India

WhatsAppના નવા User ID ફીચરથી ફ્રોડ વધવાની આશંકા ! કેન્દ્ર સરકાર કરશે તપાસ

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે વોટ્સએપના નવા યુઝરનેમ ફીચરની તપાસ શરૂ કરી છે. વોટ્સએપે મોબાઈલ નંબર વિના વાતચીત માટે આ સુવિધા શરૂ કરી છે. સરકારને આશંકા છે કે, આનાથી ઓનલાઈન છેતરપિંડી અને ફેક આઈડીના કિસ્સાઓ વધી શકે છે. જો સુરક્ષામાં ખામી જણાશે તો મેટાને નોટિસ પણ મોકલાઈ શકે છે. આ ફીચર ટેલિગ્રામ જેવું કામ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

WhatsAppના નવા User ID ફીચરથી ફ્રોડ વધવાની આશંકા ! કેન્દ્ર સરકાર કરશે તપાસ

Central Government Investigation On WhatsApp Username Feature : વોટ્સએપે તાજેતરમાં જ મોબાઈલ નંબર વગર અન્ય લોકો સાથે વાત કરવા માટે નવું યુઝરનેમ ફીચર લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે, આનાથી યુઝર્સની પ્રાઈવસી મજબૂત થશે. જોકે ભારત સરકાર આ ફીચરને લઈને સતર્ક થઈ ગઈ છે અને તેની સુરક્ષા પાસાઓની તપાસ કરવાની તૈયારી કરી રહી છે. સરકારને આશંકા છે કે, આ ફીચરના કારણે ઓનલાઈન ફ્રોડ અને ફેક આઈડીના કિસ્સાઓ વધી શકે છે.

સાયબર ગુનેગારોને ફાયદો થવાનો ડર
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર એ સમજવા માંગે છે કે, આ સુવિધા સાયબર અપરાધીઓ માટે નવું હથિયાર તો નહીં બની જાય ને. જો તપાસમાં કોઈ ગંભીર ખામી કે સુરક્ષા સંબંધિત સમસ્યા સામે આવશે તો વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને નોટિસ પણ મોકલવામાં આવી શકે છે.

ટેલિગ્રામ જેવું કામ કરશે આ નવું ફીચર
આ ફીચર જાણીતી એપ ટેલિગ્રામની જેમ જ કામ કરે છે. અત્યાર સુધી વોટ્સએપ પર વાત કરવા માટે મોબાઈલ નંબર જરૂરી હતો પરંતુ હવે યુઝર માત્ર પોતાના યુઝરનેમ દ્વારા પણ વાતચીત શરૂ કરી શકશે. આનાથી અજાણ્યા લોકો સાથે નંબર શેર કરવાની જરૂર નહીં પડે અને યુઝરનો મોબાઈલ નંબર સામેવાળી વ્યક્તિને દેખાશે નહીં.

ફેક પ્રોફાઈલ દ્વારા છેતરપિંડીની આશંકા
સરકારી અધિકારીઓનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ અન્ય કોઈના નામ જેવું યુઝરનેમ બનાવી લે અથવા પોતાની સાચી ઓળખ છુપાવીને લોકોનો સંપર્ક કરે તો ઓનલાઈન ઠગાઈની નવી રીતો સામે આવી શકે છે. અગાઉ ટેલિગ્રામ પર પણ ફેક યુઝરનેમ અને નકલી પ્રોફાઈલ દ્વારા છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે કોઈ કંપની કે સેલિબ્રિટીના નામ મળતા આવતા યુઝરનેમ બનાવીને લોકોને ભ્રમિત કરી શકાય છે.

વોટ્સએપનો સુરક્ષા અંગે દાવો
સામે પક્ષે વોટ્સએપનું કહેવું છે કે દરેક યુઝરનેમ યુનિક હશે. કોઈ નકલ ન કરી શકે તે માટે કેટલાક હાઈ-પ્રોફાઈલ નામો પહેલેથી જ સુરક્ષિત રાખવામાં આવશે. આ સિવાય કંપની કોઈ પબ્લિક યુઝરનેમ ડિરેક્ટરી પણ બનાવવાની નથી, એટલે કે કોઈ પણ વ્યક્તિનું યુઝરનેમ જાણીતું હશે તો જ તેનો ઉપયોગ કરી શકાશે.