Get The App

તમિલનાડુમાં વિજય કોંગ્રેસના સમર્થનથી કાલે શપથ લે તેવી શક્યતા

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં વિજય કોંગ્રેસના સમર્થનથી કાલે શપથ લે તેવી શક્યતા 1 - image

- તમિલનાડુમાં સરકાર બનાવવાની કવાયત, રાજ્યપાલને પત્ર લખ્યો

- કોંગ્રેસ અને પીએમકે બે-બે મંત્રીપદ સાથે વિજયને ટેકો આપવા તૈયાર : અન્ય નાના પક્ષોની પણ વિચારણા

ચેન્નઈ : તમિલનાડુમાં ઈતિહાસ રચનારા અભિનેતા જોસેફ વિજય પક્ષ ટીવીકેએ પહેલી જ ચૂંટણીમાં ૧૦૮ બેઠક જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકે, ટીવીકેને સત્તા પર આવવા અન્ય પક્ષોના ટેકાની જરૂર પડશે ત્યારે વિજયે શુભેચ્છા સંદેશાઓના જવાબમાં પીએમ મોદી પછી રાહુલ ગાંધીને જવાબ આપીને કોંગ્રેસ પાસેથી સમર્થનની સંભાવનાઓ વ્યક્ત કરી દીધી છે. આ સાથે વિજય ૭ મેને ગુરુવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના છે.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પહેલી ચૂંટણીમાં જ થલાપતિ વિજયના પક્ષ તમિલિગા વેટ્રી કઝગમ (ટીવીકે)એ ૩૫ ટકા વોટ શેર સાથે લગભગ ૧.૭ કરોડ મત મેળવીને એમજી રામચંદ્રનનો ૧૯૭૭નો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જોકે, ટીવીકે પૂર્ણ બહુમત માટે જરૂરી ૧૧૮ બેઠક જીતી શક્યો નથી.

ટીવીકેએ તમિલનાડુમાં સરકાર બનાવવા માટે ૧૦ બેઠકોની જરૂર છે ત્યારે તેણે સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. તમિલનાડુના પરિણામો જાહેર થયાના બીજા દિવસે ટીવીકેના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી, જેમાં ટીવીકેને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ટીવીકેએ તમિલનાડુમાં સૌથી મોટા પક્ષ તરીકે સરકારની રચના કરવા માટે રાજ્યપાલને મળવા માટે પત્ર લખ્યો હતો.

દરમિયાન ટીવીકેને સરકાર બનાવવા ૧૦ બેઠકોની જરૂર છે ત્યારે વિજયને કોંગ્રેસ અને અન્ય નાના પક્ષોનું સમર્થન મળવાની સંભાવના છે. કોંગ્રેસે પાંચ અને પટ્ટાલી મક્કલ કાચી (પીએમકે)એ ચાર બેઠકો જીતી છે. આ બંને પક્ષે બે-બે મંત્રીપદ સાથે ટીવીકેને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે.

ડાબેરીઓ પણ ટીવીકેને સમર્થન આપવું કે કેમ તે અંગે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. આ સિવાય વીસીકે, ડીએમડીકે જેવા અન્ય નાના પક્ષો પણ ટીવીકે દ્વારા સંપર્ક કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે, તેમણે આ અંગે હજુ કોઈ નિર્ણય લીધો નથી. વિજય જરૂરી સમર્થન મેળવી લેશે તો ૭ મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે તેમ ટીવીકેના સૂત્રો જણાવ્યું હતું.