Get The App

ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો : બેલેસ્ટિક મિસાઇલ પ્રલયનું બે વખત સફળ પરીક્ષણ

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો : બેલેસ્ટિક મિસાઇલ પ્રલયનું બે વખત સફળ પરીક્ષણ 1 - image


Pralay Missile : ભારતે આજે (31 ડિસેમ્બર) સંરક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્વદેશી જ્ઞાન અને કૌશલ્યથી નિર્મિત, ટૂંકા અંતરની સપાટીથી સપાટી પર માર કરનારી ‘પ્રલય’ મિસાઇલનું ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પરથી એક જ કલાકના ગાળામાં સતત બે વખત સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સફળતા સાથે ભારતીય સેનાની વ્યૂહાત્મક શક્તિમાં અનેકગણો વધારો થયો છે.

‘પ્રલય’ મિસાઇલની ખાસિયતો?

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી ‘પ્રલય’ એક અર્ધ-બેલેસ્ટિક વ્યૂહાત્મક મિસાઇલ (SRBM) છે.

1) ભયાનક પ્રહાર શક્તિ : આ મિસાઇલ 150 કિલોમીટરથી 500 કિલોમીટર સુધીના અંતરે દુશ્મનના ઠેકાણાઓને સચોટ નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. તે 350 કિલોગ્રામથી લઈને 1000 કિલોગ્રામ સુધીના પરંપરાગત હથિયારો વહન કરી શકે છે, જેમાં કવચ વિરોધી વોરહેડનો પણ સમાવેશ થાય છે.

2) દુશ્મનને ચકમો આપવામાં સક્ષમ : પ્રલય મિસાઇલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઉડાન દરમિયાન હવામાં જ પોતાનો રસ્તો બદલી શકે છે. આ ક્ષમતાને કારણે તે દુશ્મનની ઇન્ટરસેપ્ટર મિસાઇલોને સરળતાથી ચકમો આપી શકે છે.

3) અત્યાધુનિક ટૅક્નોલૉજી : આ મિસાઇલ અત્યાધુનિક નેવિગેશન અને એવિઓનિક્સ સિસ્ટમથી સજ્જ છે. તેને મલ્ટિ-એક્સલ ટ્રક (TEL) દ્વારા ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને ખૂબ જ ઝડપથી તૈનાત કરી શકાય છે.

4) પરમાણુ હથિયાર વિના પણ વિનાશક : વર્ષ 2022માં સેવામાં સામેલ થયેલ આ મિસાઇલ પરમાણુ હથિયારોના ઉપયોગ વિના પણ દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. આ મિસાઇલની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે યુદ્ધના મેદાનમાં ટૂંકા ગાળામાં મોટું નુકસાન પહોંચાડી શકે.

આ પણ વાંચો : રણની વચ્ચે 500 વર્ષ જૂનો ખજાનો, સોના ભરેલું જહાજ દરિયામાંથી અહીં કેવી રીતે પહોંચ્યું?

સંરક્ષણ મંત્રી અને DRDO ચીફે ટીમને અભિનંદન પાઠવ્યા

આજના સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓની આખી ટીમને અભિનંદન પાઠવ્યા છે. ડીઆરડીઓના અધ્યક્ષ સમીર વી. કામતે પણ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મહેનતની પ્રશંસા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આગામી દિવસોમાં અન્ય ઘણી નવી અને અત્યાધુનિક મિસાઇલોના પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. સાથે જ જૂની મિસાઇલ સિસ્ટમ્સના આધુનિકીકરણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેઈન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો