Get The App

'સંસદમાં વંદે માતરમ્ મુદ્દે ચર્ચા થઈ કારણ કે, બંગાળમાં ચૂંટણી છે...' પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
'સંસદમાં વંદે માતરમ્ મુદ્દે ચર્ચા થઈ કારણ કે, બંગાળમાં ચૂંટણી છે...' પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર 1 - image


Priyanka Gandhi On Vande Mataram : રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના 150 વર્ષ પૂરા થવાના અવસરે લોકસભામાં સોમવારે યોજાયેલી વિશેષ ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ ચર્ચાના સમય અને હેતુ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, સરકાર દેશના મહત્ત્વના મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને રાજકીય લાભ લેવા માટે આ ચર્ચા કરાવી રહી છે.’

સરકાર મહત્ત્વના મુદ્દા પરથી ધ્યાન ભટકાવી રહી છે: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે, ‘વંદે માતરમ્ પર આટલી લાંબી ચર્ચા કરવાની આજે કોઈ જરૂર જણાતી નથી, કારણ કે આ ગીત દેશવાસીઓના હૃદયમાં પહેલેથી જ વસેલું છે. આ ચર્ચા કરાવવાનો પહેલો હેતુ આગામી બંગાળની ચૂંટણી છે, જેમાં વડાપ્રધાન મોદી પોતાની ભૂમિકા ભજવવા માગે છે. સરકાર દેશની આઝાદી માટે બલિદાન આપનારા નેતાઓ પર નવા આરોપો લગાવીને અને વંદે માતરમ્ પર ચર્ચા કરાવીને જનતાનું ધ્યાન બેરોજગારી, ગરીબી જેવા વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવી રહી છે.’

નેહરુ પરના આક્ષેપોનો પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ

ચર્ચાની શરુઆતમાં વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ‘વંદે માતરમ્’ને વિવાદોમાં ઘસડવાનો અને મુસ્લિમ લીગના દબાણમાં તેના ટુકડા કરવાનો આરોપ મૂક્યો હતો. આના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી 12 વર્ષથી વડાપ્રધાન છે, તેટલા જ વર્ષ પંડિત નેહરુએ જેલમાં વિતાવ્યા હતા. પછી તેઓ 17 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા છે. તમે પંડિત નેહરુનું અપમાન કરવા માટેની તમામ બાબતોની એક વખત યાદી બનાવી લો. પછી અધ્યક્ષની પરવાનગી લઈને જેટલા કલાકો સુધી ચર્ચા કરવી હોય તેટલી કરી લેજો. પરંતુ જનતાએ જે કામ માટે અમને અહીં મોકલ્યા છે, તે બેરોજગારી, ગરીબી જેવા વર્તમાન અને ભવિષ્યના મુદ્દાઓ પર વાત કરો.’

‘વંદે માતરમ્’ પર સવાલ ઉઠાવવો એ વિભૂતિઓનું અપમાન: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘વંદે માતરમ્'ના જે સ્વરૂપને સંવિધાન સભાએ સ્વીકાર્યું છે, તેના પર સવાલ ઉઠાવવા એ રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, મૌલાના અબ્દુલ કલામ આઝાદ અને ભીમરાવ આંબેડકર જેવી મહાન વિભૂતિઓનું અપમાન છે. આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ્ હંમેશા માટે પવિત્ર રહ્યું છે અને રહેશે.

વડાપ્રધાન મોદીના બદલાયેલા આત્મવિશ્વાસ પર સવાલ

વંદે માતરમ્ પરની ચર્ચામાં પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘આજ કાલ મોદીજી તે વડાપ્રધાન નથી રહ્યા, જે એક સમયે હતા. સત્ય એ છે કે તેમનો આત્મવિશ્વાસ ઘટવા લાગ્યો છે. તેમની નીતિઓ દેશને નબળો પાડી રહી છે. ચૂપ બેઠેલા સત્તા પક્ષના સાથીઓ પણ આવું માનવા લાગ્યા છે. આજના લોકો તમામ સમસ્યાઓથી ઘેરાયેલા છે. વંદે માતરમ્ દેશના કણ-કણમાં છે, તેના પર ચર્ચા ન થઈ શકે. વંદે માતરમ્ પર ચર્ચા કરવી મને અજીબ લાગી રહી છે. આ ગીત તમામ દેશવાસીઓના દિલમાં વસી ગયું છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવાની કેમ જરૂર પડી?

આ પણ વાંચો : ‘જો કોઈ ભૂલ કરશે તો...’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સોને ચેતવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં શું કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં 'વંદે માતરમ્'ની ચર્ચા દરમિયાન આક્ષેપ કર્યો હતો કે, ‘ગઈ સદીમાં 'વંદે માતરમ્'ની સાથે વિશ્વાસઘાત થયો. તેને વિવાદોમાં ઘસડવામાં આવ્યું. મુસ્લિમ લીગે તેનો વિરોધ કર્યો, જિન્નાએ 1937માં તેનો વિરોધ કર્યો. નેહરુએ મુસ્લિમ લીગની નિંદા ન કરી. જિન્નાના વિરોધ પછી નેહરુને પોતાની ખુરશીનો ખતરો લાગ્યો. 'વંદે માતરમ્'ના અમુક શબ્દો પર મુસ્લિમોને વાંધો હતો. કોંગ્રેસે તેની સમીક્ષા કરવાની વાત કરી. કોંગ્રેસે 'વંદે માતરમ્'ના ટુકડા કરી દીધા. કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેકવી દીધા અને મુસ્લિમ લીગના દબાણમાં 'વંદે માતરમ્'ના ટુકડા કરી દીધા. તુષ્ટિકરણની રાજનીતિના દબાણમાં કોંગ્રેસ 'વંદે માતરમ્' માટે ઝૂકી, એટલે જ ભારતનું વિભાજન થયું.’

'વંદે માતરમ્'ની ભૂલાવી દેવાયેલી પંક્તિઓ ભારતનો આત્મા: રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ‘વંદે માતરમ્'ની ભૂલાવી દેવાયેલી પંક્તિઓ ભારતની આત્મા છે. આ પંક્તિઓ જણાવે છે કે ભારતનું અધ્યાત્મ તોડવાનું નહીં, પણ જોડવાનું કામ કરે છે. આનંદ મઠ ક્યારેય ઇસ્લામ વિરોધી ન હતો. અમારી સરકારે 'વંદે માતરમ્'ની 150મી વર્ષગાંઠ ધામધૂમથી મનાવવાનો નિર્ણય કર્યો છે. વંદે માતરમ્ સાથે થયેલો અન્યાય તુષ્ટિકરણની રાજનીતિનું કારણ હતું, જેનાથી સાંપ્રદાયિક સૌહાર્દ નબળું પડ્યું. 1937માં કોંગ્રેસે તેને ખંડિત કરવાનો નિર્ણય લીધો હતો, જે આઝાદ ભારતના લોકો સાથેનો અન્યાય હતો. અમે આજે 'વંદે માતરમ્'ની ગરિમાને ફરી સ્થાપિત કરી રહ્યા છીએ.’

આ પણ વાંચો : શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ધડાક લેતા શેર તૂટ્યો

Tags :