તો શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?', ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી

Supreme Court On Rohingya: સુપ્રીમ કોર્ટમાં આજે રોહિંગ્યા શરણાર્થી કેસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાંથી ગુમ થવા અંગેની જાહેર હિતની અરજી પર કડક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, જે લોકો ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસણખોરી કરે છે તેના માટે અમે રેડ કાર્પેટ તો ન પાથરી શકીએ. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવાનો ઇન્કાર કરી દીધો. આ કેસમાં આગામી સુનાવણી 16 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે, જ્યારે અન્ય રોહિંગ્યા સંબંધિત કેસ પણ સૂચિબદ્ધ છે.
સુપ્રીમ કોર્ટને પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાં ગુમ થવા મુદ્દે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવા અપીલ કરવામાં આવી હતી. જોકે, CJIની બેન્ચે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. સુનાવણી દરમિયાન બેન્ચે કડક વલણ અપનાવતા કહ્યું કે, 'તમે જાણો છો કે આ લોકો ઘૂસણખોર છે. આપણી નોર્થ-ઈસ્ટની બોર્ડર ખૂબ જ સંવેદનશીલ છે.'
તો શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?
તેમણે આગળ ટિપ્પણી કરતાં કહ્યું કે, 'શું તમને ખબર છે કે આ દેશમાં શું-શું થઈ રહ્યું છે? જો કોઈ ગેરકાયદેસર રીતે આવે છે... તો શું તમે ઇચ્છો છો કે અમે તેમના માટે રેડ કાર્પેટ પાથરીએ ? તેઓ ટનલમાંથી અંદર આવે છે અને પછી તમે કહો છો કે તેમને ખોરાક, આશ્રય, બાળકો માટે શિક્ષણ મળવું જોઈએ... શું અમે કાયદાને આટલો ખેંચીએ? હેબિયસ કોર્પસ જેવી વાતો ખૂબ જ કાલ્પનિક છે.'
રોહિંગ્યા ભારતના નાગરિક નથી
CJIએ આગળ કહ્યું કે, હેબિયસ કોર્પસ માંગવું એ ખૂબ જ ફેન્સી વાત છે. આ લોકો ગેરકાયદેસર પ્રવાસી છે. બેન્ચે એ પણ ટિપ્પણી કરી કે, દેશની સુરક્ષા અને સરહદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવી અરજીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી સરળ નથી. અરજીમાં માગ કરવામાં આવી હતી કે પાંચ રોહિંગ્યા શરણાર્થીઓને પોલીસ કસ્ટડીમાંથી "ગુમ" કરી દેવામાં આવ્યા છે અને કોર્ટ તેમના ઠેકાણા વિશે શોધવાનો આદેશ આપે. વાસ્તવમાં રોહિંગ્યા મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી વિવાદાસ્પદ રહ્યો છે. કેન્દ્ર સરકારે વારંવાર કહ્યું છે કે, રોહિંગ્યા ભારતીય નાગરિક નથી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. 2017માં પણ સુપ્રીમ કોર્ટે તેમના દેશનિકાલ પર રોક લગાવવાનો ઇન્કાર કર્યો હતો. હાલમાં દેશભરમાં લગભગ 40,000 રોહિંગ્યા રહી રહ્યા છે, જેમાંથી મોટાભાગના માન્ય દસ્તાવેજો વિનાના છે.
ભારતમાં ગેરકાયદેસર વિદેશી નાગરિકોની સંખ્યા કેટલી છે?
સરકારી રિપોર્ટસ પ્રમાણે UNHCR અને મીડિયા સ્ત્રોતોનું માનીએ તો અંદાજિત સંખ્યા 20-40 મિલિયન (2-4 કરોડ) આસપાસ છે. આ ગેરકાયદેસર પ્રવાસીઓમાં મુખ્યત્વે બાંગ્લાદેશ (1.2 કરોડ+), પાકિસ્તાન, મ્યાનમાર (રોહિંગ્યા) અને અફઘાનિસ્તાનના ગેરકાયદેસર પ્રવાસી સામેલ છે. 2024ની તુલનામાં 2025માં BSFએ પૂર્વીય સરહદ પર ત્રણ ગણા વધુ ગેરકાયદેસર પ્રવાસીઓને પકડ્યા હતા. કેન્દ્ર સરકારે 2025ના ઈમિગ્રેશન અને ફોરેનર્સ ઍક્ટ હેઠળ દેશનિકાલને વધુ તીવ્ર બનાવ્યો છે. જોકે, ગેરકાયદેસર નાગરિકોની ચોક્કસ સંખ્યા નક્કી કરવી મુશ્કેલ છે, કારણ કે ચોક્કસ આંકડા ગુપ્ત છે.
ભારતમાં રોહિંગ્યા શરણાર્થીઓની વસતી કેટલી છે?
ભારતમાં રોહિંગ્યા શરણાર્થીઓની વસતીનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તેઓ દેશના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર રીતે છૂપાયેલા રહે છે. જોકે, અંદાજિત સંખ્યા 20,000-40,000 હોઈ શકે છે. શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્તના કાર્યાલય પાસે 18,000-22,500 રોહિંગ્યા રજિસ્ટર્ડ છે. જોકે, કુલ સંખ્યા 40,000થી વધુ હોઈ શકે છે. મ્યાનમારમાં 2017માં થયેલી હિંસા પછી તેમની સંખ્યામાં વધારો થયો છે. ભારત તેમને ગેરકાયદેસર પ્રવાસી માને છે. 2025માં 38 રોહિંગ્યાને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
કયા રાજ્યમાં સૌથી વધુ રોહિંગ્યા રહે છે?
મીડિયા અને અન્ય અહેવાલો પ્રમાણે રોહિંગ્યાઓ સૌથી વધુ જમ્મુ-કાશ્મીર(જમ્મુ પ્રદેશ)માં છે. જ્યાં લગભગ 5,700-11,000 રોહિંગ્યા રહે છે. ત્યારબાદ હૈદરાબાદ (તેલંગાણા)માં 7,200, દિલ્હી-NCRમાં 5,000થી વધુ, હરિયાણાના નૂહમાં, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં પણ રોહિંગ્યા રહે છે. જમ્મુમાં તેમના સ્લમ્સ અને ડિટેન્શન કેમ્પ મુખ્ય ઠેકાણા છે.
ભારતમાં રોંહિગ્યા કેવી રીતે ઘૂસે છે?
આ રોહિંગ્યા મુખ્યત્વે બાંગ્લાદેશના રસ્તે પૂર્વીય સરહદ(ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને આસામ)માં ઘૂસણખોરી કરે છે. બાંગ્લાદેશ કેમ્પમાંથી પસાર થઈને તસ્કરોની મદદથી પગપાળા અથવા હોડી અથવા તો મ્યાનમાર બોર્ડરથી સીધા મિઝોરમ-અરુણાચલ થઈને નોર્થ-ઈસ્ટ પહોંચી જાય છે. નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેઓ ફ્લાઇટ્સ અને ટ્રેનો દ્વારા દેશનાઅલગ-અલગ ભાગોમાં ઘૂસી જાય છે.

