Get The App

સિદ્ધારમૈયા રાજીનામું આપવા તૈયાર? કહ્યું- શિવકુમાર મારા ભાઈ જેવા, મોવડી મંડળ ઈચ્છે તો CM બનશે

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
સિદ્ધારમૈયા રાજીનામું આપવા તૈયાર? કહ્યું- શિવકુમાર મારા ભાઈ જેવા, મોવડી મંડળ ઈચ્છે તો CM બનશે 1 - image


CM Siddaramaiah And DK Shivakumar Breakfast Meeting : કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની ચાલી રહેલી અટકળો વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે મંગળવારે (2 ડિસેમ્બર) સવારે શિવકુમારના નિવાસસ્થાને એક બ્રેકફાસ્ટ મીટિંગ યોજીને પોતાની સંપૂર્ણ એકતાનો સંદેશ આપ્યો છે. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ મુલાકાત બાદ બંને દિગ્ગજ નેતાઓએ સંયુક્ત રીતે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ તમામ મુદ્દાઓ પર એકજૂટ છે.

શિવકુમાર અને હું ભાઈ જેવા : CM સિદ્ધારમૈયા

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, ‘શિવકુમાર અને હું ભાઈ જેવા છીએ અને અમે પાર્ટી માટે મળીને કામ કરી રહ્યા છીએ. જ્યારે પણ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને હાઈકમાન્ડ નક્કી કરશે, ત્યારે શિવકુમાર મુખ્યમંત્રી બનશે. મંગળવારે હું શિવકુમરાના ઘરે બ્રેકફાસ્ટ માટે ગયો હતો, તે પહેલા શિવકુમાર મારા ઘરે આવ્યા હતા અને તેમના ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ અમે બેઠક યોજી છે.’

સિદ્ધારમૈયા-શિવકુમારની બેઠકમાં શું થઈ ચર્ચા?

સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું કે, ‘અમે બેઠકમાં પક્ષ અને સરકાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી છે. અમે 8 ડિસેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના બે અઠવાડિયાના સત્રની રણનીતિ અંગે પણ ચર્ચા કરી છે. અમે ભાજપ દ્વારા લાવવામાં આવનાર અવિશ્વાસ પ્રસ્તાવ સહિતના અન્ય મુદ્દાઓનો કોંગ્રેસ આક્રમક રીતે જવાબ આપવા તૈયાર છીએ.’

આ પણ વાંચો : તો શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?', ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી

નેતૃત્વ પરિવર્તનની અટકળોનો સિદ્ધારમૈયાએ આપ્યો જવાબ

નેતૃત્વ પરિવર્તનની ચાલી રહેલી અટકળો અંગે સિદ્ધારમૈયાએ કહ્યું કે, ‘કોંગ્રેસ (Congress)ના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે, તે તમામ નેતાઓને સ્વીકાર્ય રહેશે. અમારી એકતા માત્ર આજની બેઠક પૂરતી મર્યાદિત નથી, પરંતુ અમે હંમેશા એકજૂટ રહીશું. હું ટૂંક સમયમાં જ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરીશ અને બુધવારે મંગલુરુમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલ સાથેના એક કાર્યક્રમમાં હાજરી આપીશ.’

શિવકુમારે શું કહ્યું?

નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘મેં આજે મુખ્યમંત્રીને મારા નિવાસસ્થાન પર નાસ્તા માટે આમંત્રણ આપ્યું હતું. મેં રાજ્યના સુશાસન તથા સતત વિકાસ માટેની મારી પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.’ બેઠકમાં શિવકુમારના ભાઈ અને પૂર્વ સાંસદ ડી.કે.સુરેશ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય એચ.ડી.રંગનાથ પણ હાજર રહ્યા હતા. સુરેશ અને રંગનાથે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. બંને દિગ્ગજ નેતાઓની મુલાકાત રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે બંને નેતાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આગામી 2028ની વિધાનસભા ચૂંટણીઓ સહિત તમામ મુદ્દાઓ પર તેઓ એકસાથે મળીને કામ કરશે.

આ પણ વાંચો : ટેરિફ ઘટીને 20% થઈ જશે? ભારત-અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા, વિદેશથી ગુડ ન્યૂઝ!

Tags :