Get The App

મૂળ બિહારના અભય સિંહ છે રશિયન 'ધારાસભ્ય', ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
Abhay Singh MLA in Russia


Abhay Singh MLA in Russia: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવાના છે. આ બધા વચ્ચે બિહારના પટણામાં જન્મેલા અને રશિયામાં ધારાસભ્ય તરીકે સેવા આપતા અભય સિંહે ભારતને એક અપીલ કરી છે કે ભારત તરફથી S-500 ડિફેન્સ સિસ્ટમ માટે ભાર મૂકવામાં આવે. મહત્ત્વની વાત એ છે કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન S-400 સિસ્ટમે મોટી ભૂમિકા ભજવી હતી.

S-500 સિસ્ટમ લેવા પર ભાર

અભય સિંહે મીડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, 'S-400 ખૂબ જ સારી મિસાઇલ સિસ્ટમ છે, પરંતુ S-500 લેટેસ્ટ ટૅક્નોલૉજી છે અને તેનો ઉપયોગ માત્ર રશિયામાં જ થાય છે. રશિયા આ સિસ્ટમ અન્ય કોઈ દેશને આપી રહ્યું નથી. જો રશિયા આ ભારતને આપવાનો નિર્ણય કરે છે, તો ભારત તેને મેળવનાર પ્રથમ દેશ બની જશે. ચીન પાસે પણ આ સિસ્ટમ નથી. મને લાગે છે કે ભારતે S-500 મિસાઇલ સિસ્ટમ લેવા માટે કામ કરવું જોઈએ.'

કોણ છે અભય સિંહ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભય સિંહ વર્ષ 1991માં પટણાથી રશિયામાં મેડિસિનનો અભ્યાસ કરવા ગયા હતા. તેમણે પટણાની લોયોલા હાઇસ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ કુર્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ડૉક્ટર તરીકે થોડો સમય પટણા પાછા ફરી પ્રેક્ટિસ કર્યા બાદ, તેમણે કુર્સ્ક પાછા ફરવાનો નિર્ણય કર્યો અને ફાર્મા તેમજ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં હાથ અજમાવ્યો.

પુતિન સમર્થક અભય સિંહ માને છે કે રશિયાને સોફ્ટ ડેમોક્રેસીથી ચલાવી શકાય નહીં. તેઓ રશિયામાં ડેપ્યુટેટ છે, જે ભારતમાં ધારાસભ્યની સમકક્ષ હોય છે. તેઓ 2017 અને 2022માં ચૂંટણી જીતી ચૂક્યા છે. એક ઇન્ટરવ્યુમાં અભય સિંહ કહ્યું હતું કે, 'હું બિહારનો છું અને રાજકારણ અમારા DNAમાં છે.'

અભય સિંહ પુતિનની પાર્ટીમાં છે અને યુક્રેનની સરહદને અડીને આવેલા કુર્સ્ક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું કહેવું છે કે, 'પુતિનનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે પુતિન છેલ્લા ચાર વર્ષથી ભારત આવ્યા નથી. મને લાગે છે કે આ પ્રવાસ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી માટે ખૂબ જ સારો સાબિત થશે.'

નોંધનીય છે કે, ઑક્ટોબર 2018માં ભારતે રશિયા સાથે S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની પાંચ યુનિટ ખરીદવા માટે 5 અબજ અમેરિકી ડૉલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જોકે અમેરિકાએ 'CAATSA'(કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ)ની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધોની ચેતવણી આપી હતી.

આ પણ વાંચો: દિલ્હીના યુવકે ChatGPTની મદદથી સ્કેમરને પકડ્યો, ગઠિયો જાળમાં ફસાતા માફી માંગવા લાગ્યો

પુતિનના 28 કલાકના ભારત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ અને મુખ્ય એજન્ડા

ગુરુવારે પુતિનના આગમન બાદ પીએમ મોદી તેમના માટે પ્રાયવેટ ડીનરનું આયોજન કરશે. તે જ દિવસે, શિખર બેઠક પહેલા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોઉસોવ વચ્ચે સંરક્ષણ વાર્તાલાપ થશે.

શુક્રવારે પુતિનનું ઔપચારિક સ્વાગત કરાશે. તેઓ સવારે રાજઘાટ જશે, ત્યારબાદ 23મી ભારત-રશિયા શિખર વાર્તા યોજાશે. પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં પુતિન અને તેમના પ્રતિનિધિમંડળ માટે બપોરના ભોજનનું આયોજન કરશે. લગભગ 28 કલાકની યાત્રા પૂર્ણ કરીને પુતિન શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ભારતથી પ્રસ્થાન કરશે.

મુખ્ય એજન્ડા અને કરારો

- સંરક્ષણ સહયોગ: S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી, સુખોઈ 30 ફાઇટર જેટના અપગ્રેડેશન અને અન્ય સૈન્ય સામાનની ખરીદી.

- વેપાર: દ્વિપક્ષીય વેપારને બાહ્ય દબાણોથી સુરક્ષિત રાખવા પર ચર્ચા.

- ઊર્જા: નાના 'મોડ્યુલર રિએક્ટર'માં સંભવિત સહયોગ.

મૂળ બિહારના અભય સિંહ છે રશિયન 'ધારાસભ્ય', ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો 2 - image

Tags :