India

CJPની પ્રેસ કોન્ફરન્સમાં ભારે હંગામો; EC-ભાજપ પર ગંભીર આક્ષેપો સામે સંબિત પાત્રાનો વળતો જવાબ

By GS Team
15 Oct 20265 mins read
TukuTouch Logo
નવી દિલ્હીના પ્રેસ ક્લબ ખાતે CJP અને વિદ્યાર્થી સંગઠનોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બાંગ્લાદેશ આંદોલન અંગેના નિવેદન પર ભારે હોબાળો થયો હતો. નેતાઓએ ચૂંટણી પંચ અને સરકાર સામે મોરચો માંડી 16 ઓક્ટોબરે સેન્ટ્રલ પાર્કમાં પ્રદર્શનની જાહેરાત કરી. ભાજપે પલટવાર કરતાં વિપક્ષને દેશમાં અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો. પ્રકાશ રાજ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

CJPની પ્રેસ કોન્ફરન્સમાં ભારે હંગામો; EC-ભાજપ પર ગંભીર આક્ષેપો સામે સંબિત પાત્રાનો વળતો જવાબ

CJP Press Conference : નવી દિલ્હીના પ્રેસ ક્લબ ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિદ્યાર્થી સંગઠનોની પ્રેસ કોન્ફરન્સમાં બાંગ્લાદેશ આંદોલન અંગેના નિવેદન પર ભારે હોબાળો થયો હતો. આ સંયુક્ત પરિષદમાં નેતાઓએ ચૂંટણી પંચ અને સરકાર સામે મોરચો માંડીને 16 ઓક્ટોબરે સેન્ટ્રલ પાર્કમાં પ્રદર્શનની જાહેરાત કરી છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ પણ આકરો પલટવાર કરતાં આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણીઓમાં સતત હારી રહેલો વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવી રહ્યો છે અને દેશદ્રોહીઓ વિદેશી તાકાતોના હાથે વેચાઈ ગયા છે.

પરિષદમાં પ્રકાશ રાજ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

નવી દિલ્હી સ્થિત પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે ગુરુવારે CJP, AISA સહિતના વિદ્યાર્થી સંગઠનો અને સિવિલ સોસાયટી દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. આ પરિષદમાં CJP સંયોજક અભિજીત દીપકે, AISA પ્રમુખ નેહા બોરા, આઈશી ઘોષ, પ્રશાંત ભૂષણ અને પ્રકાશ રાજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

16 ઓક્ટોબરે તિરંગા યાત્રાની જાહેરાત

જંતર-મંતર પર ગેરકાયદે પ્રવેશ અને ‘બેલ બોન્ડ’ના ઉલ્લંઘનના આરોપમાં CJPના સહ-સંયોજકો સૌરભ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડના વિરોધમાં અને તેમના સમર્થનમાં 16 ઓક્ટોબરે દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં તિરંગો લહેરાવવાના આહ્વાન સંદર્ભે આ બેઠકનું આયોજન થયું હતું.

પત્રકારના પ્રશ્નથી હોબાળો સર્જાયો

તમામ નેતાઓ વારાફરતી પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે એક પત્રકારે ખુરશી પર ઊભા થઈને નેહા બોરાના બાંગ્લાદેશ અંગેના નિવેદન પર અચાનક સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. આ સવાલ પૂછાતાં જ પ્રેસ કોન્ફરન્સમાં ભારે વિવાદ વકર્યો હતો.

'બંધ કરો, દફા થઈ જાઓ'ના નારા

નેહા બોરા પોતાનું વક્તવ્ય પૂરું કરી રહ્યા હતા ત્યારે હોબાળો શરૂ થયો હતો અને સભાગૃહમાં હાજર કેટલાક લોકોએ 'બંધ કરો, દફા થઈ જાઓ' જેવા શબ્દો કહ્યા હતા. પરિસ્થિતિ વણસતાં નેહા બોરાએ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી સંચાલકોને હંગામો કરનારાઓને બહાર કાઢવા અપીલ કરી હતી.

50-100ની નોટ આપી બહાર કાઢો : હોબાળા પર અભિજીત દીપકે ભડક્યા

આ દરમિયાન અભિજીત દીપકેએ માઈક સંભાળીને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 'આ લોકોને 50-100 રૂપિયાની નોટ આપીને બહાર કાઢો, તેઓ માત્ર આટલા પૈસા માટે જ આવી હરકતો કરી રહ્યા છે.' નેહા બોરાએ પણ ઉમેર્યું હતું કે તેઓ સ્ટુડિયોમાં જે શીખે છે તે જ અહીં આવીને કરી રહ્યા છે.

બાંગ્લાદેશ આંદોલન અંગે નેહા બોરાનું નિવેદન

નેહા બોરાનો તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે બાંગ્લાદેશના વિદ્યાર્થી આંદોલન અને ભારતના જેન-ઝી આંદોલન વચ્ચે સમાનતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે, જેન-ઝી આંદોલનની શરૂઆત બાંગ્લાદેશમાં થઈ હતી અને માર્ગ બતાવવા બદલ તેમને લાલ સલામ પાઠવ્યા હતા, જેને ટાંકીને આ સવાલો થયા હતા.

