કોણ છે તિરુચિ શિવા? જેમને NDAના રાધાકૃષ્ણન વિરુદ્ધ ઉમેદવાર બનાવી શકે છે I.N.D.I.A. ગઠબંધન
Vice Presidential Election : દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે 9મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું છે. જ્યારે I.N.D.I.A. ગઠબંધન તમિલનાડુના રાજ્યસભા સાંસદ તિરુચી શિવાને ઉમેદવાર બનાવવાની તૈયારીમાં હોવાની માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ડિ ગઠબંધન દક્ષિણ ભારતના રાજકારણને ધ્યાને રાખીને શિવાને ઉમેદવાર બનાવી શકે છે, કારણ કે એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણન પણ તમિનલાડુના છે. જો શિવાનું નામ ફાઇનલ કરાશે તો આ વખતે ઉપરાષ્ટ્રપતિ પદ દક્ષિણ ભારતના ખાતામાં જવાનું નક્કી થઈ જશે.
તિરુચિ શિવા કોણ છે?
તિરુચિ શિવા એક ભારતીય રાજકારણી અને તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભામાં તમિલનાડુનું પ્રતિનિધિત્વ કરતાં સભ્ય છે. તેમની ગણતરી DMKના પ્રભાવશાળી અને અનુભવી નેતાઓમાં થાય છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રને મળશે નવા રાજ્યપાલ, સી.પી. રાધાકૃષ્ણન બન્યા NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
પાર્ટી અને રાજકારણમાં શિવાની મજબૂત પકડ
તિરુચિ શિવા 1996, 2002, 2007, 2014 અને 2020માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા, જે તેમની પાર્ટીમાં અને રાજકારણમાં તેમની મજબૂત પકડ દર્શાવે છે. તેઓ એક પ્રખર વક્તા અને લેખક તરીકે જાણીતા છે. સંસદમાં વિવિધ સમિતિઓના સભ્ય તરીકે તેમણે કાર્ય કર્યું છે અને DMK યુવા પાંખના ડેપ્યુટી સેક્રેટરી તેમજ સેક્રેટરી જેવા મહત્ત્વના હોદ્દાઓ પણ સંભાળ્યા છે. તેમણે અનેક વખત કેન્દ્ર અને રાજ્ય સ્તરની મહત્ત્વની સમિતિઓમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. શિવાએ ખાસ કરીને સોશિયલ જસ્ટિસ, ફેડરલ સ્ટ્રક્ચર અને સ્ટેટ રાઇટ્સ ઇશ્યુ પર ઘણું કામ કર્યું છે.
NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન ઉમેદવાર
ઉલ્લેખનીય છે કે, NDAએ ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે સી. પી. રાધાકૃષ્ણનું નામ જાહેર કર્યું હતું. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જણાવ્યું કે સંસદીય બોર્ડની બેઠકમાં નવા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે. સી. પી. રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ છે. તેમના સમર્થકો તેમને 'તમિલનાડુના મોદી' તરીકે સંબોધિત કરે છે. સી.પી. રાધાકૃષ્ણનનો જન્મ 20 ઑક્ટોબર, 1957ના રોજ તમિલનાડુના તિરુપ્પુર ખાતે થયો હતો. તેમનું પૂરું નામ ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન છે. તેમના પિતાનું નામ સી. કે. પોન્નુરવામી અને માતાનું નામ કે. જાનકી અમ્માલ છે.