VIDEO: આસામમાં ચૂંટણી પ્રચાર માટે જઈ રહેલા ગોગોઈ-બઘેલના કાફલા પર પથ્થરમારો, BJP-ચૂંટણી પંચ પર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Assam By-Election : આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટી (APCC)ના પ્રમુખ ગૌરવ ગોગોઈ અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના કાફલા પર ચૂંટણી પ્રચાર દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બંને અગ્રણી નેતાઓ 6 ઓક્ટોબરે યોજાનારી નાગાંવ લોકસભા પેટાચૂંટણી માટે સામગુરી મતવિસ્તારના બરમા વિસ્તારમાં પ્રચાર કરવા જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. આ પ્રચાર કાફલામાં કોંગ્રેસ ઉમેદવાર સિબામોની બોરા અને ધુબરીના સાંસદ રકીબુલ હુસૈન પણ ઉપસ્થિત હતા.
ભાજપ કાર્યકરો સામે આરોપ અને પોલીસની નિષ્ફળતા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ગૌરવ ગોગોઈ (Gaurav Gogoi)એ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના કાર્યકરોએ તે ગાડીને નિશાન બનાવી હતી જેમાં તેઓ અને ભૂપેશ બઘેલ (Bhupesh Baghel) મુસાફરી કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા ઢીલી રાખવામાં આવી અને સ્થિતિને જાણીજોઈને વણસવા દેવામાં આવી હતી.
ચૂંટણી પંચની ભૂમિકા સામે સવાલ અને નેતાને ઈજા
તેમણે ચૂંટણી પંચ પર ભાજપ શાસિત રાજ્યોમાં આવી ઘટનાઓ સામે મૂકપ્રેક્ષક બની રહેવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ક્ષતિગ્રસ્ત વાહનનો વીડિયો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, ગાડીમાં સવાર એઆઈસીસી સચિવ મનોજ ચૌહાણની પાંસળીના ભાગે પથ્થર વાગતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું અને ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો હતો.
પેટાચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો
ચૂંટણી પ્રચાર દરમિયાન મોઢા પર માસ્ક બાંધેલા અજાણ્યા શખ્સોએ દૂરથી વાહનો પર પથ્થરો ફેંક્યા હતા. આ બેઠક પર રાજકીય ત્રિપાંખીયો જંગ જામ્યો છે, જેમાં કોંગ્રેસે સિબામોની બોરાને ટિકિટ આપી છે, જ્યારે ભાજપ તરફથી દેબાશીષ શર્મા મેદાનમાં છે અને એઆઈયુડીએફ તરફથી બદરુદ્દીન અજમલ પણ ચૂંટણી લડી રહ્યા છે. ધુબરીના સાંસદ રકીબુલ હુસૈન પણ કોંગ્રેસના પ્રચારમાં સક્રિય છે. આગામી 6 ઓક્ટોબરે મતદાન યોજાવાનું હોવાથી વિસ્તારમાં રાજકીય તણાવ વધી ગયો છે.




