India

SIR માં કયા સોફ્ટવેરથી મતદારોના ડેટામાં ગરબડો શોધી...? ચૂંટણી પંચે આપ્યો ગોળ-ગોળ જવાબ

By GS Team
25 Oct 20262 mins read
TukuTouch Logo
દેશભરમાં 13 કરોડથી વધુ મતદારોના નામો કાઢી નાખવાના વિવાદ વચ્ચે, ચૂંટણી પંચે RTI હેઠળ સોફ્ટવેરની માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. તેલંગાણાના કાર્યકર એમ. એ. મુજીબ અય્યૂબે વોટર લિસ્ટમાં ખામીઓ શોધવા ઉપયોગમાં લેવાયેલ AI ટૂલ અંગે વિગતો માંગી હતી. પંચે "કોમર્શિયલ કોન્ફિડન્સ" અને "ટ્રેડ સિક્રેટ" કહીને RTI કાયદાની કલમ 8(1)(d) હેઠળ માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. આથી પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SIR માં કયા સોફ્ટવેરથી મતદારોના ડેટામાં ગરબડો શોધી...? ચૂંટણી પંચે આપ્યો ગોળ-ગોળ જવાબ

RTI and EC Reply about SIR : દેશભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ હેઠળ 13 કરોડથી વધુ મતદારોના નામો કાઢી નાખવાને લઈને ચાલતા વિવાદ વચ્ચે ભારતના ચૂંટણી પંચ (ECI) નું એક ચોંકાવનારૂં વલણ સામે આવ્યું છે. વોટર લિસ્ટમાં ગરબડો અને ખામીઓ પકડવા માટે કયા સોફ્ટવેર, એપ કે AI ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેની વિગતો કે વર્ઝન દર્શાવવાનો ચૂંટણી પંચે RTI (માહિતીનો અધિકાર) હેઠળ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

ચૂંટણી પંચે દાવો કર્યો છે કે આ માહિતી "કમર્શિયલ કોન્ફિડન્સ, ટ્રેડ સિક્રેટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP)" સાથે જોડાયેલી છે, તેથી RTI કાયદાની કલમ 8(1)(d) હેઠળ તેને જાહેર કરવાથી છૂટ મળેલી છે.

તેલંગાણાના સામાજિક કાર્યકરે અરજી કરી હતી

તેલંગાણાના કરીમનગરના સામાજિક કાર્યકર એમ. એ. મુજીબ અય્યૂબે RTI દાખલ કરીને પંચ પાસે વિગતો માંગી હતી કે:

  1. વોટર ડેટાની ખામીઓ શોધવા કયા AI પ્લેટફોર્મ કે સોફ્ટવેરનો ઉપયોગ કરાયો?
  2. શું આ સિસ્ટમ ઓટોમેટિકલી નામો ફ્લેગ (ચિહ્નિત) કરે છે?
  3. કોઈ વૈધ મતદારનું નામ ભૂલથી ન કપાય તે માટે કઈ સુરક્ષા વ્યવસ્થા છે?

ચૂંટણી પંચે 16 ઓક્ટોબરે આપેલા જવાબમાં કલમ 8(1)(g) નો પણ હવાલો આપ્યો હતો, જે વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતી માહિતી રોકવા સાથે સંબંધિત છે. પંચે સ્પષ્ટ કર્યું કે SIR માટે કોઈ નવો સોફ્ટવેર ખરીદવામાં આવ્યો નથી અને નામ ઉમેરવા કે હટાવવાનો આખરી કાનૂની અધિકાર સંબંધિત ક્ષેત્રના ઇલેક્ટરોલ રજીસ્ટ્રેશન ઓફિસર (ERO) પાસે જ રહે છે.

પૂર્વ CEC ઓ. પી. રાવતની પ્રતિક્રિયા અને 13 કરોડ વોટરોના નામોનો વિવાદ

આ RTI જવાબ પર દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) ઓ. પી. રાવતે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કાનૂની બાબત છે અને અરજદારે આ નિર્ણય સામે પ્રથમ અપીલ દાખલ કરવી જોઈએ. પંચ જે સવાલોના જવાબો આપવાથી બચી રહ્યું છે, તે અપીલ દ્વારા માંગવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી 130 મિલિયન (13 કરોડ) થી વધુ મતદારોના નામો ડીલીટ થતાં રાજકીય પક્ષો અને નાગરિક સંગઠનો સવાલો ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત ઈરોનેટ (ERONET) પોર્ટલની ભૂમિકા અને પંચના આંતરિક મતભેદોને લઈને પણ ભૂતકાળમાં વિવાદો સામે આવી ચૂક્યા છે, ત્યારે RTI ના આ જવાબથી પારદર્શિતા સામે વિવાદ વધુ ઘેરો બન્યો છે.