Get The App

'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ સરકારનું નિવેદન

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ સરકારનું નિવેદન 1 - image


Ahmedabad Plane Crash Report: 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો. આ ભયાનક અકસ્માતમાં  241 મુસાફરો અને ક્રૂ મેમ્બરની સાથે અન્ય 19 લોકોના મૃત્યુ થયા હતા. આવી સ્થિતિમાં હવે આ અકસ્માતના એક મહિના પછી શનિવારે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો છે. બીજી તરફ હવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ આ રિપોર્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ એક પ્રારંભિક તપાસ રિપોર્ટ છે અને AAIBનો ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ પણ સત્તાવાર નિષ્કર્ષ પર ન પહોંચી શકાય.

મંત્રાલય રિપોર્ટનું વિશ્લેષણ કરી રહ્યું છે: નાયડુ

નાયડુએ કહ્યું કે, આ રિપોર્ટ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે અને મંત્રાલય તેમાં સામે આવેલી બાબતોનું વિશ્લેષણ કરી રહ્યું છે. મંત્રાલય દ્વારા અમે તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી રહ્યા છીએ. AAIB એક સ્વતંત્ર સંસ્થા છે અને અમે તેમને શક્ય તમામ સહયોગ આપી રહ્યા છીએ. અમને આશા છે કે, અંતિમ રિપોર્ટ ટૂંક સમયમાં આવશે જેથી અમે કોઈ મજબૂત નિષ્કર્ષ પર પહોંચી શકીએ.



પાયલટ અને ક્રૂ અંગે મંત્રીનું નિવેદન

રામ મોહન નાયડુએ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રના પાયલટો અને ક્રૂની પ્રશંસા કરતા કહ્યું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી પાસે વિશ્વના શ્રેષ્ઠ પાયલટ અને ક્રૂ છે. તેઓ આપણા એવિએશન ઈન્ડસ્ટ્રીના કરોડરજ્જુ છે. આ સાથે જ મંત્રીએ ખાતરી આપી કે, સરકાર અકસ્માત સંબંધિત તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને અંતિમ અહેવાલના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, ઉડ્ડયન સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z

શું બોલ્યા મુરલીધર મોહોલ?

આ રિપોર્ટ પર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું કે, આ માત્ર એક પ્રારંભિક રિપોર્ટ છે, અંતિમ રિપોર્ટ નથી. જ્યાં સુધી ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવું જોઈએ. AAIB એક સ્વતંત્ર સંસ્થા છે, મંત્રાલય તેમના કામમાં હસ્તક્ષેપ નથી કરતું. આ અહેવાલ પ્રારંભિક તપાસનો એક ભાગ છે, અને તમામ તથ્યોની પુષ્ટિ થયા પછી જ ફાઈનલ રિપોર્ટ આવશે. 

શાહનવાઝ હુસૈને પણ આપી પ્રતિક્રિયા

ભાજપ નેતા અને પૂર્વ મંત્રી શાહનવાઝ હુસૈને પણ આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ રિપોર્ટ ચોંકાવનારો છે અને ઘણા મહત્વપૂર્ણ સવાલો ઉભા કરે છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વિમાનના એન્જિનને ઈંધણ નહોતું મળી રહ્યું. આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે, અને તેનાથી ઘણા સ્તરે તપાસની જરૂરિયાતો સામે આવે છે.

Tags :