કચ્છ નજીક આવેલું સર ક્રિક ભારત માટે કેમ આટલું મહત્ત્વપૂર્ણ? પાકિસ્તાન પણ દાયકાઓથી કરે છે દાવો

India-Pakistan Sir Creek Controversy And History : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે વિજયાદશમીના અવસરે ગુજરાતમાં કચ્છની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે, જો પાકિસ્તાન સર ક્રિક વિસ્તારમાં આંખ ઉઠાવીને જોશે તો અમે એવો વળતો જવાબ આપીશું, જેનાથી તેમનો ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે.’ સર ક્રિકની વાત કરીએ તો, આ વિસ્તાર અનેક વર્ષોથી ખૂબ વિવાદાસ્પદ રહેલો છે. તેથી આપણે આજે જાઈશું કે, ભારત-પાકિસ્તાન માટે સર ક્રિક આટલું મહત્ત્વપૂર્ણ કેમ છે?
પોણાબસ્સો વર્ષ જૂનો સર ક્રિકનો ઇતિહાસ
આમ તો વિવાદો અને કચ્છની સર ક્રિકનો નાતો જૂનો છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સેનાપતિ ચાર્લ્સ નેપિયરે વર્ષ 1842માં સિંધ પ્રાંત જીતી લીધો હતો. જોકે તેમણે સિંધ પ્રાંતનો વહીવટ મુંબઈ રાજ્યને સોંપી દીધો હતો. વહીવટની સરળતા માટે બ્રિટિશરોએ સિંધ-મુંબઈ પ્રાંત વચ્ચે એક સીમા રેખા આંકી હતી. આ સરહદ કચ્છની વચ્ચો-વચ્ચ થઈને પસાર થઈ હતી. પરિણામે કચ્છની આ ખાડીને કચ્છથી જુદી કરીને સિંધ પ્રાંત સાથે જોડી દેવાઈ હતી. બીજી બાજુ દિલ્હીની બ્રિટિશ સરકારના મૂળ નકશામાં કચ્છ અને સિંધ વચ્ચેની સીમારેખા કચ્છના રણ સુધી ખેંચવામાં આવી હતી. પરંતુ ખાડીના પ્રદેશમાં તેની કોઈ સ્પષ્ટતા જણાતી નહોતી. આમ સર ક્રિકના વિવાદનું મૂળ આજકાલનું નહીં, પરંતુ આશરે પોણાબસો વર્ષ જૂનું છે.
‘સર ક્રિક’નું અગાઉ નામ ‘બાણ ગંગા’ હતું
સ્થાનિકો આ ખાડીને મૂળે 'બાણ ગંગા' તરીકે ઓળખાતા હતા. અંગ્રેજોના આગમન બાદ તે 'સર ક્રિક' તરીકે ઓળખવા લાગી. આશરે 1908માં કચ્છ અને સિંઘના તત્કાલીન રાજાઓ વચ્ચે ખાડી મુદ્દે શરુ થયેલો વિવાદ મુંબઈ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાયો હતો. વર્ષ 1914માં નવી સરહદો બનાવીને નકશો બનાવીને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 40-50 વર્ષ કશું જ થયું નહીં અને ફરી વર્ષ 1960થી તેનું ભૂત ધુણવા લાગ્યું હોવાનું ઉમેર્યું હતું.
પાકિસ્તાને આખી ખાડી પોતાની હોવાનો દાવો કર્યો હતો
સ્વતંત્રતા બાદ સિંધ પ્રાંત પાકિસ્તાનમાં જતો રહ્યો અને પાકિસ્તાનને જાણે ભાવતું મળી ગયું. સિંધ અને કચ્છના મહારાજાએ નક્કી કરેલી સરહદો પ્રમાણે પાકિસ્તાને આખી ખાડી પોતાની હોવાનો દાવો કર્યો હતો. ભારતનો પ્રસ્તાવ છે કે, રિવરલાઇન માટેના ઇન્ટરનેશનલ લો પ્રમાણે કચ્છના રણથી ખાડીના મુખ સુધી એક સીધી રેખાને જ સીમા રેખા તરીકે માન્ય કરવી જોઈએ. જે પાકિસ્તાનને મંજૂર નથી. રાજકીય આંટી ઘૂટી ગમે તે હોય એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે 1965ના યુદ્ધ દરમિયાન કચ્છે ઘણા ઘા ઝીલ્યા છે. કચ્છી પ્રજાને 96 કિ.મી. (60 માઇલ) લાંબી આ 'બાલ ગંગા' ખાડી માટે ખૂબ ગર્વ છે. કચ્છીઓ માટે આન-બાન અને શાનની વાત છે.
આ પણ વાંચો : આતંકવાદ રોકો નહીંતર પાકિસ્તાન દુનિયાના નક્શા પર નહીં રહે, આર્મી ચીફ દ્વિવેદીની ચેતવણી
સર ક્રિકમાં ઓઇલ અને ગેસ ભંડાર
લોકવાયકા એવી પણ છે કે શિવ પ્રભુએ બાણ તાકતા સાવ સુકાભઠ્ઠ રણમાં અહીં પાણીનું ઝરણું ફૂટ્યું હતું. સંરક્ષણાત્મક મહત્ત્વ ધરાવતી સર ક્રિકની ઈકોનોમિક વેલ્યુ પણ ઘણી છે. આ વિસ્તારમાં ઓઇલ અને ગેસના ભંડાર હોવાનું મનાય છે. એક વખત ખાડીની સરહદ નક્કી થાય તો સામુદ્રિક સરહદો ચોક્કસ કરીને એકસકલુઝીવ ઈકોનોમિક ઝોન્સની મર્યાદા નક્કી કરી શકાય. તેમજ ઈકોનોમિક ઝોન્સનો વિસ્તાર નક્કી થાય તો કચ્છી પ્રજાના વિકાસ માટે પણ તે આર્શિવાદરૂપ સાબિત થશે.

