For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક સમયે 500થી વધુ બેઠકો પર લડનાર કોંગ્રેસ આ વખતે કેમ સમજૂતી કરી લેવા તૈયાર થઇ, જાણો કારણ

Updated: Apr 27th, 2024

એક સમયે 500થી વધુ બેઠકો પર લડનાર કોંગ્રેસ આ વખતે કેમ સમજૂતી કરી લેવા તૈયાર થઇ, જાણો કારણ

Lok Sabha Elections 2024: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં એક તરફ ભાજપ ત્રીજી ટર્મ માટે મથામણ કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવા ઉપરાંત પરિવર્તનનો પવન ફુંકાય તે માટે મરણીયા પ્રયાસ કરી રહી છે. દેશની લોકશાહીની વિચિત્રતા એવી છે કે, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ જ હવે દેશમાં નબળી પડી ગઈ છે. 

એક સમયે જે પાર્ટીનો દબદબો હતો, જનતા લીલા તોરણે સ્વાગત કરતી હતી તેની સ્થિતિ હવે દયનીય થઈ રહી છે. સૌથી વધુ બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખવાનો સુવર્ણ ઈતિહાસ ધરાવતી કોંગ્રેસ હવે નાની અને પ્રાદેશિક પાર્ટીઓ સાથે સમજૂતીઓ કરવાની સ્થિતિમાં આવી ગઈ છે. 

કોંગ્રેસ ઓછી બેઠકો ઉપર ચૂંટણી લડવાનો રેકોર્ડ બનાવશે 

500થી વધુ બેઠકો ઉપર ચૂંટણી લડનાર કોંગ્રેસ હવે 300 બેઠકો ઉપર પણ ચૂંટણી લડી શકતી નથી. તેને અસ્તિત્વ ટકાવી રાખવા માટે અન્ય વિપક્ષો સાથે ગઠબંધન કરવા પડે છે. કોંગ્રેસ દ્વારા છેલ્લી બે ટર્મથી બેઠકો સતત ઘટાડવામાં આવી રહી છે. 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ ઓછી બેઠકો ઉપર ચૂંટણી લડવાનો રેકોર્ડ બનાવવાની છે.

આઝાદી બાદ દેશમાં પહેલી વખત કોંગ્રેસ આટલી ઓછી બેઠકો ઉપર ચૂંટણી લડશે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં માત્ર ત્રણ ચૂંટણીઓને બાદ કરતા કોંગ્રેસે સતત ઓછી બેઠકો ઉપર ચૂંટણી લડી છે. 

દેશમાં કુલ 543 બેઠકો માટે ચૂંટણી થતી હોય છે. 2024ની આ ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 300થી પણ ઓછી બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 278 ઉમેદવાર જાહેર થયા છે અને બે-ત્રણ રાજ્યોની બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. 

1989માં કોંગ્રેસના 510 બેઠકો ઉપર ઉમેદવાર ઉભા હતા 

આ બધું ભેગું કરીએ તો પણ કોંગ્રેસની 300 બેઠકો સુધી પહોંચ જતી નથી. 1989માં કોંગ્રેસ દ્વારા 510 બેઠકો ઉપર ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ સતત તેમાં ઘટાડો જોવા મળ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે 421 બેઠકો ઉપર ઉમેદવાર ઉતાર્યા હતા. હવે તો આ આંકડો 300ની અંદર જતો રહ્યો છે. 

બેઠકોની વહેંચણીમાં અન્ય વિપક્ષો કોંગ્રેસને દબાવી રહ્યા છે

કોંગ્રેસની છેલ્લી બે લોકસભામાં થયેલી નાલેશીભરી હારને કારણે તેનું રાજકીય મહત્ત્વ એકાએક ઘટવા લાગ્યું છે. કોંગ્રેસ સાથે રહેલા અન્ય વિપક્ષો અને પ્રાદેશિક પક્ષો પણ કોંગ્રેસને દબાવી રહ્યા છે. 2024માં ભાજપને હરાવવા માટે વિપક્ષો દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે પણ તેમાં કોંગ્રેસની ભૂમિકા મોટા નામ તરીકેની જ છે. 

