એરપોર્ટ-મેટ્રો સ્ટેશનમાં ઘૂસ્યા પાણી, રસ્તાઓ પણ જળબંબાકાર... અનેક રાજ્યોમાં મેઘતાંડવ, જુઓ VIDEO
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heavy Rain : ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવતાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને લીધે બફારામાંથી મુક્તિ મળી છે પરંતુ મહત્ત્વના રસ્તાઓ, મેટ્રો સ્ટેશન અને એરપોર્ટ પરિસરમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
દિલ્હી : એરપોર્ટ અને કનોટ પ્લેસ સહિતના વિસ્તારો જળબંબાકાર
દેશની રાજધાની દિલ્હીમાં ભારે પવન સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદથી ગરમી અને અસહ્ય બફારામાંથી મોટી રાહત મળી છે, પરંતુ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પરિસર નજીક પાણી ભરાઈ જતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ઉપરાંત કનોટ પ્લેસ, કાલી બારી માર્ગ, મહિપાલપુર તેમજ પૂર્વ દિલ્હીના આનંદ વિહાર મેટ્રો સ્ટેશનના પાર્કિંગ એરિયામાં પાણી ભરાઈ જતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
હરિયાણા: ગુરુગ્રામના સાયબર સિટી અને શંકર ચોકમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા
હરિયાણાના ગુરુગ્રામમાં પડેલા મુશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને સાયબર સિટી અને શંકર ચોક વિસ્તારમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. શહેરના નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ઓફિસ જતાં લોકો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઉત્તર પ્રદેશ: નોઈડા, મથુરા અને લખીમપુર ખેરીમાં મુશળધાર વરસાદ
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. નોઈડામાં જોરદાર વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત ધાર્મિક નગરી મથુરા અને લખીમપુર ખેરી જિલ્લામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે સ્થાનિક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો.
ઉત્તરાખંડ: દેહરાદૂનમાં તમસા નદી ગાંડીતૂર બની, નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ
ઉત્તરાખંડના દેહરાદૂનમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે ટપકેશ્વર વિસ્તારમાં આવેલી તમસા નદીની જળસપાટીમાં ધરખમ વધારો થયો છે. નદી ભારે વેગ અને મોજાં સાથે વહી રહી હોવાથી વહીવટીતંત્રે નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને પાણીના પ્રવાહથી દૂર રહેવા ચેતવણી આપી છે. રાજ્યભરના નદી-નાળાઓ છલકાઈ જતાં અને રસ્તાઓ પર પાણી ભરાતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
હિમાચલ પ્રદેશ: શિમલામાં 8 દિવસ પછી ટોય ટ્રેન સેવા ફરી શરૂ
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કાલકા-શિમલા હેરિટેજ રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત થતાં ખોરવાયેલી ટોય ટ્રેન સેવા 8 દિવસ બાદ આંશિક રીતે ફરી શરૂ કરવામાં આવી છે. શુક્રવારે ધરમપુરથી શિમલા વચ્ચે ટ્રેન સેવા પુનઃસ્થાપિત કરાઈ હતી અને મુસાફરો ભરેલી ટ્રેન બપોરે 11:30 કલાકે શિમલા રેલવે સ્ટેશને પહોંચી હતી, જેનાથી પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે ટ્રેકને નુકસાન પહોંચ્યું હોવાથી કાલકાથી શિમલા વચ્ચેની નિયમિત સેવા હજુ સ્થગિત છે.
રાજસ્થાન: જયપુરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
રાજસ્થાનના પાટનગર જયપુરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી અને શહેરના નીચાણવાળા રસ્તાઓ પર હળવું પાણી ભરાયું હતું.