પત્રકારો પર કથિત અત્યાચારનો આરોપ

નેહા બોરાએ ધરપકડ કરાયેલા પત્રકારો પ્રત્યે સમર્થન વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પ્રેસ કાર્ડ હોવા છતાં રિપોર્ટરોને માર મારવામાં આવ્યો અને કેમેરા છીનવી લેવાયા હતા. મહિલા પત્રકારો સામે થયેલી કથિત છેડતી મામલે ફરિયાદ કરવા જતાં તેમની સામે જ વળતી FIR નોંધી દેવાઈ હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો.

દેશભરમાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત

પોલીસ ન્યાય માંગનારા નાગરિકોને નિશાન બનાવી રહી હોવાનો આક્ષેપ કરતાં તેમણે આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે જણાવ્યું કે બેંગલુરુના ફ્રીડમ પાર્ક, દિલ્હીના જંતર-મંતર અને મુંબઈના શિવાજી પાર્ક સહિત દેશના અલગ-અલગ વિસ્તારોમાં આ સંઘર્ષ સતત જીવંત રહેશે.

જ્ઞાનેશ કુમારને બચાવવા તંત્રના દુરુપયોગનો આક્ષેપ

અભિજીત દીપકેએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે ચૂંટણી પંચમાં મતભેદો આવ્યા ત્યારથી જ્ઞાનેશ કુમાર પોતાના રાજકીય આકા સિવાય કોઈનું સાંભળતા નથી. સમગ્ર સરકારી તંત્ર એક મુખ્ય ચૂંટણી કમિશનરને બચાવવામાં લાગી ગયું છે અને વિદ્યાર્થીઓ તથા યુવાનોને રસ્તા પર ઢસડવામાં આવી રહ્યા છે.

દિલ્હીને બોર્ડર જેવું બનાવ્યાનો દાવો

દીપકેએ જણાવ્યું કે, એક વ્યક્તિ માટે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ મુખ્યમંત્રીઓ મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ તથા પિનરાઈ વિજયનને કસ્ટડીમાં લેવાયા હતા. વિરોધ દબાવવા રેલવે અને મેટ્રો સ્ટેશનો બંધ કરાયા તેમજ અન્ય વિસ્તારોમાંથી સુરક્ષા દળો બોલાવીને સરકારે દિલ્હીને બોર્ડર જેવું બનાવી દીધું છે.

'એક દેશ, એક પાર્ટી'નો એજન્ડા હોવાનો આરોપ

તેમણે સવાલ કર્યો કે જો જ્ઞાનેશ કુમાર ભાજપને મદદ નથી કરી રહ્યા તો તેમને આટલું રક્ષણ કેમ અપાઈ રહ્યું છે? રાષ્ટ્રધ્વજ લહેરાવવો કોઈ ગુનો નથી. 'એક દેશ, એક ચૂંટણી' માત્ર એક નારો છે, તેમનો અસલી હેતુ 'એક દેશ, એક પાર્ટી' બનાવવાનો છે અને જો આવું જ કરવું હોય તો સત્તાવાર ઈમરજન્સી જાહેર કરી દેવી જોઈએ.

કનોટ પ્લેસમાં એકઠા થવા અપીલ

દીપકેએ તમામ રાજકીય પક્ષો, મજૂર અને ખેડૂત સંગઠનોને પોતાની વિચારધારા બાજુ પર રાખવા આહ્વાન કર્યું હતું. તેમણે 16 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં લોકશાહી અને વોટના રક્ષણ માટે એકઠા થવા અપીલ કરી હતી.

ભાજપનો પલટવાર: વિપક્ષ પર આકરા પ્રહાર

વિપક્ષના આક્ષેપો સામે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે રામ મંદિર બન્યા પછીથી સમગ્ર વિપક્ષ અકળાઈ ગયો છે અને રાહુલ ગાંધી ભારતને પાકિસ્તાન બનાવવા માંગે છે.

'દેશદ્રોહીઓ વિદેશી તાકાતોના હાથે વેચાયા'

સંબિત પાત્રાએ આક્ષેપ કર્યો કે, જનતા વારંવાર હરાવી રહી હોવા છતાં વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવવા માંગે છે. રાહુલ ગાંધી અને પ્રશાંત ભૂષણ પોતાનો નેતા બદલી શકતા નથી પરંતુ સત્તા પરિવર્તન કરવા નીકળ્યા છે અને દેશદ્રોહીઓ થોડા પૈસા ખાતર વિદેશી તાકાતોના હાથે વેચાઈ ગયા છે.

ભારત કોઈ બનાના રિપબ્લિક નથી: સંબિત પાત્રા

સંબિત પાત્રાએ નેહા બોરાના નિવેદનની ઝાટકણી કાઢતાં કહ્યું કે આ ભારત છે, કોઈ 'બનાના રિપબ્લિક' નથી જ્યાં આ રીતે સત્તા પરિવર્તન થાય. બાટલા હાઉસ પર રડનારા અને અફઝલ ગુરુના સમર્થનમાં નારા લગાવનારા ડાબેરીઓ દેશને સલાહ ન આપે. આ લોકો ભારત માતાનો સોદો કરવા નીકળ્યા છે અને કોંગ્રેસ જનતાને ડરાવવાનું ષડયંત્ર રચી રહી છે.