India

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

By GS Team
10 Jun 20262 mins read
TukuTouch Logo
ભારત હવામાન વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારત સહિત ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન બદલાવાની મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 11 જૂનથી 15 જૂન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાનું સત્તાવાર આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે 20 જૂન પછી ચોમાસું બેસે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Weather Alert : ભારત હવામાન વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારત સહિત ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન બદલાવાની મહત્ત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 11 જૂનથી 15 જૂન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાનું સત્તાવાર આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે 20 જૂન પછી ચોમાસું બેસે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં 11થી 15 જૂન સુધીની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તારીખવાર વરસાદી માહોલ જોવા મળશે. 11 અને 12 જૂનના રોજ નવસારી, તાપી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 13 જૂને આ વિસ્તારો ઉપરાંત સુરત, નર્મદા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે. જ્યારે 14 અને 15 જૂનના રોજ ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડશે. સૌરાષ્ટ્ર પંથકમાં આગામી ત્રણ દિવસ હવામાન મુખ્યત્વે સૂકું રહ્યા બાદ 12થી 15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળશે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં 13 જૂન સુધી વરસાદની વકી

દેશની વાત કરીએ તો, મધ્ય એશિયામાંથી સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં 13 જૂન સુધી સતત વરસાદ અને વાવાઝોડાનો દોર ચાલશે. ખાસ કરીને 11 અને 12 જૂનના રોજ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી-NCR, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ અને કરા પડવાની આશંકા છે.

ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના

આ પ્રતિકૂળ હવામાનને પગલે દિલ્હી, જયપુર અને લખનૌ જેવા મોટા શહેરોમાં તાપમાન ઘટશે પરંતુ ભેજનું પ્રમાણ વધશે, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થઈ શકે છે. કરા પડવાના કારણે પાક અને બગીચાઓને નુકસાન થવાની ભીતિ હોવાથી ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમોને ઍલર્ટ મોડ પર રાખવામાં આવી છે.