Explainer: ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ 4,500 કિ.મી. દૂર દિલ્હી પહોંચી! રાજધાનીનું વાયુ પ્રદૂષણ વધી શકે

Impact of Ethiopia's Volcano on India : જ્વાળામુખી વિસ્ફોટની તીવ્રતા અને તાકાત કેટલી હોય છે, એનો એક ઔર પરચો માનવજાતને તાજેતરમાં મળ્યો છે. 23 નવેમ્બર, 2025ના રોજ આફ્રિકાના દેશ ઈથિયોપિયાના અફાર પ્રદેશમાં સ્થિત ‘હાયલી ગુબી’ નામનો જ્વાળામુખી ફાટ્યો હતો. 12,000 વર્ષની લાંબી નિદ્રા પછી ફાટેલા આ જ્વાળામુખીએ જબરદસ્ત વિસ્ફોટ કર્યો હતો અને એની રાખ આફ્રિકાથી છેક દિલ્હી સુધી પહોંચી ગઈ છે. રાખ 4,500 કિ.મી. દૂર કઈ રીતે પહોંચી ? એને લીધે દિલ્હીની પ્રદૂષિત હવામાં કેટલો વધારો થશે? આવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે વિગતે વાત કરીએ.
આફ્રિકાનો આકરો પ્રદેશઃ અફાર
આફ્રિકાનો અફારનો પ્રદેશ તેની તીવ્ર ગરમી માટે કુખ્યાત છે. અહીં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી જતું હોવાથી તેને 'પૃથ્વી પરના નરક' તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ આફ્રિકન રિફ્ટ વેલીમાં આવેલા આ પ્રદેશમાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો (પૃથ્વીની સપાટી બનાવતી પ્લેટો) ધીમેધીમે એકબીજાથી અલગ થઈ રહી છે, જેને લીધે આ જ્વાળામુખી ફાટ્યો છે. ‘હાયલી ગુબી’નો વિસ્ફોટ ભારતીય સમય મુજબ બપોરે 2 વાગ્યે થયો હતો. તેની રાખ અને ધુમાડાનો સ્તંભ સમુદ્રસપાટીથી 14 કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી ગયો હતો.
જ્વાળામુખીની રાખ દિલ્હી સુધી કઈ રીતે પહોંચી?
હાયલી ગુબીથી દિલ્હીનું અંતર લગભગ 4,500 કિલોમીટર છે. આ લાંબી યાત્રા દરમિયાન રાખને વેગ આપવાનું કામ 'જેટ સ્ટ્રીમ' નામના ઊંચા સ્તરના પ્રબળ પવનોએ કર્યું છે. જ્વાળામુખીના વિસ્ફોટ સાથે ફેંકાયેલી રાખના સૂક્ષ્મ કણો વાતાવરણના ઊંચા સ્તર ‘સ્ટ્રેટોસ્ફિયર’ સુધી પહોંચી ગયા હતા, જ્યાં 100થી 130 કિ.મી. પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાતો હોય છે. આ પવન પશ્ચિમથી પૂર્વ દિશા તરફ વહેતો હોવાથી જ્વાળામુખીની રાખ આફ્રિકાથી રાતો સમુદ્ર વટાવીને પહેલા મધ્ય પૂર્વના દેશો સુધી પહોંચી, પછી પાકિસ્તાન થઈને રાજસ્થાન અને છેલ્લે 24 નવેમ્બરની રાત સુધીમાં દિલ્હી સુધી આવી પહોંચી હતી.
જ્વાળામુખીની રાખથી દિલ્હીની હવા વધુ પ્રદૂષિત થશે?
જ્વાળામુખીની રાખથી દિલ્હીના જમીની સ્તરના વાયુ પ્રદૂષણ (PM2.5 અથવા PM10) પર નોંધપાત્ર ફરક પડવાની શક્યતા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે, આ રાખના કણો વાતાવરણમાં ઘણાં ઊંચા સ્તરે એટલે કે 15,000થી 45,000 ફૂટની ઊંચાઈએ સફર કરી રહ્યા છે અને તેમની જમીન સુધી પહોંચવાની સંભાવના ઓછી છે. ભારતીય હવામાન વિભાગના નિષ્ણાતોના મતે, આ રાખનો સીધો પ્રભાવ હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) પર નહીં પડે. જો કે, રાખના કણો અને વિસ્ફોટ સાથે નીકળેલા સલ્ફર ડાયોક્સાઇડ (SO₂) ગેસના કારણે આકાશમાં હળવું ધુમ્મસ જોવા મળી શકે છે અને દૃશ્યતા ઘટી શકે છે. સદ્નસીબે, આવી પરિસ્થિતિમાં વરસાદની સંભાવના વધી જતી હોય છે. જો વરસાદ પડ્યો તો ધુમ્મસ સાફ થઈ જશે.
ભારતમાં ઉડ્ડયન સેવાઓ પ્રભાવિત થઈ
જ્વાળામુખીની રાખ વિમાનના એન્જિનોને નુકસાન પહોંચાડી શકે એમ હોવાથી ભારતમાં ઘણી ફ્લાઇટ્સ રદ કરાઈ છે. રાખ દિલ્હીથી આગળ વધીને ચીન તરફ જઈ રહી છે. 2010માં આઇસલૅન્ડમાં થયેલા જ્વાળામુખી વિસ્ફોટની રાખ પણ સમગ્ર યુરોપમાં ફેલાઈ ગઈ હતી હાયલી ગુબીની રાખ પણ એ જ રીતે વિસ્તરી રહી છે.
જ્વાળામુખીનો ઈથિયોપિયામાં કેવો પ્રભાવ પડશે?
ઈથિયોપિયા માટે જ્વાળામુખી વિસ્ફોટની ઘટના ચિંતાજનક છે. તાત્કાલિક કોઈ જાનહાનિ નથી થઈ, પણ ત્યાં નીચે મુજબની સમસ્યાઓ ઉદ્ભવી છે અથવા ભવિષ્યમાં ઉદ્ભવી શકે છે.
• રસ્તા પર જમા થયેલી રાખને લીધે રસ્તા લપસણા થઈ ગયા છે, જેને લીધે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. પરિવહન માર્ગો અવરોધિત થતાં કેટલાક પ્રવાસીઓ દાનાકિલ રણ વિસ્તારમાં ફસાઈ ગયા છે.
• SO₂ એસિડ વરસાદનું કારણ બની શકે છે, જે ખેતપેદાશોને નુકસાન પહોંચાડી શકે છે.
• રાખમાં સિલિકા (કાચ જેવા કણો) હોય છે જે પાણીને શોષી લે છે, જેને લીધે સ્થાનિક ગામોની જમીનની ફળદ્રુપતા ઘટી શકે છે.
• અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગના લોકો પશુપાલન કરે છે. રાખના કણો પ્રાણીઓના શ્વસન તંત્રમાં પ્રવેશીને આરોગ્યને લગતી મુશ્કેલી સર્જી શકે છે.
વિસ્ફોટનું કારણ છે પૃથ્વીની અંદરની ઉથલપાથલ, નવા મહાસાગરનું સર્જન થશે?
12,000 વર્ષોની નિદ્રાવસ્થા પછી જ્વાળામુખીના સક્રિય થવા પાછળ પૃથ્વીના આંતરિક ભાગમાં થતી ભૂગર્ભીય હલચલ જવાબદાર છે. હાયલી ગુબી પૂર્વ આફ્રિકન રિફ્ટ વેલી પર સ્થિત છે, જ્યાં આફ્રિકન ટેક્ટોનિક પ્લેટ ધીમે ધીમે ખસી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન 'સુપર પ્લુમ' તરીકે ઓળખાતો લાવાનો વિશાળ ભંડાર પૃથ્વીના ભૂગર્ભમાં દબાણ ઊભું કરે છે અને તક મળતાં જ્વાળામુખી રૂપે ફાટી પડે છે. વિસ્ફોટથી થોડા સમય પહેલા, મેગ્માની 50 કિલોમીટર લાંબી દીવાલ ફાટી ગઈ હતી. પરિણામે 4.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આખરે એ ભૂકંપ જ જ્વાળામુખી ફાટવાનું કારણ બન્યો હતો. અહીં બંને પ્લેટ વચ્ચે અંતર સતત વધી રહ્યું હોવાથી લાખો વર્ષો પછી અહીં એક નવો મહાસાગર બની શકે એમ છે. જોકે, એ મહાસાગર જોવા માનવજાત હયાત હશે કે કેમ, એ મોટો પ્રશ્ન છે.

