| (IMAGE - IANS) |
Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મતવિસ્તાર ભવાનીપુરમાંથી ડ્રાફ્ટ મતદાર યાદીમાં આશરે 45,000 મતદારોના નામ હટાવવામાં આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ આંકડો કુલ મતદારોના લગભગ 21.7 ટકા જેટલો થાય છે, જેને પગલે તૃણમૂલ કોંગ્રેસ(TMC) એ ગ્રાઉન્ડ લેવલ પર તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો?
ચૂંટણી પંચના આંકડા મુજબ, જાન્યુઆરી 2025 સુધી ભવાનીપુર બેઠક પર કુલ 2,06,295 મતદારો હતા. જોકે, સ્પેશિયલ વોટર રિવિઝન(SIR) અભિયાન બાદ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ યાદીમાં હવે માત્ર 1,61,509 મતદારો જ બચ્યા છે. એટલે કે કુલ 44,787 મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
TMCને ક્યાં છે વાંધો?
તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં મતદારોને મૃતક, સ્થળાંતરિત અથવા લાંબા સમયથી ગેરહાજર દર્શાવીને બાકાત કરી દેવામાં આવ્યા છે, જેની સામે પક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા પક્ષના નેતૃત્વએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઈપણ સંજોગોમાં એક પણ માન્ય મતદારનું નામ યાદીમાંથી છૂટવું જોઈએ નહીં. આ હેતુસર, પક્ષે બૂથ લેવલ એજન્ટો(BLA)ને 'ડોર-ટુ-ડોર વેરિફિકેશન' કરવાની જવાબદારી સોંપી છે, જેમાં તેઓ ઘરે-ઘરે જઈને યાદીમાંથી હટાવવામાં આવેલા તમામ મતદારોની રૂબરૂ ખરાઈ કરશે અને જો કોઈ ભૂલ જણાય તો તેને સુધારવાની પ્રક્રિયા હાથ ધરશે.
આ વિસ્તારો પર ખાસ નજર
ભવાનીપુર બેઠકમાં કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક વોર્ડ આવે છે. જેમાંથી વોર્ડ નંબર 70, 72 અને 77માં સૌથી વધુ નામો કપાયા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વોર્ડ નંબર 77, જે લઘુમતી બહુલ વિસ્તાર છે, તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભવાનીપુર એક એવો વિસ્તાર છે જ્યાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના લોકોની પણ મોટી વસ્તી છે.
TMCનું 'મે આઈ હેલ્પ યુ' કેમ્પ
લોકોની સમસ્યા ઉકેલવા અને મતદાર યાદીમાં ફરી નામ નોંધાવવા માટે TMC મોહલ્લા સ્તરે કેમ્પ શરૂ કરશે. આ કેમ્પમાં સ્વયંસેવકો લોકોને દસ્તાવેજો તૈયાર કરવામાં, ફોર્મ ભરવામાં અને સુનાવણી દરમિયાન મદદરૂપ થશે.
આ પણ વાંચો: પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ખામીઓ સામે આવી?
4 બેઠકો પર 2.16 લાખથી વધુ નામો હટાવાયા
માત્ર ભવાનીપુર જ નહીં, પરંતુ કોલકાતાની ચાર મહત્ત્વની બેઠકો પર મોટાપાયે નામો કમી થયા છે, જેમાં ભવાનીપુર, કોલકાતા પોર્ટ, બાલીગંજ, રાશબિહારીનો સમાવેશ થાય છે. આ ચારેય બેઠકો પર મળીને કુલ 2.16 લાખથી વધુ નામો હટાવાયા છે, જે આ બેઠકોના કુલ મતદારોના આશરે 24 ટકા જેટલા થાય છે. અગાઉ આ વિસ્તારોમાં 9.07 લાખ મતદારો હતા, જે હવે ઘટી ગયા છે.


