‘...તો હું આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’, મમતા બેનર્જીએ ફેંક્યો પડકાર

CM Mamata Banerjee On BJP And Election Commission : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે (25 નવેમ્બર) 24 પરગણા જિલ્લાના મતુઆ બાહુલ્ય બનગામમાં માતુઆ સમુદાયને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR) હેઠળ મતદારોના નામ, એસઆઇઆરના નામે બંગાળના લોકોને ધમકી, ભાજપ દ્વારા હેલિકોપ્ટર દ્વારા સફર અટકાવવાનો પ્રયાસ સહિતના મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે, ‘એસઆઇઆરનો વિરોધ કરી રહ્યા નથી, પરંતુ અમે એટલું કહેવા માંગીએ છીએ કે, વાસ્તવિક મતદારોના નામ ન કપાવા જોઈએ.’
CM મમતાના ભાજપ-ચૂંટણી પંચ પર પ્રહાર
મુખ્યમંત્રી બેનર્જીએ SIR મામલે ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, ‘ભાજપ પોતાની ઑફિસમાં બેસીને યાદી ફિક્સ કરી રહી છે. ચૂંટણી પંચનું કામ નિષ્પક્ષ હોવું જોઈએ, ભાજપનું પંચ ન બનવું જોઈએ. જો તમે (મતદાર) ગેરકાયદેસર છો, તો તમે 2024માં જેને મત આપ્યો હતો, તે પણ ગેરકાયદે છે. જો તમે 2014માં મોદી સરકારને મત આપ્યો હતો, જો તમે ગેરકાયદે થઈ ગયા તો સરકાર પણ ગેરકાયદે થઈ જશે.’
‘ભાજપ મારા પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો...’
મુખ્યમંત્રી મમતાએ દાવો કર્યો છે કે, ‘એસઆઇઆરના નામે બંગાળના લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે. આ બધી કવાયત રાજકીય હેતુ માટે કરવામાં આવી રહી છે. ભાજપ મારી રમતમાં મારી સાથે લડી શકતી નથી, મને હરાવી શકતી નથી. જો ભાજપે બંગાળમાં મારા પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો હું આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ.’
મમતાનો ભાજપને પડકાર
મમતા બેનર્જી હેલિકોપ્ટરથી મતુઆ જવાના હતા. જોકે તેમણે ભાજપ પર હેલિકોપ્ટરની સફર રોકવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ભાજપ ઇચ્છતી ન હતી કે, હું અહીં આવું. હું ભાજપને વારંવાર કહેવા માગુ છું કે, મારી સાથે રમવાનો પ્રયાસ ન કરતા, તમે તમામ એજન્સીઓને મારી પાછળ લગાવી દો, કેન્દ્ર સરકારની જેટલી તાકાત હોય તેટલી લગાવી દે, તેમ છતાં તેઓ મારી સાથે રમત નહીં રમી શકે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા નાણાં વહેંચવાનો પ્રયાસ થશે, પરંતુ લોકો પૈસા લઈ લેશે અને ભાજપને વોટ નહીં આપે.’
આ પણ વાંચો : ‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ

