| (AI IMAGE) |
Shipwreck in the Desert: સામાન્ય રીતે સમુદ્રના ઊંડાણમાં ડૂબેલા જહાજો મળતા હોય છે, પરંતુ આફ્રિકાના નામિબિયાના રણમાંથી એક એવું જહાજ મળી આવ્યું છે જેણે દુનિયાભરના પુરાતત્વવિદોને ચોંકાવી દીધા છે. રેતીના ઢગલા નીચે દબાયેલું આ 500 વર્ષ જૂનું જહાજ માત્ર લાકડાનો ઢાંચો નથી, પરંતુ તે અખૂટ ખજાનાનો ભંડાર છે.
હીરાની શોધમાં નીકળેલા લોકોને મળ્યું જહાજ
વર્ષ 2008માં જ્યારે આ વિસ્તારમાં ખનન માટે દરિયાઈ પાણી હટાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે શ્રમિકોને લાકડાનું એક વિશાળ માળખું દેખાયું હતું. વધુ ખોદકામ કરતા જાણવા મળ્યું કે આ એક પ્રાચીન જહાજ છે. સંશોધન બાદ બહાર આવ્યું કે આ 'બોમ જીસસ'(Bom Jesus) નામનું પોર્ટુગીઝ જહાજ છે, જે 1533ની આસપાસ ગુમ થયું હતું.
સોના-ચાંદી અને હાથીદાંતનો અખૂટ ખજાનો
તપાસ દરમિયાન જહાજમાંથી મળી આવેલા અવશેષોએ વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ ઐતિહાસિક જહાજમાંથી 2000થી વધુ શુદ્ધ સોનાના સિક્કાઓનો મોટો જથ્થો મળી આવ્યો છે, જે તે સમયની આર્થિક સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. સોના ઉપરાંત, જહાજમાં ટનબંધ તાંબુ અને ચાંદીના સિક્કાઓ જેવી કિંમતી ધાતુઓનો સંગ્રહ પણ હતો. સાથે જ, તે કાળના વેપારમાં અત્યંત મૂલ્યવાન ગણાતા હાથીદાંત અને ચીનના મિંગ સામ્રાજ્યની કેટલીક દુર્લભ કલાકૃતિઓ પણ આ કાટમાળમાંથી મળી આવી છે. સૌથી નવાઈની વાત તો એ છે કે, સેંકડો વર્ષો સુધી રેતીમાં દબાયેલું હોવા છતાં, આ તાંબાના સ્લેબ કે અન્ય વસ્તુઓ પર જરા પણ કાટ લાગ્યો નથી અને તે આજે પણ સુરક્ષિત હાલતમાં છે.
લિસ્બનથી ભારતની સફર
ઇતિહાસકારોના મતે, આ જહાજ પોર્ટુગલના લિસ્બનથી ભારત આવવા માટે નીકળ્યું હશે. 16મી સદીમાં પોર્ટુગીઝો મસાલાના વેપાર માટે ભારત સાથે જોડાયેલા હતા. એવું માનવામાં આવે છે કે કોઈ ભયાનક વાવાઝોડા અથવા અકસ્માતને કારણે જહાજ રસ્તા ભટકી ગયું હશે અને કિનારે અથડાયા બાદ સમય જતાં રેતીમાં દફન થઈ ગયું હશે. આજે જ્યાં રણ છે, ત્યાં સેંકડો વર્ષો પહેલા સમુદ્રની લહેરો ઉછળતી હતી.
એક પણ હાડપિંજર ન મળતા આશ્ચર્ય
આ જહાજ જેટલું કિંમતી છે, એટલું જ રહસ્યમય પણ છે. અંદાજ મુજબ આ જહાજ પર 200થી વધુ લોકો સવાર હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ખોદકામ દરમિયાન ત્યાંથી એક પણ હાડપિંજર કે અવશેષ મળ્યા નથી. આ લોકો જહાજ છોડીને ક્યાં ગયા? શું તેઓ રણમાં ભૂલા પડી ગયા કે પછી કોઈ અન્ય રીતે બચી ગયા? આ પ્રશ્ન આજે પણ એક વણઉકેલ્યો કોયડો છે.


