‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ

Arvind Kejriwal in Punjab : પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે ગુરુદ્વારા બાબા બુઢા દળ છાવણી ખાતે આયોજિત વિશેષ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કેજરીવાલે તેમની સરકારની ઇમાનદારી અને કાર્યશૈલી પર ખુલ્લેઆમ વાત કરી હતી.
અમે ઇમાનદારીથી સરકાર ચલાવી રહ્યા છીએ : કેજરીવાલ
કેજરીવાલે સંબોધતાં જણાવ્યું કે, ‘અમે સંપૂર્ણ ઇમાનદારીથી સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લોકો અમને વારંવાર પૂછે છે કે, પંજાબ સરકારને આટલા પૈસા ક્યાંથી મળી રહ્યા છે? અમે આટલી મોટી વ્યવસ્થા કેવી રીતે કરી? પંજાબ સરકાર આટલું કામ કેવી રીતે કરી રહી છે? આનું કારણ એ છે કે, અમે ગુરુ સાહેબના બતાવેલા રસ્તા પર ઇમાનદારીથી ચાલી રહ્યા છીએ.’
‘...તો અમને સજા મંજૂર છે’
તેણણે કહ્યું કે, ‘મેં ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે, સરકારનો તમામ ખજાનો તમારા માટે ઉપયોગમાં લેવાશે. અમે સરકારનો એક-એક પૈસો જનતા પર ખર્ચ કર્યો છે. અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા છે. જો અમે એક પૈસાની બેઇમાની કરી હોય, તો ગુરુ મહારાજ જે પણ સજા આપે તે અમને મંજૂર છે.’
આ પણ વાંચો : ગુજરાત સહિતના રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર, જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ
ત્રણ પવિત્ર શહેરોમાં દારૂ-માંસ-ગુટખા-તમાકુનું વેચાણ પર પ્રતિબંધ
કેજરીવાલે પંજાબમાં AAP સરકારની ઉપલબ્ધિઓ ગણાવતાં કહ્યું કે, ‘70 વર્ષ બાદ નહેરોનું પાણી ખેતરો સુધી પહોંચાડવામાં આવ્યું છે અને શાળાઓ-હૉસ્પિટલોને વધુ સારી બનાવવામાં આવી છે. વિધાનસભા સત્રમાં ત્રણ પવિત્ર શહેરોને પવિત્ર નગરીનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યાં હવે દારૂ, માંસ, ગુટખા અને તમાકુનું વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે. આનંદપુર સાહિબમાં શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબજીના નામ પર એક વિશ્વ કક્ષાની યુનિવર્સિટી પણ બનાવવામાં આવશે.’

