India

VIDEO : 3 રાજ્યોમાં મેઘતાંડવ, બંગાળમાં રેડ એલર્ટ... નદીઓ ગાંડીતૂર બનતાં પૂરનું મોટું સંકટ!

By GS Team
18 Aug 20263 mins read
TukuTouch Logo
ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં ઉત્તરાખંડ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ચંડીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઉત્તરાખંડમાં ગંગા, અલકનંદા, ભાગીરથી જેવી નદીઓ ભયજનક સપાટી વટાવી રહી છે. ઝારખંડના જમશેદપુરમાં સ્વર્ણરેખા અને ખરકઈ નદીઓ ઉફાન પર છે. યુપીના વારાણસી-પ્રયાગરાજમાં ઘરોમાં પાણી ભરાયા છે, જ્યારે પશ્ચિમ બંગાળના પુરુલિયા-બાંકુરામાં રેડ એલર્ટ છે. ચંડીગઢમાં પણ પાણી ભરાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : 3 રાજ્યોમાં મેઘતાંડવ, બંગાળમાં રેડ એલર્ટ... નદીઓ ગાંડીતૂર બનતાં પૂરનું મોટું સંકટ!

Uttarakhand-Jharkhand Flood Alert : દેશભરમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર અને પૂર્વ ભારતના રાજ્યોમાં મેઘમહેર આફતમાં ફેરવાઈ છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ચંડીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પહાડી વિસ્તારોમાં નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે અને ભેખડો ધસી પડવાનો ખતરો વધ્યો છે, જ્યારે મેદાની રાજ્યોના શહેરોમાં પાણી ભરાઈ જવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉત્તરાખંડ: ગંગા, અલકનંદા અને ભાગીરથી નદીઓ ઉફાન પર

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે તમામ મુખ્ય નદીઓના જળસ્તરમાં જોખમી વધારો થયો છે. દેવપ્રયાગમાં ભાગીરથી અને અલકનંદા નદીઓ ગાંડીતૂર બનતાં સંગમ સ્થળ સુધી જવા પર તંત્રએ રોક લગાવી છે અને શ્રદ્ધાળુઓને માત્ર ઉપરથી જ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઋષિકેશમાં ગંગા નદી ભયજનક સપાટી તરફ આગળ વધી રહી છે, જ્યારે દહેરાદૂનમાં ટપકેશ્વર મંદિર નજીક ટોન્સ નદી બે કાંઠે વહી રહી છે. વહીવટીતંત્રે લોકોને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા તાકીદ કરી છે.

ઝારખંડ: જમશેદપુરમાં પૂરનું જોખમ, નદીઓ ભયજનક સપાટી વટાવી

ઝારખંડના જમશેદપુરમાં સતત વરસાદ અને ડેમના દરવાજા ખોલવાને કારણે પૂરની સ્થિતિ ગંભીર બની છે. અહીં સ્વર્ણરેખા અને ખરકઈ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારોમાં રહેણાંક મકાનો સુધી પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ઉત્તર પ્રદેશ: વારાણસી અને પ્રયાગરાજમાં ઘરોમાં ભરાયાં પાણી

ઉત્તર પ્રદેશના વારાણસીમાં માત્ર 1 કલાકના ધોધમાર વરસાદથી ગોદોલિયા સહિતના મુખ્ય વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા, જેનાથી વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ પ્રયાગરાજના કારેલી સ્થિત જેકે આશિયાના વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર જેવો માહોલ સર્જાયો છે અને નીચાણવાળા વિસ્તારોના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

પશ્ચિમ બંગાળ: પુરુલિયા અને બાંકુરામાં ભારે વરસાદનું રેડ એલર્ટ

પશ્ચિમ બંગાળમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં પુરુલિયા જિલ્લામાં સતત વરસાદથી દૈનિક જનજીવન ઠપ થઈ ગયું છે. હવામાન વિભાગે પુરુલિયા અને બાંકુરા જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદી માહોલ વચ્ચે પણ સ્થાનિક સ્તરે મનસા પૂજાની તૈયારીઓ અને પરંપરાગત ખરીદી ચાલુ રહી હતી.

ચંડીગઢ: 2 કલાકના વરસાદમાં મંત્રીઓના બંગલા બહાર પાણી ભરાયાં

ચંડીગઢમાં 2 કલાક સુધી પડેલા ભારે વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. શહેરના સેક્ટર 7 માં મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાન બહાર મોટા પાયે પાણી ભરાઈ જતાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ભારે પાણી ભરાવાના અહેવાલો સામે આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર: નૌશેરામાં વરસાદથી ગરમીમાં રાહત, પાક માટે અમૃત સમાન

જમ્મુ-કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં બપોર પછી પડેલા ભારે વરસાદના ઝાપટાંથી લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સામાન્ય સમસ્યા સર્જાઈ હતી, જોકે આ વરસાદ ખેતી અને બગીચાઓ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.