દિલ્હીના યુવકે ChatGPTની મદદથી સ્કેમરને પકડ્યો, ગઠિયો જાળમાં ફસાતા માફી માંગવા લાગ્યો

ChatGPT Scam Trap: દિલ્હીના એક યુવકે અનોખી યુક્તિ કરીને એક ઓનલાઈન સ્કેમરને માત્ર પકડ્યો જ નહીં, પણ તેને માફી માંગવા માટે મજબૂર પણ કરી દીધો. આ યુવકે ChatGPTનો ઉપયોગ કરીને એક નકલી પેમેન્ટ લિંક બનાવી, જેણે સ્કેમરનું ભૌગોલિક સ્થાન (geolocation) અને તેના ચહેરાનો ફોટો કેપ્ચર કરી લીધો. યુવકે આ ઘટના રેડિટ પર શેર કરી, જે ખૂબ જ વાઈરલ થઈ રહી છે.
ઘટનાની શરૂઆત: IAS અધિકારીનું રૂપ ધારણ કર્યું
આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે યુવકને ફેસબુક પર કોઈ અજાણ્યા વ્યક્તિનો મેસેજ મળ્યો, જેણે તેના કૉલેજના સિનિયર (જે IAS અધિકારી છે) તરીકેની ઓળખ આપી. સ્કેમરે દાવો કર્યો કે તેનો એક મિત્ર જે CRPF અધિકારી છે, તેની બદલી થઈ રહી છે અને તે પોતાના મોંઘા ઉપકરણો અને ફર્નિચર ભારે ડિસ્કાઉન્ટ પર વેચી રહ્યો છે. યુવકને તરત જ શંકા ગઈ, કારણ કે તેના વાસ્તવિક સિનિયર પાસે તેનો સીધો ફોન નંબર હતો. તેણે અસલી સિનિયર સાથે પુષ્ટિ કર્યાં પછી ખાતરી થઈ કે આ છેતરપિંડી છે. યુવકે સ્કેમરનો પર્દાફાશ કરવા માટે તેની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.
આ પણ વાંચો: બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા
ChatGPTની મદદથી 'ટ્રેકર પેજ' બનાવ્યું
જ્યારે સ્કેમરે આર્મીના પ્રોફાઇલ પિક્ચરવાળા બીજા નંબર પરથી પેમેન્ટની માગણી કરતો QR કોડ મોકલ્યો, ત્યારે દિલ્હીના યુવકે સ્કેન કરવામાં ટેકનિકલ સમસ્યાઓનું બહાનું બનાવીને સમય લીધો. ત્યારબાદ તેણે ChatGPTનો ઉપયોગ કરીને એક સરળ પણ કાર્યરત વેબપેજ બનાવ્યું. આ વેબપેજ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે તે યુઝરનું GPS લોકેશન કેપ્ચર કરી શકે અને તેમના ડિવાઇસના ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ કરીને ફોટો લઈ શકે. યુવકે આ ટ્રેકર પેજને હોસ્ટ કર્યું અને સ્કેમરને લિંક મોકલી, તેને કહ્યું કે ત્યાં QR કોડ અપલોડ કરવાથી પેમેન્ટ પ્રક્રિયા ઝડપી બનશે.
લોકેશન અને ફોટો મળતા સ્કેમર ગભરાઈ ગયો
લોભ અને ઉતાવળમાં આવીને સ્કેમરે તરત જ તે લિંક પર ક્લિક કરી દીધી. વેબપેજે તરત જ સ્કેમરના ચોક્કસ GPS કોઓર્ડિનેટ્સ, IP એડ્રેસ અને તેના ચહેરાનો સ્પષ્ટ ફોટો કેપ્ચર કરી લીધો. ત્યારબાદ યુવકે સ્કેમરને તેનો પોતાનો ફોટો અને લોકેશનની વિગતો મોકલી આપી.
પોતાનો જ ફોટો અને લોકેશન મળતા સ્કેમર ગભરાઈ ગયો અને તરત જ મેસેજ કરીને માફી માંગવા લાગ્યો, અને વચન આપ્યું કે તે હવેથી છેતરપિંડીની પ્રવૃત્તિઓ બંધ કરી દેશે. યુવકે વાતચીતના સ્ક્રીનશૉટ્સ રેડિટ પર શેર કર્યા, અને ઇન્ટરનેટે AIનો ઉપયોગ કરીને છેતરપિંડી અટકાવવાની તેની ચાતુર્યને બિરદાવી.

