને પુતિનની મુલાકાત બાદ એવું જણાય છે કે વ્હાઇટ હાઉસે અમેરિકન ઊર્જા કંપનીઓને રશિયામાં ફરીથી રોકાણ કરવાની મંજૂરી આપી દીધી છે. જો શાંતિ પ્રક્રિયા આગળ વધે તો પશ્ચિમી કંપનીઓને રશિયામાં વેપાર શરુ કરવાની તક અપાશે તેવી ટ્રમ્પ પ્રશાસનની દલીલ છે. જો આમ જ કરવાનું હોય, તો પછી ભારત વિરુદ્ધ ટેરિફ શા માટે લગાવાયા છે? આખરે, અમેરિકા અને ભારત માટે બેવડા ધોરણો કેમ?