AIના કારણે વિશ્વભરમાં હાહાકાર, અમેરિકામાં અનેક સેક્ટરોમાં 11 લાખ નોકરી સાફ, ડ્રાઈવર્સની નોકરી પણ જોખમમાં

Artificial Intelligence's Serious Impact On Jobs : આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે હાહાકાર મચ્યો છે. રિપોર્ટ મુજબ અહીં માત્ર ઓક્ટોબર મહિનામાં 1.5 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, ત્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 11 લાખ લોકોની નોકરી પર કાતર ફરી ગઈ છે. એવી પણ વિગતો સામે આવી છે કે, આ સમસ્યા માત્ર અમેરિકા પુરતી નથી, તે વિશ્વભર સુધી પહોંચવાની છે.
ઈતિહાસ કહી રહ્યો છે કે, સંકટનું પહેલું સિગ્નલ હંમેશા શેરબજારમાંથી મળે છે અને અમેરિકન શેરબજારમાં હાલમાં આ જ પરિસ્થિતિ છે. ગુરુવારે (6 નવેમ્બરે) અમેરિકન બજારમાં અતિશય વેચવાલી જોવા મળી હતી, જેમાં S&P 500 લગભગ 1.1 ટકા અને નાસ્ડેક ઈન્ડેક્સ બે ટકા સુધી ગગડ્યો છે, જ્યારે ડાઉજોન્સમાં પણ લગભગ 0.8 ટકા ઘટાડો થયો છે. આ પહેલા 5 નવેમ્બરે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ બાબતો સંકેત આપે છે કે, રોકાણકારો હાલ ડરના માહોલમાં છે.
બજારના મોટા કડાકા પાછળ મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર
1... આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભયાનક સ્થિતિ
છેલ્લા ઘણા સમયથી એઆઈ કંપનીઓને મોટો હાઉ ઉભો થયો હતો, જોકે હવે તેમનો હાઉ ફૂટવાની તૈયારીમાં હોવાના સંકેતો સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં મોટી ટેકનોલોજી કંપનીઓ, ખાસ કરીને એઆઈ સંબંધિત શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, તેથી રોકાણકારોને ડર છે કે, શું આ કંપનીઓ આગામી સમયમાં રિટ્રન આપવામાં સક્ષમ હશે. ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા બે વર્ષમાં AI કંપનીના શેરોમાં જોરદાર તેજી હોવા છતાં, તેમાં તેજી મુજબનો ગ્રોજ જોવા મળ્યો ન હતો. રોકાણકારોને ડર છે કે, કેટલીક મોટી ટેકનોલોજી કંપનીઓના શેરોમાં જેટલો ઉછાળો જોવા મળ્યો હતો, તે ઉછાળો ગ્રોથ સાથે મેળ ખાતો નથી. એટલે કે તે કંપનીઓનું વેલ્યુએશન ઘણું આગળ નીકળી ગયું છે, જેના કારણે AI સંબંધિત કંપીઓએ સારા પરિણામો પણ આપ્યા હતા, પરંતુ સારા પરિણામ છતાં કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
2... અમેરિકન કંપનીઓમાં મોટાપાયે છટણી
બીજું અને સૌથી મોટું કારણ અમેરિકન કંપનીઓમાં મોટા પાયે છટણી છે. મંદીની આશંકા વચ્ચે અમેરિકન અર્થતંત્રમાં રોજગાર સંકટ વધ્યું છે. માત્ર ઓક્ટોબર 2025માં જ લગભગ 1.53 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, જે છેલ્લા 20 વર્ષમાં કોઈ પણ ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં લગભગ 11 લાખ નોકરીઓ પર કાતર ફરી વળી છે, જે ગયા વર્ષની સરખામણીએ 65% વધુ છે. ટેકનોલોજી, રિટેલ, સર્વિસ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ જેવા અનેક ઉદ્યોગો આ છટણીની લપેટમાં છે. કંપનીઓ વધતા ખર્ચ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે છટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. છટણીનું મુખ્ય કારણ એઆઈ છે, કારણ કે કંપનીઓમાં અનેક કામ એઆઈ કરી રહ્યું છે, જેના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે.
