ધનખડની જગ્યાએ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? 5 રાજ્યો પર ફોકસ, PMના પાછા ફરતાં જ થશે બેઠક
Vice President of India: 21 જુલાઈએ જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપ્યા બાદ NDA ઉપરાષ્ટ્રપતિના પદ માટે પોતાના નવા ઉમેદવાર પસંદ કરવાની તૈયારીમાં જોડાઈ ગયું છે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માલદીવ મુલાકાત બાદ લેવામાં આવ્યો છે. NDAની આ મહત્ત્વની બેઠક જલ્દી યોજાશે તેવી સંભાવના છે. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, ભાજપ પોતાના જ કોઈ અનુભવી નેતાને નિયુક્ત કરવાની યોજના બનાવી રહ્યું છે, જેને ગઠબંધનના સહયોગી પાર્ટીનું પણ સમર્થન મળે. અહીં ખાસ વાત એ છે કે, આવનારા ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર એવા પાંચ રાજ્યોમાંથી એક હોય શકે છે, જ્યાં આવતા એક વર્ષ સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
ધનખડના રાજીનામાંએ ચોંકાવ્યા
જગદીપ ધનખડે સ્વાસ્થ્યનું કારણ જણાવી ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે, તેમનો આ નિર્ણય ચોંકાવનારો હતો. કારણ કે, તે પોતાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક વિપક્ષી પાર્ટીઓ સાથે વિવાદના કારણે ચર્ચામાં રહ્યા હતા. ધનખડ ભારતના એ ગણતરીના ઉપરાષ્ટ્રપતિઓમાં સામેલ થયા છે, જેણે પોતાના કાર્યકાળ દરમિયાન રાજીનામું આપ્યું હોય. આ પહેલાં ફક્ત વી. પી ગીરી અને આર. વેંકટરમણે જ આવું કર્યું હતું.
આ પણ વાંચોઃ બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના
NDAની મજબૂત સ્થિતિ
ઉપરાષ્ટ્રપતિની પસંદગી લોકસભા અને રાજ્યસભાના સાંસદોથી બનેલા ચૂંટણી મંડળ દ્વારા કરવામાં આવે છે. વર્તમાનમાં ચૂંટણી મંડળમાં કુલ 782 સાંસદ છે, જેમાંથી NDA પાસે લગભગ 425 સાંસદોનું સમર્થન છે. આ સ્પષ્ટ બહુમત NDAના ઉમેદવારને આ પદ માટે પ્રબળ દાવેદાર બનાવે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપ પોતાના સંગઠનાત્મક અને વૈચારિક મૂલ્યોને ધ્યાને રાખીને એક એવા નેતાની પસંદગી કરશે, જેની પાસે વ્યાપક રાજકીય અને કાયદાકીય અનુભવ હોય.
આ પાંચ રાજ્યો પર વિશેષ ધ્યાન
ઉપરાષ્ટ્રપતિને લઈને એનડીએની વ્યૂહનીતિ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ઘડવામાં આવશે. બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર અને આવતા વર્ષે આસામ સિવાય પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ જેવા પ્રમુખ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. તેથી ઉમેદવારની પસંદગી ચૂંટણીના પાસાઓની પણ ભૂમિકા હોવાની સંભાવના છે.
શું હોય છે ઉપરાષ્ટ્રપતિના પદની જવાબદારી?
ઉપરાષ્ટ્રપતિ ઉપલા ગૃહના સભાપતિ હોય છે, જે સંસદની કાર્યવાહીને આકાર આપવા અને આ પ્રકારે સરકારના એજન્ડાને દિશા આપવામાં એક મહત્ત્વનું પદ છે.
કોણ છે સંભવિત ઉમેદવાર?
જોકે, હજુ સુધી ઉપરાષ્ટ્રપતિના પદને લઈને કોઈ સત્તાવાર નામ સામે નથી આવ્યું, પરંતુ ચર્ચા છે કે, રાજ્યસભાના ઉપસભાપતિ તેમજ એનડીએ સહયોગી જનતા દળ (યુનાઇટેડ)ના સાંસદ હરિવંશ એક નામ હોય શકે છે. તેઓ 2020થી આ પદ પર કાર્યરત છે અને એક મજબૂત દાવેદાર છે. તેમને સરકારનો વિશ્વાસ મળેલો છે તેમજ બિન-વિવાદાસ્પદ ચહેરો છે. પરંતુ, બીજીબાજુ એવી પણ અટકળો ચાલી રહી છે કે, ભાજપ આ વખતે પોતાના કોઈ અનુભવી નેતાને ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર બનાવી શકે છે.