Get The App

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી 1 - image

West Bengal Assembly Elections-2026 Controversy : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફોર્મ-6 મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ, આજે (31 માર્ચ) કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર ભાજપ-ટીએમસી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ જોતજોતામાં બંને પક્ષના કાર્યકર્તાઓ હિંસક મારમારી પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને કેન્દ્રીય સુરક્ષાદળની ટીમ તહેનાત કરી દેવાઈ છે. વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થિતિનો તાક મેળવવા સ્થળ પર પહોંચી ગયા છે.

ફોર્મ-6ના કારણે ઉભો થયો વિવાદ

રિપોર્ટ મુજબ ફોર્મ-6ના કારણે વિવાદ ઉભો થયો હોવાની માહિતી સામે આવી છે. આ ફોર્મનો ઉપયોગ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે થાય છે. ટીએમસી સમર્થકોએ આક્ષેપ કર્યો છે કે, એક વ્યક્તિ મોટાપાયે ફોર્મ-6 લઈને ચૂંટણી પંચની ઓફિસમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વ્યક્તિ નિયમો વિરુદ્ધ પ્રક્રિયા કરી રહ્યો હોવાની આશંકા ગઈ હતી. ત્યારબાદ તેને પકડી લેવાયો હતો અને ટીએમસીના કાર્યકર્તાઓ તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી ધરણા પર બેસી ગયા હતા. સ્થિતિ તંગ થયા બાદ પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે, પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ વણસી ગઈ હતી.

TMC-BJPના કાર્યકર્તાઓ વચ્ચે મારમારી-સૂત્રોચ્ચાર

બીજીતરફ ઘટનાની જાણ થતાં બહોળી સંખ્યામાં ભાજપના સમર્થકો સ્થળ પર પહોંચી ગયા હતા. આ દરમિયાન બંને પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસ બેરિકેડની સામ-સામે આવી ગયા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપ કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે, ટીએમસી કાર્યકર્તાઓ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસ્યા હતા અને તેઓની સાથે ગેરવર્તણૂક કરી હતી. તો ટીએમસીએ દાવો કર્યો છે કે, ભાજપ સમર્થકોએ તેમના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી. પછી માહોલ એવો ગરમાયો કે, બંને તરફથી સામસામે ધક્કા-મુક્કી અને મારપીટ શરૂ થઈ ગઈ.

આ પણ વાંચો : બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ

અભિષેક બેનરજીએ ભાજપ પર કર્યો ગંભીર આક્ષેપ

અગાઉ ટીએમસી નેતા અભિષેક બેનરજીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, બહારના રાજ્યના લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે ફોર્મ-6નો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને સીસીટીવી ફુટેજ આપવાની ચૂંટણી પંચને માંગ કરી હતી.

ઘટના બાદ ચૂંટણી પંચની ઓફિસ બહાર પોલીસ કાફલો ખડકી દઈને સુરક્ષા વધારી દેવાઈ છે. પોલીસ પણ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલ-2026ના રોજ મતદાન યોજોવાનું છે, જ્યારે ચોથી મેના રોજ મતગણતરી થવાની છે.

આ પણ વાંચો : દેશમાં ડોમેસ્ટિક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% સંચાલન માત્ર ઇન્ડિગો-એર ઇન્ડિયા પાસે, સરકારે સંસદમાં રજૂ કર્યો 2025નો ડેટા