સમુદ્રમાં અમેરિકાએ કોના પર કર્યો હુમલો? 60થી વધુ લોકો માર્યા ગયા, UN ભડક્યું

| Representative image |
US strikes in Caribbean Pacific: દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે અને પૂર્વીય પેસિફિક મહાસાગરમાં અમેરિકા દ્વારા સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડ્રગ્સની હેરફેર સાથે સંકળાયેલી બોટ પર કરવામાં આવેલા 13 હવાઈ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ ઘેરો બન્યો છે. આ હુમલાઓમાં 60થી વધુ લોકો માર્યા ગયા છે. અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથ આ કાર્યવાહીને ડ્રગ્સ હેરફેર સામેના અભિયાનનો ભાગ ગણાવી રહ્યા છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વેનેઝુએલાએ તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવીને સખત નિંદા કરી છે.
UN અને વેનેઝુએલાનો આક્રોશ
યુએસના આ હવાઈ હુમલાઓને UN અને વેનેઝુએલાની સરકારે ગેરકાયદે ગણાવ્યા છે. યુએન માનવાધિકાર વડા વોલ્કર ટર્કે જણાવ્યું હતું કે, 'દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે યુએસ હવાઈ હુમલાઓ અસ્વીકાર્ય છે અને તેને ગેરકાયદે હત્યા તરીકે જોવું જોઈએ.'
વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ યુએસ સામે આક્રમણ અને હત્યાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું હતું કે, 'આ કાર્યવાહી રાજકીય હસ્તક્ષેપ અને શાસન પરિવર્તનના પ્રયાસનો ભાગ છે. ટ્રમ્પ વહીવટનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. અમારા દેશમાં અસ્થિરતા ફેલાવવી અને શાસન પરિવર્તન માટે જમીન તૈયાર કરવી.'
અમેરિકાનો બચાવ: 'આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ'
અમેરિકાએ આ હુમલાઓને ડ્રગ્સ વિરોધી મિશન તરીકે વર્ણવ્યા છે. યુએસ સંરક્ષણ સચિવ હેગસેથએ જણાવ્યું હતું કે, 'અમે ફક્ત એવા જહાજોને નિશાન બનાવ્યા હતા જે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ગેરકાયદે પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતા.' ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો છે કે હુમલો કરાયેલી બોટમાં કોકેન અને અન્ય ડ્રગ્સ અમેરિકા તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે, અમેરિકાએ હજુ સુધી આ આરોપોને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા જાહેર કર્યા નથી.
આ પણ વાંચો: વધુ એક મુસ્લિમ દેશ ઈઝરાયલ સાથે કરશે 'દોસ્તી', અબ્રાહમ એકોર્ડમાં થઈ જશે સામેલ
પડોશી દેશો દ્વારા પુરાવા અને ચિંતાની માંગ
કોલંબિયા, મેક્સિકો અને ત્રિનિદાદ એન્ડ ટોબેગો જેવા વેનેઝુએલાના પડોશી દેશોએ પણ આ ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. કોલંબિયાના પ્રમુખ ગુસ્તવો પેટ્રોએ જણાવ્યું હતું કે, 'અમેરિકાનો દાવો ભ્રામક છે, કારણ કે કેટલાક પીડિતો કોલંબિયાના નાગરિકો હતા અને કોઈપણ બળવાખોર સંગઠન સાથે જોડાયેલા નહોતા.' ત્રિનિદાદના નાગરિકના પરિવારે અમેરિકા પાસેથી પુરાવા માંગ્યા છે કે તેમના સંબંધીઓ ખરેખર ડ્રગ્સ હેરફેર કરતા હતા.
સપ્ટેમ્બરમાં અમેરિકાએ કેરેબિયન સમુદ્રમાં પરમાણુ સબમરીન, યુદ્ધ જહાજો અને વિશ્વના સૌથી મોટા વિમાનવાહક જહાજ સહિત એક વિશાળ લશ્કરી દળ તહેનાત કર્યું હતું. આ પગલાના પગલે માદુરો સરકારે પણ સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખીને દેશભરમાં હજારો સૈનિકો તહેનાત કર્યાં હતા.

