India

કેન્સરની જેમ અન્ય દવાઓનાં ટ્રેડ માર્જિન કેમ મર્યાદિત નહીં : સુપ્રીમનો કેન્દ્રને સવાલ

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે કેન્સરની દવાઓના ટ્રેડ માર્જિનને 30% સુધી મર્યાદિત કરવાના કેન્દ્રના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે પ્રશ્ન કર્યો કે, વાસ્તવિક ખર્ચથી 400 ગણી વધુ કિંમતે દવા વેચવાની પરવાનગી શા માટે? જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે તમામ દવાઓના ભાવ નિયંત્રણમાં લેવા પર ભાર મૂક્યો. આગામી સુનાવણી 27 ઓક્ટોબરે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્સરની જેમ અન્ય દવાઓનાં ટ્રેડ માર્જિન કેમ મર્યાદિત નહીં : સુપ્રીમનો કેન્દ્રને સવાલ
  • કેસની આગામી સુનાવણી ૨૭ ઓક્ટોબરે
  • કેન્સરની દવાઓનાં ટ્રેડ માર્જિનને ૩૦ ટકા સુધી મર્યાદિત કરવાનાં કેન્દ્રનાં નિર્ણયથી ખુશ થવા જેવી કોઇ વાત નથી : સુપ્રીમ કોર્ટ
  • વાસ્તવિક ખર્ચથી ૪૦૦ ગણી વધારે કિંમતે દવા વેચવાની મંજૂરી આપવા પાછળનો તર્ક શું છે? : સુપ્રીમ

નવી દિલ્હી : કેન્સર વિરોધી દવાઓનાં ટ્રેડ માર્જિનને એમઆરપીનાં ૩૦ ટકા સુધી મર્યાદિત કરવાનાં કેન્દ્રનાં જવાબથી ખુશ થવા જેવી કોઇ વાત નથી તેમ સુપ્રીમ કોર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં પ્રશ્ર કર્યો છે કે સરકાર બીજી દવાઓનાં ટ્રેડ માર્જિનને કેમ મર્યાદિત કરી શક્તી નથી? ઉલ્લેખનીય છે કે આ અગાઉ હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી કેન્સર વિરોધી દવાઓ ઉંચી કીંમત વસુલ કરવા બદલ કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ભારે ટીકાઓનો સામનો કરવો પડયો હતો.
કેન્દ્રે જણાવ્યું છે કે સરકારે કેન્સર વિરોધી દવાઓ પર ટ્રેડ માર્જિનને એમઆરપીનાં ૩૦ ટકા સુધી મર્યાદિત કરવાનો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેના કારણે દર્દીઓને વાર્ષિક ૨૫૦૦ કરોડ રૂપિયા બચત થવાની આશા છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે જણાવ્યું હતું કે સરકારનો જવાબ અપૂરતો હતો અને એ વાતની તરફ ઇશારો કર્યો કે બજારમાં એક સેલાઇન ડ્રિપ ૨૭૦ રૂપિયામાં વેચવામાં આવી હતી. જ્યારે તેની વાસ્તવિક પડતર ૧૧ રૂપિયા હતી.
ખંડપીઠે જણાવ્યું હતું કે ખુશ થવા જેવી કોઇ વાત નથી. વાસ્તવમાં દર્દીઓનાં ફાયદા માટે કશું જ નથી. જસ્ટિસ નાથે સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે કોર્ટને એ સમજ પડી રહી નથી કે જો સરકાર કેન્સર વિરોધી દવાઓનાં ભાવ મર્યાદિત કરી શકે છે તો તે તમામ દવાઓને આ દાયરામાં કેમ લાવી શક્તી નથી.
ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે અમે સમજીએ છીએ કે ટ્રાન્સપોર્ટ ખર્ચ, કાચા માલનો ખર્ચ, આર એન્ડ ડી ખર્ચ અને અન્ય તમામ સહાયક ખર્ચાઓ હોય છે પણ આ તમામ એમઆરપીમાં સામેલ હોય છે. વાસ્તવિક ખર્ચથી ૪૦૦ ગણી વધારે કીંમતે વેચવાની મંજૂરી આપવા પાછળનોે તર્ક શું છે? તમે આ અંગે મંજૂરી કઇ રીતે આપો છો? એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ ખંડપીઠને જણાવ્યું હતું કે ભારતમાં દવાઓનાં ભાવ વિશ્વમાં સૌથી ઓછા છે અને આ જ કારણ છે કે વિદેશમાંથી અનેક લોકો સારવાર માટે ભારત આવે છે.
તુષાર મહેતાએ જણાવ્યું હતું કે દવાઓની કીંમત પર એક મર્યાદાથી વધારે રોક લગાવી શકાય તેમ નથી કારણકે વધારે માર્જિનને કારણે જ તે દૂરનાં અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી શકે છે. મૂળ વિવાદ એ છે કે કઇ દવા ડીપીસીઓ (ડ્રગ્સ પ્રાઇસિસ કન્ટ્રોલ ઓર્ડર)ની યાદીમાં હોવી જોઇએ અને કઇ નહીં. ખંડપીઠે કેસની આગામી સુનાવણી ૨૭ એોક્ટાબરે નક્કી કરી છે.