India

VIDEO: NEET બાદ હવે ઈથેનોલ મુદ્દે મોદી સરકારને ઘેરવાની તૈયારી! રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ E20 પેટ્રોલ પોલિસી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનોને નુકસાન થાય છે, માઇલેજ ઘટે છે, અને આ સામાન્ય જનતા પર બોજ છે. જોકે, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ દાવાઓને નકારી કાઢ્યા. તેમણે જણાવ્યું કે, દેશમાં 1,07,000 પેટ્રોલ પંપમાંથી માત્ર 4 જગ્યાએ ક્ષતિ મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: NEET બાદ હવે ઈથેનોલ મુદ્દે મોદી સરકારને ઘેરવાની તૈયારી! રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત

Rahul Gandhi Slams Govt Over E20 Petrol: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકારની E20 પેટ્રોલ પોલિસી (ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ) ને લઈને તીખા પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા તેમણે નિશાન સાધ્યું કે, આ મામલે 'દાળમાં કંઈ કાળું નથી, પરંતુ આખી દાળ જ કાળી છે.' આ વીડિયોમાં રાહુલ ગાંધી એક કારની ફ્યુઅલ ટેન્ક ખોલીને સામાન્ય જનતાને તેના દુષ્પ્રભાવો વિશે સમજાવતા નજરે પડે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, E20 પેટ્રોલનો આ મુદ્દો કોઈ સામાન્ય નીતિગત ચર્ચા નથી, પરંતુ દેશના કરોડો વાહનચાલકો સાથે જોડાયેલી ગંભીર સમસ્યા છે.

રાહુલ ગાંધીના આરોપો:

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે લોકોની કાર અને સ્કૂટર ઝડપથી બગડી રહ્યા છે.

એન્જિનની કાર્યક્ષમતા ઘટી રહી છે, અને વાહનોનું માઇલેજ પણ ઓછું થઈ રહ્યું છે.

આ બાબત સામાન્ય માણસની મહેનતની કમાણી પર સીધો ડાકો મારવા સમાન છે.

વિપક્ષ આ મુદ્દાને મોટા પાયે ઉઠાવશે અને સરકારને ઘેરશે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનો પલટવાર

બીજી તરફ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાહુલ ગાંધી અને વિપક્ષના હુમલાનો જવાબ આપતા કહ્યું કે, ભારતનો બાયોફ્યુઅલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અત્યંત સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે, અને કેટલાક લોકો કારણ વિના વિવાદ ઊભો કરી રહ્યા છે.

આંકડાકીય દલીલ: દેશમાં દરરોજ લગભગ 6 થી 7 કરોડ ગ્રાહકો પેટ્રોલ પંપ પર બળતણ ભરાવવા આવે છે.

તપાસનો સંદર્ભ: સરકારે દરરોજ આશરે 2,000 પેટ્રોલ પંપ પરથી સેમ્પલ લીધા હતા. દેશભરના 1,07,000 થી વધુ પેટ્રોલ પંપમાંથી તપાસ દરમિયાન માત્ર 4 જગ્યાએ જ ક્ષતિ જોવા મળી હતી.

મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, રાજકીય ફાયદા માટે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. સરકાર પર્યાવરણ રક્ષા અને ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે પૂરી પારદર્શિતા સાથે કામ કરી રહી છે.

શું છે E20 પેટ્રોલ વિવાદ?

સરકાર પ્રદૂષણ ઘટાડવા અને કાચા તેલની આયાત ઘટાડવા પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ કરી રહી છે, જેને E20 પેટ્રોલ કહેવાય છે. જોકે, વિપક્ષ અને ઘણા વાહનચાલકોનો આરોપ છે કે, આનાથી જૂના વાહનોના એન્જિન ઝડપથી ખરાબ થાય છે, અને માઇલેજ પણ ઘટે છે.