3... અર્થતંત્ર પર દબાણ વધ્યું
આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના વધી ગઈ છે, જેના કારણે દેશના અર્થતંત્ર પર દબાણ વધી ગયું છે. અમેરિકા પરનું દેવું 38 ટ્રિલિયન ડોલરથી પણ વધી ગયું છે, જે GDPના લગભગ 324 ટકા જેટલું છે. આ મોટું દેવું અને આર્થિક અનિશ્ચિતતાને કારણે મોંઘવારી વધવાનો ડર પણ રોકાણકારોને સતાવી રહ્યો છે. જો અમેરિકા સમયસર આ સમસ્યાઓનું સમાધાન નહીં લાવે, તો માત્ર આર્થિક જ નહીં પણ રાજકીય અને સામાજિક પડકારો પણ આવી શકે છે. વૈશ્વિક અર્થતંત્ર માટે આ એક મોટો ખતરો છે, જેની અસર વિશ્વના અનેક દેશો પર પડવાની શક્યતા છે.
આ પણ વાંચો : અમેરિકામાં શટડાઉનની માઠી અસર : ન્યૂયોર્ક, લોસ એન્જેલસ સહિત 40 એરપોર્ટ પર સંચાલન ઠપ થશે!
અનેક સેક્ટરો AIના સકંજામાં
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની ટેકનોલોજી વિકસી રહી છે તેમ તેમ ઘણાં કામ સરળ બન્યાં છે. ઈન્ટરનેટ સર્ચની મેથડ બદલાઈ ગઈ છે. ફોટો ક્રિએટ કરવાનું આસાન બન્યું છે. કોઈ સામગ્રી લખવી હોય તો એ એઆઈના કારણે આસાન બને છે. મેડિકલથી લઈને એજ્યુકેશન સુધી, કોડિંગથી લઈને ક્રિએટિવ રાઈટિંગ સુધી એઆઈની અસર વર્તાવા માંડી છે. એ બધા વચ્ચે આ વર્ષે જે સેક્ટર્સ પર સર્વાધિક એઆઈની અસર થઈ છે અને નોકરીઓને ફટકો પડયો છે એ જાણી લઈએ....
AIથી કામ સરળ બન્યું, પણ નોકરીઓ પર જોખમ વધ્યું
- એઆઈ ટેકનોલોજીએ અનેક ઈનોવેટિવ ટિપ્સ આપીને ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રને ઉગતું જ ડામી દીધું
- કોડિંગ અને પ્રોગ્રામિંગની મદદથી એઆઈ ટેકનોલોજીનો જન્મ થયો, આજે આ સેક્ટર પર જ એઆઈનું સર્વાધિક જોખમ
- કન્ટેન્ટ ક્રિએટ કરવાથી લઈને અનુવાદનું કામ એઆઈના કારણે સરળ બન્યું
- રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સમાં એઆઈનો વ્યાપક ઉપયોગ શરૂ થયો
- અમેરિકા-જાપાનમાં એઆઈથી સજ્જ ડ્રાઈવરલેસ કારના પ્રયોગો, ડ્રાઈવરોની નોકરીઓ પર ખતરો
- એઆઈથી સજ્જ ડિઝાઈનર ચેટબોટ્સના કારણે કેટલીય કંપનીઓએ કસ્ટમર કેર અધિકારીઓની સંખ્યા ઘટાડી દીધી
આ પણ વાંચો : સમુદ્રમાં અમેરિકાએ કોના પર કર્યો હુમલો? 60થી વધુ લોકો માર્યા ગયા, UN ભડક્યું
AI ચેટબોટના કારણે કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવ્સની નોકરી જોખમમાં