બેઠકોની વહેંચણીમાં તો સાથી વિપક્ષોએ લગામ પોતાના હાથમાં રાખી છે અને કોંગ્રેસને દબાવી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, અન્ય વિપક્ષો કોંગ્રેસની મજબૂરીનો મોટાપાયે ગેરફાયદો લઈ રહ્યા છે અને કોંગ્રેસ પાસે દબાવવા સિવાય કોઈ વિકલ્પ પણ બચ્યો નથી. 

2014 અને 2019માં ભયાનક પરાજય બાદ કફોડી હાલમાં મુકાયેલી કોંગ્રેસે આ વખતે મોટા ઉપાડે ઈન્ડિયા ગઠબંધન તો કર્યું છે પણ તેમાં લગામ કોઈના હાથમાં નથી. આ જોડાણમાં જો મોટા રાજ્યો ઉપર નજર કરીએ તો કોંગ્રેસને ખાસ બેઠકો મળી નથી. 

ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો છે તેમાંથી કોંગ્રેસને માત્ર 17 બેઠકો આપવામાં આવી છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ શિવસેના અને એનસીપી દ્વારા કોંગ્રેસને સમર્થન અપાયું છે અને જોડાણ કરાયું છે પણ બેઠકો વધારે આપવામાં આવી નથી. 

મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસને 48 માંથી 17 બેઠકો જ અપાઈ છે. તેવી જ રીતે બિહારમાં 40 બેઠકોમાંથી માત્ર નવ બેઠકો, તમિલનાડુમાં 39 બેઠકોમાંથી નવ બેઠકો અને પશ્ચિમ બંગાળમાં ૪૨ બેઠકોમાંથી માત્ર 13 બેઠકો જ આપવામાં આવી છે. 

બંગાળમાં મમતાએ અને કેરળમાં ડાબેરીઓએ કોંગ્રેસનો હાથ ન ઝાલ્યો

કોંગ્રેસ દ્વારા ઈન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી જેથી વિપક્ષો એકજૂથ થઈને ભાજપને પરાજિત કરી શકે. તેના ભાગરૂપે જ પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ કોંગ્રેસ ફાવી નહોતી. 

પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા એકલા હાથે જ ચૂંટણી લડવાની વાત કરવામાં આવી હતી. ઈન્ડિયા ગઠબંધનમાં જોડાયેલી આમ આદમી પાર્ટીએ ઓફર ફગાવી તે કોંગ્રેસ માટે મોટા આઘાત સમાન હતી. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ટીએમસી દ્વારા કોંગ્રેસ સાથે જોડાણની અને બેઠકો આપવાની વાત ફગાવી દેવાઈ હતી. તે ઉપરાંત કેરળમાં પણ ડાબેરીઓએ કોંગ્રેસની સાથે બેઠકો વહેંચવાનું કે જોડાણ કરવાનું મુનસીબ સમજ્યું જ નહોતું.

2014માં માત્ર 44 બેઠકો અને 2019માં માત્ર 52 લોકસભા બેઠકો જીતનાર કોંગ્રેસ પાસે હાલમાં પોતાના દમ ઉપર જીતેલી વિધાનસભામાં સરકાર ધરાવતા ત્રણ જ રાજ્યો છે. હિમાચલમાં કોંગ્રેસની સરકાર કેટલા દિવસ ચાલે છે તે પણ નક્કી નથી. 

ઓછી બેઠકોની રણનીતિ કે પછી બચાવ પ્રયુક્તિ

રાજકીય જાણકારો માને છે કે, કોંગ્રેસની રણનીતિ જે હોય તે પણ તેની ઓછી બેઠકો તેની રણનીતિને નહીં પણ નબળી પડતી રાજનીતિને છતી કરી રહી છે. તે માત્ર બચાવ પ્રયુક્તિ જ બની રહી છે. કોંગ્રેસમાંથી ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસને જ નડી રહ્યા છે. 

હિમાચલની જ વાત કરીએ તો અહીંયા છ ધારાસભ્યો દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યો હતો. તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમાંથી કેટલાક તો હાલમાં ભાજપમાંથી જ આ બેઠકો ઉપર પેટા ચૂંટણીમાં ઉમેદવાર પણ બની ગયા છે. બીજી વાત એવી છે કે, 2014 પછી કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પક્ષ છોડીને જતા રહ્યા છે. 

