India

‘કોર્ટની ગરિમા નહીં રાખનારા સામે લોખંડી હાથે કાર્યવાહી કરીશું...’, કેરળ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે ફટકારી કન્ટેમ્પ્ટ નોટિસ

By GS Team
6 Nov 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે CJI સૂર્યકાંત વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરવા બદલ કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી(KPCC)ના હોદ્દેદારોને અવમાનનાની નોટિસ ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, દેશમાં બંધારણ સર્વોચ્ચ છે અને કોઈ રાજકીય સંસ્થા કે વ્યક્તિ તેનાથી ઉપર નથી. ન્યાયતંત્રની સ્વતંત્રતા સાથે કોઈ બાંધછોડ નહીં થાય. કોર્ટે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘કોર્ટની ગરિમા નહીં રાખનારા સામે લોખંડી હાથે કાર્યવાહી કરીશું...’, કેરળ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે ફટકારી કન્ટેમ્પ્ટ નોટિસ

Kerala Congress put on notice, Law is supreme : ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા(CJI) સૂર્યકાંત સામે સોશિયલ મીડિયા પર કરાયેલી વિવાદિત પોસ્ટ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી(KPCC)ના હોદ્દેદારોને કોર્ટનું અપમાન કરવા બદલ કન્ટેમ્પ્ટ એટલે કે અવમાનનાની નોટિસ ફટકારી છે. આ મામલાની સુનાવણી કરતી વખતે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘દેશમાં બંધારણ જ સર્વોચ્ચ છે. કોઈપણ રાજકીય સંસ્થા કે વ્યક્તિ તેનાથી ઉપર નથી.’

બંધારણ સર્વોચ્ચ, ન્યાયતંત્રની સ્વતંત્રતા સાથે બાંધછોડ નહીં

આ અંગે જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેંચે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે, ‘દેશમાં બંધારણ સર્વોચ્ચ છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે રાજકીય સંગઠન તેનાથી પર નથી. ન્યાયતંત્રની સ્વતંત્રતા એ કોઈ રાજકીય અનુકૂળતાનો વિષય નથી, પરંતુ આ પ્રજાસત્તાક દેશ અને તેના નાગરિકોને આપેલી બંધારણીય ગેરંટી છે.’

કોર્ટની સત્તાને પડકારનારા સામે 'લોખંડી હાથે' કાર્યવાહી કરાશે

સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘કોર્ટની ગરિમા અને સત્તાને નુકસાન પહોંચાડવાના કે તેને નબળી પાડવાના કોઈપણ પ્રયાસ સામે 'લોખંડી હાથે' (કડક હાથે) કાર્યવાહી કરવી જરૂરી છે.‘
આ કેસમાં કોર્ટે સિવિલ કે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ લાગુ થશે કે કેમ તેની તપાસ કરવા માટે એક સિનિયર ઍડ્વૉકેટને 'એમિકસ ક્યુરી' (કોર્ટના મિત્ર) તરીકે નીમ્યા છે. આ સાથે જ આ મામલે એટર્ની જનરલ આર. વેંકટરામની પાસે પણ સહાય માંગવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી'(CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસની કથિત અતિશયોક્તિ અને કામગીરી અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્ય કાંત દ્વારા કરાયેલી એક ટિપ્પણીને લક્ષ્ય બનાવીને કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વિવાદિત પોસ્ટ કરાઈ હતી, જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો.
એ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ડિયર સૂર્યકાંત, જો કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તમારું ક્ષેત્ર (ડોમેન) ન હોય, તો અત્યારે જ રાજીનામું આપી દો. અમે તમારા બદલે એવા વ્યક્તિને શોધી લઈશું જે આ વ્યવસ્થા સંભાળી શકે.’ (Dear Surya Kant, If law and order is not your domain, resign now. We will find your replacement who can handle it.)

ભારે વિરોધ બાદ પોસ્ટ ડિલીટ, કોંગ્રેસે માફી માગી

આ વિવાદિત પોસ્ટ સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન(SCBA) અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રૅકોર્ડ એસોસિએશન(SCOARA) દ્વારા ચીફ જસ્ટિસના રાજીનામાની માંગણીનો સખત શબ્દોમાં વિરોધ કરાયો હતો. ચોતરફથી થયેલા ભારે વિરોધ બાદ કેરળ કોંગ્રેસે તે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. કેરળ કોંગ્રેસના નેતાઓએ પણ આ મુદ્દે જાહેરમાં માફી માગી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પોસ્ટ કરનારાને પણ પક્ષમાંથી હાંકી કઢાયો છે. આમ છતાં, સુપ્રીમ કોર્ટે અદાલતી ગરિમા જાળવી રાખવા માટે આ મામલાને ગંભીરતાથી લઈને નોટિસ ફટકારી છે.