ચેટબોટ્સના કારણે 24 કલાક સુધી કસ્ટમર્સ સાથે કનેક્ટ રહેવાનું સરળ બન્યું છે. પહેલાં અનેક કંપનીઓએ ૨૪ કલાકની કસ્ટમર કેર સર્વિસ આપવા માટે દિવસ રાત ત્રણ-ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ બેસાડવા પડતા હતા. અથવા તો કોલ સેન્ટર્સ ચલાવતી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો. તેના બદલે હવે એ જ કામ એઆઈ ચેટબોટ કરી આપે છે. એક એઆઈ ચેટબોટનું મોડલ ક્રિએટ કરી દેવાથી કેટલાય કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવ્સની છુટ્ટી થઈ જાય છે. હવે તો ઘણી કંપનીઓ ડિઝાઈનર એઆઈ ચેટબોટ બનાવી આપે છે. કંપની ક્યા પ્રકારની સર્વિસ આપે છે અને તેમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ વારંવાર સર્જાય છે તેનો અભ્યાસ કરીને, એ પ્રમાણે કોડિંગ કરીને ચેટબોટ બનાવી દેવામાં આવે છે. આ ચેટબોટ્સ દરરોજ હજારો કસ્ટમર્સની નાના-મોટા પ્રશ્નો સોલ્વ કરે છે. મોટાભાગની કંપનીઓ, ઓનલાઈન સર્વિસ આપતા પ્લેટફોર્મ્સમાં એઆઈ ચેટબોટનું ટૂલ ઉમેરાઈ ચૂક્યું છે. એમાં તમારો પ્રશ્ન રજૂ કરો કે તુરંત જ એને લગતા સમાધાનો મળી રહી છે. કમ્પલેઈન રજિસ્ટર થઈ જાય છે એટલે જે કામ માટે કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવ્સ બેસાડવા પડતા એ કામ ચેટબોટથી થાય છે. પરિણામે કસ્ટમર કેરમાં નોકરીઓ ઘટી છે.
નિર્માણ કરનાર પર જ એઆઈનો એટેક
જેણે એઆઈનું નિર્માણ કર્યું એના પર જ એઆઈએ એટેક કર્યો ! કોડિંગ અને પ્રોગ્રામિંગની મદદથી એઆઈ ટેકનોલોજીનો જન્મ થયો. આજે એઆઈ આ સેક્ટર પર જ મોટું જોખમ છે. ગિટહબ કોપાઈલટ, ચેટજીપીટીની મદદથી બેઝિક અને ઈન્ટરમીડિયેટ કોડિંગ ચંદ સેકન્ડમાં મળી રહી છે. જે કામ આઈટી પ્રોફેશનલ્સ કલાકોની મહેનત પછી કરી આપતા હતા એ જ કામ એઆઈ ટૂલના કારણે તુરંત થઈ જાય છે. તેનાથી આઈટી સેક્ટરની નોકરીઓ પ્રભાવિત થઈ રહી છે. હવે આઈટી એન્જિનિયરને માત્ર કોડિંગ આવડતું હોય તો એની નોકરી ખતરામાં છે. તેને કોડિંગમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ આવડવું જોઈએ ને સાથે બીજી સ્કિલ પણ હોવી જોઈએ. તો જ એની નોકરી સલામત રહી શકે છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક સમયે સૌથી અઘરી બાબત ગણાતી હતી. એ અઘરી બાબત આવડતી હતી એટલે જ આઈટી એન્જિનિયર્સની ડિમાન્ડ રહેતી હતી. હવે આ અઘરી બાબત એઆઈથી ઈઝી બની છે. આગામી સમયમાં આઈટી એન્જિનિયર્સે એઆઈની સ્કિલ વિકસાવવી ફરજિયાત થઈ પડશે. એઆઈ ટૂલ્સ સાથે મેચ નહીં થાય તે આઈટી પ્રોફેશનલ્સ માટે નોકરી ટકાવી રાખવાનું કપરું બનશે.
