'ભારત માતાની રક્ષા અને આપણા...', ઓપરેશન સિંદૂર પર વિનેશ ફોગાટની ઈમોશનલ પોસ્ટ
Image Twitter |
Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. જેના બદલામાં ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા ગઈકાલે મોડી રાત્રે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી નવ આતંકી સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા હતા. સેનાની આ કાર્યવાહીને દેશભરમાં બિરદાવવામાં આવી રહી છે. 6 મેની રાત્રિએ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એક સાથે અનેક હુમલાઓ કર્યા. આ હુમલાઓમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.
વિનેશ ફોગાટે કરી ભાવુક પોસ્ટ
ભારતીય સેનાની આ કાર્યવાહીને આખો દેશ સલામ કરી રહ્યો છે.ત્યારે હવે રેસલર અને કોંગ્રેસના ધારાસભ્ય વિનેશ ફોગાટે આ અંગે ઈમોશનલ પ્રતિક્રિયા આપી છે. વિનેશે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું,'ભારતીય સેના પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશ પર થયેલા આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. ભારત માતાની રક્ષા અને આપણા દરેકની સુરક્ષા અને શાંતિ માટેની આ લડાઈમાં તમારા જુસ્સા અને બહાદુરીને સલામ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે દરેક પગલે તમારી રક્ષા કરે અને તમને જલ્દીથી વિજય અપાવે. જય હિંદ, વંદે માતરમ.'
પેરિસ ઓલિમ્પિક 2024 માં ભારતીય રેસલર વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ભારતીય ચાહકોને આશા હતી કે, વિનેશ ફોગાટ ફાઇનલ મેચ જીતીને ઇતિહાસ રચશે કારણ કે રેસલિંગમાં ભારતે હજુ સુધી ઓલિમ્પિક કોઈ ગોલ્ડ જીત્યો નથી. પરંતુ ફાઇનલ મેચ પહેલા તેનું વજન માપવામાં આવ્યું ત્યારે તેનું વજન 100 ગ્રામ વધુ હોવાથી પેરિસ ઓલિમ્પિકમાંથી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. કુસ્તીને અલવિદા કહ્યા પછી વિનેશે ગયા વર્ષે હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી હતી.