AAIB રિપોર્ટ: ત્રણ જ સેકન્ડમાં સ્વિચ કટ ઓફ અને પાયલટનો મેસેજ... પ્લેન ક્રેશની અંતિમ ક્ષણોમાં શું થયું હતું?
Air India Plane Crash: એર ઈન્ડિયાનું વિમાન (AI 171)ની દુર્ઘટના પાછળ ફ્યુલ કંટ્રોલ સ્વિચના શિફ્ટ થવાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસ રિપોર્ટમાં એક પ્રમુખ મુદ્દાની તરફ ઈશારો કરવામાં આવ્યો છે, જેને અમેરિકાની Federal Aviation Administration (FAA)એ 2018માં જ બોઇંગ 737 જેટ્સને ફ્લેગ કર્યા હતા. ડિસેમ્બર, 2018માં FAAએ એક સ્પેશિયલ એરવર્થિનેસ ઇન્ફોર્મેશન બુલેટિન (SAIB) જાહેર કર્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમુક બોઇંગ 737 વિમાનોમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચ લૉકિંગ ફીચર વિના જ લગાવવામાં આવ્યા હતા.
શું કામ કરે છે ફ્યુલ કંટ્રોલ સ્વિચ?
આ સ્વિચ વિમાનના એન્જિનોમાં ફ્યુલ ફ્લોને રેગ્યુલેટ કરે છે. પાયલટ્સ તેનો ઉપયોગ ગ્રાઉન્ડ પર એન્જિન શરૂ અથવા બંધ કરવા માટે કરે છે. જે મિડએરમાં એન્જિન ફેઇલ થવા, એન્જિન બંધ થવા અથવા તેને ફરીથી શરૂ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z
છેલ્લી ઘડીએ શું થયું?
AAIBના રિપોર્ટ પ્રમાણે, એરપોર્ટ પરથી મેળવેલા CCTV ફૂટેજમાં ટેકઓફ પછી તરત જ રેમ એર ટર્બાઇન (RAT) તૈનાત થતું જોવા મળ્યું હતું. રનવેની આસપાસ કોઈ પક્ષી પ્રવૃત્તિ જોવા મળી ન હતી. જેથી, બર્ડ હિટની કોઈ ઘટના નથી બની. એરપોર્ટની દીવાલ પાર કરતા પહેલા વિમાને ઊંચાઈ ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. એન્જિન 1ની ફ્યુલ કટઓફ સ્વિચ લગભગ 08:08:52 UTC વાગ્યે Run માંથી Cut Offમાં બદલાઈ ગઈ. ત્યારબાદ 08:08:56 UTC પર એન્જિન 2ની ફ્યુલ કટઓફ સ્વિચ પણ Run માંથી Cut Offમાં બદલાઈ ગઈ. એન્જિન 2ને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્થિર ન થઈ શક્યું. વારંવાર ફ્યુલ નાંખવા છતાં વિમાનની સ્પીડ સતત ઘટતી ગઈ અને દુર્ઘટના ટાળવી અશક્ય થઈ ગઈ. લગભગ 08:09:05 UTC પર, એક પાયલટે 'મેડે મેડે મેડે' ટ્રાન્સમિટ કર્યું અને જ્યારે એર ટ્રાફિક કંટ્રોલર (ATCO)એ કોલ સાઇન વિશે પૂછપરછ કરી, ત્યારે કોઈ પ્રતિભાવ મળ્યો નહીં, પરંતુ ATCOએ એરપોર્ટ સરહદની બહાર પ્લેન ક્રેશ થતા જોયું અને ઈમરજન્સી પ્રતિક્રિયાને સક્રિય કરવામાં આવી.
નોંધનીય છે કે, અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની દુર્ઘટનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિમાનના ફ્યુલ કંટ્રોલ સ્વિચ લિફ્ટ-ઑફની ત્રણ સેકન્ડ બાદ 'Run' થી 'Cut Off' પોઝિશનમાં શિફ્ટ થઈ ગઈ. જોકે, એ સ્પષ્ટ નથી કે આ ઘટના કયા કારણોસર બની?
શું કહે છે નિષ્ણાતો?
સિવિલ એવિએશન મિનિસ્ટ્રી (MoCA)ના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી સંત કૌલે આ વિશે કહ્યું કે, પાયલટને દોષ ન આપી શકાય. કારણ કે, તેઓ ખૂબ અનુભવી હતા. આપણે પાયલટનો વાંક ન કાઢી શકીએ. કમાન્ડિંગ પાયલટ સુમીત સભરવાલ પાસે 15,638 કલાકની ઉડાનનો અનુભવ હતો. તેમના કો-પાયલટ ક્લાઇવ કંડર પાસે 3,403 કલાકનો અનુભવ હતો. બોઇંગ દ્વારા આપવામાં આવેલી સિસ્ટમમાં કોઈ ગંભીર ભૂલ હતી કે, ફ્યુલ ટેન્કની સ્વિચ ઑફ થઈ ગઈ. જોકે, આ વિશે સાચી માહિતી ત્યારે જ સામે આવશે જ્યારે આખી તપાસ પૂર્ણ થશે.
પૂર્વ AAIB અધિકારી કેપ્ટન કિશોર ચિંતાએ આ વિશે સવાલ કર્યો કે, શું સ્વિચ વિમાનના ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટની સમસ્યાના કારણે ટ્રિગર થઈ શકે છે. જો આવું થયું હોય તો આ ચિંતાનો વિષય છે.
અકસ્માતમાં 242 મુસાફરો-ક્રૂ સાથે અન્ય 19 મોત
લંડન માટે રવાના થયેલા એર ઈન્ડિયાની ફ્લાઇટ 12 જૂને અમદાવાદથી ટેકઑફની તુરંત બાદ એક મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં સવાર 242 લોકોમાંથી ફક્ત એક વ્યક્તિ બચી શક્યો હતો. આ સિવાય 19 લોકોના મોત નિપજ્યા હતા.
આ અકસ્માતથી જાણ થઈ કે, વિમાનની સુરક્ષામાં નાની-નાની વસ્તુઓ કેટલી મહત્ત્વની હોય છે. FAAની સલાહને અવગણવું એર ઈન્ડિયાને કેટલું ભારે પડી શકે છે. આશા છે કે, આખી તપાસ બાદ આ દુર્ઘટનાના સ્પષ્ટ કારણો વિશે જાણ થશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે પગલાં ભરવામાં આવશે.