Operation Sindoor : 18 એરપોર્ટ બંધ... 430 ફ્લાઈટ કેન્સલ, પાકિસ્તાન સાથે મુકાબલો કરવા ભારતની સંપૂર્ણ તૈયારી
Image Twitter |
Operation Sindoor : ભારતીય હવાઈ હુમલાએ પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે. 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાના બદલામાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ મુંહતોડ જવાબ આપ્યો છે. ગત 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. જોકે આ હુમલા પછી પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ કોઈ કાર્યવાહી ન કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ નફ્ફટ પાકિસ્તાન તરફથી કોઈપણ વળતા હુમલાનો સામનો કરવા માટે ભારતે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. જે હેઠળ દેશના 18 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.
એર સ્ટ્રાઈક બાદ આ એરપોર્ટ બંધ કરાયા
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોતનો ભારતે મજબૂત બદલો લીધો છે. પરંતુ જો તણાવની સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા કોઈપણ પલટવારનો જવાબ આપવા માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે. અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં 18 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છેે. જેમાં શ્રીનગરના એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યાદીમાં લેહ, જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જેસલમેર, શિમલા, ધર્મશાળા અને જામનગરનો પણ સમાવેશ થાય છે.
430 ફ્લાઈટ રદ કરવામાં આવી
ભારતની ત્રણેય સેનાઓ દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી એરપોર્ટ બંધ થવાને કારણે કેટલીક ફ્લાઇટ્સ સીધી અસર જોવા મળી શકે છે. ફ્લાઇટરાડર-24 મુજબ અત્યાર સુધીમાં લગભગ 430 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઇટ્સ રદ કરવાના મામલે ઇન્ડિગો એરલાઇન્સ સૌથી વધારે રદ કરવામાં આવી હતી જેમાં લગભગ 160 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.