VIDEO : દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ: કર્ણાટકમાં ભૂસ્ખલનથી એકનું મોત, હિમાચલમાં 56 રસ્તા બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heavy Rain In India : દેશભરમાં ચોમાસાની ઋતુ વચ્ચે વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે નદી-નાળાઓ ઉભરાયા છે અને ડેમના દરવાજા ખોલવા પડ્યા છે, તો બીજી તરફ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનના કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના અલગ-અલગ ભાગોમાંથી વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયાના અહેવાલો સામે આવ્યા છે.
કર્ણાટકમાં અંડરપાસ કામગીરી દરમિયાન ભૂસ્ખલન: 1 શ્રમિકનું મોત
કર્ણાટકના બેંગલુરુમાં BDA અંડરપાસ બ્રિજ નજીક ચાલી રહેલા બાંધકામ દરમિયાન અચાનક ધસી પડેલા માટીના ઢગલા નીચે દટાઈ જવાથી 1 શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 1 શ્રમિક હજુ પણ ફસાયેલો છે. ઘટના સમયે સ્થળ પર કુલ 5 મજૂરો કામ કરી રહ્યા હતા. ગુમ થયેલા ૩૧ વર્ષીય સોનલ પરિમ નામના શ્રમિકને શોધવા માટે તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી 56 રસ્તા બંધ, પાવર ટ્રાન્સફોર્મર ઠપ્પ
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મુસળધાર વરસાદના કારણે ભારે આફત સર્જાઈ છે. પહાડો પર સતત ભૂસ્ખલનના જોખમ વચ્ચે 56 જેટલા મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે અને 5 પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચતાં વીજ પુરવઠો ખોરવાયો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા રસ્તાઓ ફરી શરૂ કરવા અને વીજળી પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મધ્ય પ્રદેશમાં શિવના નદી ઉભરાઈ, અટલ સાગર ડેમના દરવાજા ખોલાયા
મધ્ય પ્રદેશના મિંદસૌરમાં છેલ્લા 2 દિવસથી સતત થઈ રહેલા વરસાદને કારણે નદી-નાળાઓ છલકાયા છે અને શિવના નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. પાણીની આવક વધતાં અટલ સાગર ડેમના 2 દરવાજા 3-3 ફીટ સુધી ખોલવામાં આવ્યા છે, જ્યારે પશુપતિનાથ મહાદેવ મંદિર નજીકના નાના પુલ પરથી પાણી વહી રહ્યું છે. બીજી તરફ, ગુના જિલ્લામાં બપોર પછી 90 એમએમથી વધુ વરસાદ નોંધાતાં ગુલાબગંજની ચૌરસિયા કોલોનીના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મહારાષ્ટ્રના ઠાણેમાં તળાવો ઓવરફ્લો, વાહનવ્યવહાર ખોરવાયો
મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારે વરસાદને લીધે સ્થાનિક તળાવો ઓવરફ્લો થઈ ગયા છે અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
તામિલનાડુમાં વીજળીના કડાકા સાથે વરસાદથી ગરમીમાં રાહત
તામિલનાડુના સાલેમ જિલ્લાના ગંગાવલ્લી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે 1 કલાકથી વધુ સમય સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય ધર્માપુરી જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી એકઠા થયા હતા, પરંતુ અસહ્ય ગરમી અને બફારાથી ખેડૂતો અને સ્થાનિક રહીશોને મોટી રાહત મળી છે.









