Get The App

બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના 1 - image

NALSA Veer Parivar Sahayata Yojana 2025: દેશની સેવામાં બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત એક ઐતિહાસિક યોજના શરૂ કરવામાં આવી છે.  બોર્ડર પર ફરજ બજાવતા જવાનોના પરિવારોને હવે એકલા કાનૂની લડાઈ નહીં લડવી પડશે. ભારતમાં પહેલીવાર સૈનિકો અને અર્ધલશ્કરી દળોના પરિવારોને કાનૂની સહાય પૂરી પાડવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ 'NALSA વીર પરિવાર સહાયતા યોજના 2025' છે અને આજે શ્રીનગરમાં તેની ઔપચારિક શરૂઆત થઈ ગઈ છે. આ પહેલનો મુખ્ય સંદેશ છે: 'તમે બોર્ડર પર દેશની સેવા કરો, અમે તમારા પરિવારનું ધ્યાન રાખીશું.'

આ ઐતિહાસિક યોજનાનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) ના કાર્યકારી અધ્યક્ષ અને ભારતના આગામી ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ હાજર રહ્યા હતા.

 'ઓપરેશન સિંદૂર'ની પ્રેરણા

આ યોજના એક માનવતાવાદી વિચારસરણીમાંથી ઉત્પન્ન થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 'ઓપરેશન સિંદૂર' પછી જ્યારે જસ્ટિસ સૂર્યકાંતે જવાનોની મુશ્કેલીઓ અને બલિદાનને નજીકથી જોયું, ત્યારે તેમને એ એહસાસ થયો કે, કાનૂની જગતે પણ જવાનોના પરિવારોને મદદ કરવામાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.

એક અહેવાલ પ્રમાણે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, 'જ્યારે એક જવાન દેશની સરહદ પર ફરજ બજાવે છે, તો તેને એ વિશ્વાસ હોવો જોઈએ કે, મારા ઘર-પરિવારના અધિકારોની રક્ષા દેશનું ન્યાયતંત્ર કરશે.'

આ યોજના હેઠળ જવાનોના પરિવારોને સંપત્તિ વિવાદ, કૌટુંબિક બાબતો, નાણાકીય વ્યવહારો અને અન્ય કાનૂની મુદ્દાઓમાં મફત કાનૂની સલાહ અને સહાય પૂરી પાડવામાં આવશે. NALSAએ જવાનોના પરિવારો સુધી ઝડપી અને અસરકારક સહાય પહોંચી શકે તેના માટે દેશભરમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળો (DLSA) દ્વારા વિશેષ કેમ્પ અને હેલ્પલાઈન સ્થાપિત કરવાની યોજના બનાવી છે. 

યોજનાની મુખ્ય વિશેષતાઓ:

- આ યોજના ભારતીય સેના, BSF, CRPF, ITBP અને અન્ય અર્ધલશ્કરી દળોના જવાનોના પરિવારો માટે લાગુ થશે.

- કૌટુંબિક વિવાદ, સંપત્તિ સંબંધિત કેસ, જમીન વિવાદ વગેરે જેવી સમસ્યાઓ માટે હવે જવાનોએ કોર્ટમાં હાજર રહેવાની જરૂર નહીં રહેશે.

- NALSA સમગ્ર દેશમાં આવી કાનૂની સમસ્યાઓ ઓળખ કરશે અને સક્રિય રીતે મફત કાનૂની સહાય પૂરી પાડશે.

- જવાનોની ગેરહાજરીમાં તાલીમ પામેલા વકીલોના માધ્યમથી કોર્ટમાં પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ યોજના કેમ મહત્ત્વપૂર્ણ છે?

ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોના જવાનો લાંબા સમય સુધી દૂરના વિસ્તારોમાં તહેનાત રહે છે, જેના કારણે તેઓ પોતાના પરિવારોના કાનૂની કેસોમાં હાજરી આપી શકતા નથી. ઘણી વખત રજાના અભાવે તેઓ કેસોની સુનાવણીમાં હાજરી આપી શકતા નથી, જેના કારણે તેમને કાનૂની નુકસાન વેઠવું પડે છે. હવે કોઈપણ કાનૂની વિવાદ સામે આવતાની સાથે જ સંબંધિત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ખુદ નોંધ લેશે અને જવાનોના પરિવારને મદદ કરશે.

આ પણ વાંચો: 'ખુરશી પ્રજાની સેવા માટે હોય છે ન કે ઘમંડ કરવા, માથે ચઢી જાય તો...' સુપ્રીમ કોર્ટના CJIનું સૂચક નિવેદન

ભવિષ્યનો માર્ગ મોકળો થશે

આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને તેની ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી દરેક કેસનું મોનિટરિંગ થઈ શકે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બરે ભારતના ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે, ત્યારે તેઓ આ યોજનાને વધુ વ્યાપક રૂપ આપશે. સંદેશ સ્પષ્ટ છે - 'તમે સરહદો પર દેશની સેવા કરો, તમારા પરિવારની સુરક્ષા અને ન્યાયની જવાબદારી હવે દેશનું ન્યાયતંત્ર ઉઠાવશે.'

Tags :