For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેમ આપને લાગી રહ્યો છે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનનો ભય? LGએ મીટિંગ બોલાવતા વધી ચિંતા

Updated: Apr 9th, 2024

કેમ આપને લાગી રહ્યો છે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનનો ભય? LGએ મીટિંગ બોલાવતા વધી ચિંતા

AAP vs LG in Delhi : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં જતાની સાથે રાજધાનીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની અટકળોએ ફરી જોર પકડ્યું છે. હકીકતમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને દિલ્હી સરકારની ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે  તે પછી આમ આદમી પાર્ટી (AAP) નેતાઓમાં રાષ્ટ્રપતિ શાસનને લઈને ગભરાહટ વધી ગયો છે. સોમવારે દિલ્હી વિધાનસભામાં બોલતાં AAP ધારાસભ્યએ દાવો કર્યો હતો કે ભાજપ AAPને ડરાવવા માટે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની અફવાઓ ફેલાવી રહ્યું છે. 

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને દિલ્હીની હાલની પરિસ્થિતિ વિશે માહિતી આપી છે. કેન્દ્રીય ગૃહ સચિવને સંબોધિને લખેલા પત્રમાં કહ્યું છે કે, દિલ્હી સરકારના મંત્રીઓ લેફ્ટનન્ટ ગવર્નર સાથે બેઠક કરવાનો ઈન્કાર કરી રહ્યા છે. મંત્રીઓ સાર્વજનિક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાને બદલે અવગણના કરી રહ્યા છે. એલજીના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ અને તેના પછીના ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેફ્ટનન્ટ ગવર્નર પાણી, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, પર્યાવરણ તેમજ વનવિભાગો સાથે સંબંધિત દિલ્હી સરકારના મુખ્ય મંત્રીઓની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો હતો.

લેફ્ટનન્ટ ગવર્નરે 29 માર્ચ અને 2 એપ્રિલ એમ બે વખત મંત્રીઓ સાથે મીટિંગ માટે કહ્યું, પરંતુ આરોગ્ય મંત્રી મુદ્દાઓ ઉકેલવાને બદલે સાર્વજનિક રીતે કીચડ ઉછાળવામાં વ્યસ્ત છે. તેઓએ લેફ્ટનન્ટ ગવર્નરને મળવાનો ઇનકાર કરી દીધો છે, જ્યારે અન્ય મંત્રીઓ ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, આતિશીએ પણ અસંવેદનશીલતા દર્શાવી હતી અને નાગરિકોને અસર કરતા દૈનિક મુદ્દાઓ પર લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના સાથે બેઠકમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો.  

લેફ્ટનન્ટ ગવર્નરનું કહેવું છે કે, આ બેઠક જરુરી હતી : મુખ્ય સચિવ

લેફ્ટનન્ટ ગવર્નરે પત્રમાં મંત્રીઓને બેઠકમાં હાજરી આપવા જણાવ્યું હતું, પરંતુ તેઓ દરેકે ઈ-મેલ દ્વારા આદર્શ આચાર સંહિતાનો ઉલ્લેખ કરીને બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ સાથે ઉપરાજ્યપાલના મુખ્ય સચિવે પત્રમાં કહ્યું છે કે, ઉપરાજ્યપાલનું કહેવું છે કે, આ બેઠક જરૂરી હતી, કારણ કે, સીએમ કેજરીવાલની ધરપકડના કારણે સરકારના નિયમિત કામમાં કોઈ અડચણ ન આવે.

LG પાસે મીટિંગ બોલાવવાનો અધિકાર નથી: સૌરભ ભારદ્વાજ

LG વિનય કુમાર સક્સેના દ્વારા દિલ્હી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે તેનો વળતો પ્રહાર કર્યો હતો. ભારદ્વાજે કહ્યું કે એલજીએ બંધારણને સમજવું જોઈએ. તેઓ કયા વિષયોનો ઉલ્લેખ કરી રહ્યા છે, પાણી, આરોગ્ય, પર્યાવરણ અને વન વિભાગનો?  આ ટ્રાન્સફરનો વિષય છે એટલે કે તે ચૂંટાયેલી સરકારનો વિષય છે.

દિલ્હી સરકારે એલજી ઓફિસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા

એલજી દ્વારા ગૃહ મંત્રાલયને લખેલા પત્ર પર દિલ્હી સરકારે એલજીની ટીકા કરી હતી, જેમાં એલજીએ આરોપ લગાવ્યો હતો કેસ સરકારના મંત્રીઓ તેમના દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં હાજરી આપતા નથી. તેના જવાબમાં આમ આદમી પાર્ટીની સરકારે તેને ટ્રાન્સફરનો મામલો ગણાવ્યો હતો, અને એલજી ઓફિસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. દિલ્હી સરકારે 'ભારતના બંધારણ અનુસાર દિલ્હીની ચૂંટાયેલી સરકારને હસ્તાંતરિત વિષયો' માં તેમની ભૂમિકા અંગે એલજીના કાર્યાલયમાં પૂર્ણ ભ્રમની સ્થિતિ પર નિશાન સાધ્યું હતું. 

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કોશિશ કરી રહ્યું છે ભાજપા

ગત સોમવારે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોએ આરોપ લગાવતાં કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ભાજપ રાજધાનીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કોશિશ કરી રહ્યું છે. કસ્તુરબા નગરના AAP ધારાસભ્ય મદનલાલે 'દિલ્હીમાં ગેરબંધારણીય રીતે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કોશિશ' વિષય પર ચર્ચા દરમિયાન દાવો કર્યો હતો કે, ભાજપ કેજરીવાલની ધરપકડ બાદ રાજીનામું આપવા પર દબાણ કરવાની કોશિશ કરી રહી છે. તેમણે કહ્યું કે, હાલમાં દિલ્હીમાં ઈમરજન્સી જેવી સ્થિતિ પેદા થઈ છે. એલજી વીકે સક્સેના કહી રહ્યા છે કે, તેઓ કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવવા માટે મંજૂરી નહી આપે. આ સાથે મદનલાલે  દાવો કરતાં કહ્યું કે, આમ આદમી પાર્ટીને ડરાવવા માટે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.


Gujarat