આ પણ વાંચો : ઝોહરાન મમદાની સાથે આ ભારતવંશી શીખ નેતા પણ અમેરિકામાં છવાયા, હવે મેયર બન્યા
...તો સેંકડો ડ્રાઈવર્સ બેકાર બની જશે
ડ્રાઈવરની હજુ સુધી તો એટલી જ ડિમાન્ડ રહે છે. ભારત જેવા દેશોમાં વાહનોની ટેકનોલોજી ઘણી વિકસી હોવા છતાં ડ્રાઈવર વગર વાહન ચલાવવાનું જોખમ કોઈ લેવા તૈયાર નથી. પરંતુ ૨૦૨૫નું વર્ષ આ સેક્ટર માટેય નિરાશા લઈને આવ્યું છે. અમેરિકા-જાપાન ઉપરાંત યુરોપના દેશોમાં ડ્રાઈવરલેસ કારના પ્રયોગો છેલ્લાં તબક્કામાં છે. જો આ ટેકનિક મોટાપાયે લાગુ પડી જશે તો સેંકડો ડ્રાઈવર્સ બેકાર બની જશે. અત્યારે જ કારમાં ક્રૂઝ કન્ટ્રોલ સહિતની ટેકનોલોજી આવી રહી છે. 5G કાર ટેકનોલોજીમાં વાહન બાજુમાંથી પસાર થાય તેના સિગ્નલ્સ મળે છે. આગળ-પાછળ, આજુ-બાજુમાં બીજું વાહન કેટલું દૂર છે એની જાણકારી પણ મળતી થઈ છે. વેધર રિપોર્ટથી લઈને અકસ્માત થાય ત્યારે તુરંત નજીકના હેલ્પ સેન્ટરમાં જાણ કરવા સુધીના કામ ઓટોમેટિક થઈ રહ્યાં છે. હ્મુમન એરરના કારણે, ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના કારણે અકસ્માતો વધ્યા છે, પરિણામે લોકો ડ્રાઈવરલેસ કારની ટેકનોલોજી તરફ આકર્ષાઈ રહ્યાં છે.
રેસ્ટોરન્ટ્સ-હોટલ્સમાં AI રોબોટનો ઉપયોગ શરૂ
રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સમાં એઆઈનો વ્યાપક ઉપયોગ શરૂ થયો છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી સર્વિસ આપતાં રેસ્ટોરન્ટ્સ ચેટબોટ્સની સર્વિસ તો લે જ છે. તે સિવાય એઆઈથી સજ્જ રોબોટ્સ ઓર્ડર લેવાનું કામ પણ કરતા થયા છે. મોટા શહેરોમાં એવા રેસ્ટોરન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. અમુક રેસ્ટોરન્ટ્સ નવું કરવાના નામે વેઈટરને બદલે રોબોટ્સને ઓર્ડર લેવાનું કામ સોંપે છે. તે એટલે સુધી કે ચીન-જાપાન-અમેરિકાના ઘણાં શહેરોમાં તો રોબોટ્સ ફૂડ સર્વ પણ કરી આપે છે. તે સિવાય કેશિયરનું કામ પણ એઆઈથી થવા માંડયું છે. ઘણી રેસ્ટોરાંમાં ક્યૂઆર કોડ આપી દેવામાં આવે છે. એમાં એઆઈની મદદથી ઓર્ડર પ્લેસ થઈ જાય છે. પરિણામે ઓર્ડર લેનારા સ્ટાફની ઘણી જરૂરિયાત ઘટી ગઈ છે. તે કારણે હવે આ પ્રકારની નોકરીઓ ઘટવા માંડી છે.