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભ, રોહન ગુપ્તા, વરિષ્ઠ નેતા સંજય નિરુપમ અને સ્ટાર પ્રચારક નેતા વિજેન્દ્ર સિંહ દ્વારા પક્ષ છોડવામાં આવ્યો છે. હાલમાં કોંગ્રેસની સ્થિતિ એવી થઈ છે કે, જો કોંગ્રેસ આ લોકસભા ચૂંટણીમાં પણ યોગ્ય રીતે દેખાવ ન કરી શકી તો તેણે બચેલી આબરૃ પણ ગુમાવવી પડશે. 

ખાસ કરીને વિપક્ષોના ગઠબંધનનું નેતૃત્ત્વ પણ તેણે ગુમાવવાનો વારો આવે. આ વખતે ઓછા ઉમેદવારો રણનીતિ કે રાજનીતિનો ભાગ બનશે કે નહીં પણ લાજ બચાવવાની નીતિનો તો ભાગ બનવી જ જોઈએ. 

ગુજરાત, દિલ્હી અને હરિયાણામાં પણ સમજૂતી કરવી પડી

દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા શાસન ચલાવવાનો લાંબો ઈતિહાસ રહ્યો છે પણ પછી તેના કાંગરા જે ખર્યા છે તેને ભેગું કરનાર પણ કોઈ વધ્યું નથી. 1998થી 2013 સુધી કોંગ્રેસની દિલ્હીમાં સરકાર રહી હતી. ત્યારબાદ તેમાં પડતી આવી અને સ્થિતિ બદલાવા લાગી. ત્યારબાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી ગયું. 

કોંગ્રેસે હવે પોતાના કટ્ટર હરીફ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાના દિવસો આવ્યા છે. તેમાં પણ સાત બેઠકોમાંથી કોંગ્રેસના ફાળે ત્રણ જ બેઠક આવી છે. હરિયાણામાં પણ કોંગ્રેસની આવી જ સ્થિતિ છે. 

2005થી 2014 સુધી હરિયાણાની સરકાર ચલાવનાર કોંગ્રેસને હવે અહીંયા પણ સમજૂતીઓ કરવી પડે છે. એક સમયે હરિયાણાની 10 લોકસભા બેઠકો ઉપર ચૂંટણી લડતી કોંગ્રેસને આ વખતે કુરુક્ષેત્રની બેઠક આમ આદમી પાર્ટીને આપવી પડી છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી આગળ નમતુ જોખવાનો વારો આવ્યો છે. 

વિધાનસભામાં તો કોંગ્રેસ ઘણા વર્ષથી અહીંયા સત્તાથી દૂર છે અને હવે લોકસભામાં પણ છેલ્લાં એક દાયકાનો વનવાસ આવેલો છે. આ વર્ષે લોકસભામાં બેઠક જીતવા માટે ગુજરાતમાં તેણે ભાવનગર અને ભરુચ બે બેઠકો આમ આદમી પાર્ટીને આપવી પડી છે. 

યુપીમાં થયેલા ખરાબ પ્રદર્શને કોંગ્રેસને લાચાર બનાવી દીધી

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું લોકસભામાં પણ પ્રદર્શન સતત ઘટતું રહ્યું છે. 2014માં તો કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી અને રાયબરેલી ઉપર કોંગ્રેસે વિજય મેળવી લીધો હતો. આ વિજય ખાસ મહત્ત્વનો રહ્યો નહોતો. માત્ર કોંગ્રેસની લાજ બચી ગઈ હતી. 2019માં તો કોંગ્રેસની લાજ પણ જતી રહી જ્યારે અમેઠીની બેઠક ઉપર કોંગ્રેસના જ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પરાજય થયો. 

ત્યારબાદ 2022ની વિધાનસભાની ચૂંટણી ઉપર નજર કરીએ તો 403 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસના ફાળે માત્ર બે જ બેઠકો આવી. તેનો વોટશેર પણ માત્ર 2.33 ટકા રહ્યો હતો. બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ ગઠબંધન થયું છે પણ કામ થયું નથી. 

છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અનુક્રમે 25 અને 26 બેઠકો ઉપર ચૂંટણી લડી હતી પણ તે સમયે ગઠબંધન મોટું નહોતું. તેમાં શિવસેનાનો પણ સમાવેશ થયેલો નહોતો. આ વખતે ગઠબંધન મોટું થયું છે ત્યારે કોંગ્રેસની બેઠકો ઘટી ગઈ છે. 

Article Content Image

Gujarat