ટેરિફ ઘટીને 20% થઈ જશે? ભારત-અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા, વિદેશથી ગુડ ન્યૂઝ!

| (IMAGE - IANS) |
India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પર છ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, છતાં હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, જોકે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે સકારાત્મક ડીલ થવાની તૈયારીમાં છે. વિદેશી બ્રોકરેજ ફર્મ નોમુરાએ પણ ડીલ જલ્દી પૂરી થવાની આશા વ્યક્ત કરી છે. નોમુરાએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચે વેપાર કરારનું પરિણામ અનિશ્ચિત હોવા છતાં, કરાર ટૂંક સમયમાં થઈ શકે છે. આ ડીલ થતાં હાલમાં ભારત પર લાગુ અમેરિકાનો 50% ટેરિફ ઘટીને લગભગ 20% થઈ શકે છે. શેરબજાર પણ આશા રાખી રહ્યું છે કે આ ટ્રેડ ડીલ 2025ના અંત સુધીમાં ફાઇનલ થઈ જશે.
GDP ગ્રોથ: 8.2% સાથે અપેક્ષાથી સારો દેખાવ
ભારતીય અર્થવ્યવસ્થા અંગે વાત કરતાં નોમુરાએ જણાવ્યું કે, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતનો GDP ગ્રોથ રેટ અપેક્ષા કરતાં સારો એટલે કે વાર્ષિક ધોરણે 8.2% રહ્યો, જે જૂન ત્રિમાસિકમાં 7.8% હતો. RBIના 7%ના અંદાજ કરતાં આ વૃદ્ધિ દર 1.2% વધારે છે. આ મજબૂત દેખાવને ધ્યાનમાં રાખીને, નોમુરાએ નાણાકીય વર્ષ 2026 માટે તેના GDP ગ્રોથના અંદાજને પહેલાના 7%થી વધારીને 7.5% કરી દીધો છે.
આ પણ વાંચો: પાકિસ્તાન ફરી ભડકે બળશે? 'ચલો અડિયાલા' હેઠળ ઈમરાન સમર્થકોનો કાફલો રાવલપિંડી રવાના
RBI રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો સંભવ
રેપો રેટ અંગે નોમુરાએ કહ્યું કે, મજબૂત GDP ગ્રોથ હોવા છતાં, તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આગામી MPC બેઠકમાં ડિસેમ્બર મહિનામાં 25 બેસિસ પોઇન્ટ્સના ઘટાડાના તેમના અનુમાનને જાળવી રાખે છે. આ ઘટાડા પછી રેપો રેટ 5.25% પર આવી શકે છે, જોકે બ્રોકરેજે રેપો રેટમાં ઘટાડાની સંભાવનાને 65%થી ઘટાડીને 60% કરી છે. નોમુરાના મતે, ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતી સાથે આગળ વધી રહી છે અને આવી સ્થિતિમાં પોલિસી રેટ્સમાં ઘટાડાની ખાસ જરૂર નથી, જોકે નજીવા ફુગાવાની સંભાવના છે. GST રિફોર્મ્સ અને શ્રમ કાયદાઓને સરળ બનાવવા જેવા સુધારાઓ પણ ભારતના ગ્રોથને સમર્થન આપશે.