ડિજિટલ માર્કેટિંગ : AI લખી પણ આપે અને એડિટિંગ પણ કરી આપે
સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગનો વિચાર બહુ જૂનો નથી. પાંચ-સાત વર્ષથી ડિજિટલ માર્કેટિંગનો ટ્રેન્ડ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી માર્કેટિંગ, વેચાણ કરી શકાતું હોવાથી ઘણાં લોકોએ ડિજિટલ માર્કેટિંગની એજન્સી બનાવીને બિઝનેસ શરૂ કર્યો હતો. ખાસ તો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટયૂબ, વોટ્સએપના માધ્યમથી કેવી રીતે કમાણી કરવી, કેવી રીતે પોસ્ટ મૂકવી એ બધું જ ડિજિટલ માર્કેટિંગમાં આવતું હતું, પરંતુ હવે એઆઈથી એ કામ આસાન બન્યું છે. આજે એઆઈ ચેટબોટ્સ સાવ સરળતાથી ડિજિટલ માર્કેટિંગની ફંડા કહે છે. પોસ્ટ મૂકવાનું યાદ કરાવે છે. માર્કેટિંગ માટે વન લાઈનર્સ લખી આપે છે. કેપ્શન ક્રિએટ કરી આપે છે. ફોટોમાં એડિટિંગ પણ કરી આપે છે. હેશટેગથી લઈને ટ્રેડિંગ વિષયનું મોનિટરિંગ કરી આપે છે. આ બધી સર્વિસ એઆઈ બેઝ્ડ થઈ ગઈ હોવાથી ડિજિટલ માર્કેટિંગમાં એન્ટ્રી લેવલની નોકરીઓ ખતમ થવા માંડી છે. અથવા તો ખૂબ જ ઘટવા લાગી છે. જે એજન્સીને પહેલાં 100 માણસોની જરૂર પડતી હતી તે અત્યારે એઆઈના જાણકાર 40-50 માણસોથી ચલાવી રહ્યાં છે.
HRનું કામ AIના હાથમાં
કોઈપણ કંપની માટે હાયરિંગની પ્રોસેસ ખૂબ જ મહત્ત્વની હોય છે. ક્યા માણસને નોકરી આપવી જોઈએ. એની સ્કિલ શું છે? એનો જોબનો રેકોર્ડ કેવો છે? કેટલા વર્ષ સરેરાશ એક સ્થળે નોકરી કરી શકે છે? તેની હોબી શું છે? તેનું સામાજિક વલણ કેવું છે? આ તમામ બાબતો હવે નોકરી આપતા પહેલાં ચેક થાય છે. એ માટે એચઆર વિભાગ કામ કરે છે. એચઆર વિભાગમાં કાર્યરત સ્કિલ્ડ કર્મચારીઓ બાયોડેટાના આધારે, સોશિયલ મીડિયાની પોસ્ટના આધારે જે તે ઉમેદવારનું એનાલિસિસ કરે છે. પણ હવે એમાં એઆઈની મદદ મળી રહી છે. ઘણી કંપનીઓએ ડિઝાઈનર એઆઈ ટૂલ બનાવીને તેને જ ઉમેદવારોના એનાલિસિસનું કામ સોંપવાનો આરંભ કર્યો છે. હમણાં જ આઈબીએમ વતી કહેવાયું હતું કે જોબ માટે અરજી કરનારા ઉમેદવારોનું શોર્ટલિસ્ટનું કામ એઆઈ ટૂલને સોંપાયું હતું. એ ટૂલથી બહુ જ નિષ્પક્ષ રીતે ઉમેદવારોનું લિસ્ટ મળ્યું હોવાનું કંપનીએ કહ્યું હતું. આ પ્રક્રિયા જો વ્યાપક રીતે શરૂ થશે તો એચઆર વિભાગમાં પણ કર્મચારીઓની સંખ્યા ઘટવા માંડશે.
આ પણ વાંચો : વધુ એક મુસ્લિમ દેશ ઈઝરાયલ સાથે કરશે 'દોસ્તી', અબ્રાહમ એકોર્ડમાં થઈ જશે સામેલ

