તિરંગા માર્ચ મુદ્દે ભારે બબાલ : દીપકેનો ફોન બંધ હોવાનો CJPનો દાવો, કનોટ પ્લેસ પર વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, કેજરીવાલ કેન્દ્ર સરકાર પર ભડક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Police Detains Abhijeet Dipke : દિલ્હીના કનોટ પ્લેસમાં CJP દ્વારા આયોજિત 'તિરંગા માર્ચ' પૂર્વે મોટો ડ્રામા સર્જાયો છે, જ્યાં વિસ્તારમાં કલમ 163 લાગુ હોવાનું જણાવી દિલ્હી પોલીસે પાર્ટી પ્રમુખ અભિજિત દીપકેની સાવચેતીના ભાગરૂપે અટકાયત કરી લીધી છે. બીજી તરફ પોલીસે પરવાનગી વગર પ્રદર્શન ન કરવા અને ફ્લેગ કોડનું ચુસ્ત પાલન કરવાની સ્પષ્ટ ચેતવણી આપવા છતાં પક્ષે માર્ચ ચાલુ રાખવાની જાહેરાત કરતાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
LIVE Update…
વિરોધ કરવા કોની પરવાનગી જોઈએ, શું તેઓ આતંકવાદી છે?: અભિનેતા પ્રકાશ રાજ
CJPના વિરોધ પ્રદર્શન અંગે તિરુવનંતપુરમ (કેરળ)થી અભિનેતા પ્રકાશ રાજે નિવેદન આપતાં જણાવ્યું કે, "આ દેશમાં વિરોધ પ્રદર્શન કરવા માટે કોની પરવાનગીની જરૂર પડે છે? સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપેલો છે કે દરેક રસ્તા પર જેમ વાહનવ્યવહારનો અધિકાર છે, તેમ જ પ્રદર્શનકારીઓનો પણ અધિકાર છે. શું આપણે કેરળમાં દરેક રસ્તે પ્રદર્શન થતાં નથી જોયા? વિરોધ પ્રદર્શનનો અર્થ શું છે, શું તેઓ આ દેશમાં આતંકવાદી છે? આ દેશના યુવાનો અને સામાન્ય નાગરિકો પોતાના હક માટે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે; શું આ દેશમાં તે ગુનો છે? તમારા માટે આ ગુનો એટલા માટે છે કારણ કે તેઓ અઘરા સવાલો પૂછી રહ્યા છે, જેના તમારી પાસે કોઈ જવાબો નથી…"
અમે હંમેશા પ્રદર્શનકારીઓ સાથે ઉભા છીએ: CJP માર્ચ અંગે સંજય સિંહનું નિવેદન
CJPના ‘લહેરા દો તિરંગા’ વિરોધ માર્ચ અંગે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જણાવ્યું કે, "CJP દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંગે, જેમ અમે તેમના અગાઉના વિરોધ પ્રદર્શનોને સમર્થન આપ્યું હતું, તેમ અમે આ પ્રદર્શનને પણ અમારું સમર્થન આપ્યું છે. આમ આદમી પાર્ટી હંમેશા પ્રદર્શનકારીઓ સાથે ઊભી રહેનારી પાર્ટી છે—પછી તે ખેડૂત આંદોલન હોય, વિદ્યાર્થીઓ અને યુવાનોનું આંદોલન હોય કે પેપર લીક સામેનો વિરોધ હોય. જેમ અમે છેલ્લી વખતે તેમની સાથે ઊભા રહ્યા અને મદદ કરી હતી, તેવી જ રીતે અમે આ વખતે પણ તેમની સાથે છીએ અને ભવિષ્યમાં પણ તેમને ટેકો આપતા રહીશું."
કનોટ પ્લેસમાં ભારે તણાવ: પોલીસે સીટીઓ વગાડી ભીડને વિખેરવાનું શરૂ કર્યું
દિલ્હીનું હૃદય ગણાતું કનોટ પ્લેસ (CP) રણમેદાન બની ગયું છે. CJPના સમર્થકો અને તેમના વિરોધમાં ઉતરેલા લોકો આમને-સામને આવી ગયા છે અને સામસામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પરિસ્થિતિ વણસતી જોઈ દિલ્હી પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સના જવાનોએ મોરચો સંભાળી લીધો છે. સુરક્ષા દળો સતત સીટીઓ વગાડીને પ્રદર્શનકારીઓને વિખેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, ભારે પોલીસ બંદોબસ્ત છતાં CPમાં હજુ પણ અનેક વિરોધ પ્રદર્શનકારીઓ અડીંગો જમાવીને બેઠા છે અને નારેબાજી ચાલુ છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો છે.
તિરંગા યાત્રા દરમિયાન વેપારીઓ દ્વારા વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર
દિલ્હીના કનોટ પ્લેસમાં સ્થિતિ ત્યારે વધુ તણાવપૂર્ણ બની જ્યારે પ્લાઝાના ડાબેરી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓ અને પાલિકા બજારની સરહદ પર વેપારીઓ સામસામે આવી ગયા. પ્રદર્શન દરમિયાન પાલિકા બજારના વેપારીઓએ જોરદાર નારેબાજી કરી હતી. આ દરમિયાન 'મોદી-મોદી' અને 'ગોલી મારો…' જેવા વિવાદાસ્પદ સૂત્રો પણ પોકારવામાં આવ્યા હતા. જ્યારે મીડિયા ટીમે આ નારા અંગે પૂછ્યું ત્યારે વેપારીઓએ બચાવ કરતાં કહ્યું કે, "અમે વેપારી છીએ અને અમારા બાળકો ઘરે અમારી રાહ જોઈ રહ્યા છે." સાથે જ પોતાની નારેબાજીને યોગ્ય ઠેરવતા કહ્યું કે અમે કશું ખોટું નથી કહ્યું, તેઓ દેશના ગદ્દાર છે. વધતા તણાવને ધ્યાને રાખીને પેરા ફોર્સે તાત્કાલિક કાર્યવાહી કરીને ભીડને વિખેરી નાખી હતી.
CJPનો મોટો દાવો: અભિજીત દીપકે ક્યાં છે કોઈ માહિતી નથી, ફોન પણ અનરીચેબલ
CJP મીડિયા ટીમ તરફથી વિજય રેડ્ડીએ મોટું નિવેદન આપતાં કહ્યું કે અભિજીત દીપકે ક્યાં છે તેની કોઈ માહિતી તેમની પાસે નથી અને તેમનો ફોન અનરીચેબલ આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે સંગઠને 5થી ઓછા લોકોના જૂથમાં પહોંચીને તિરંગો ફરકાવવા અને પછી ત્યાંથી શાંતિપૂર્ણ રીતે હટી જવાનું આહવાન કર્યું હતું. વિજય રેડ્ડીએ જણાવ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ એ બતાવવાનો હતો કે કેવી રીતે સૌરભ દાસ અને આશુતોષને સરમુખત્યારશાહી વલણ દાખવીને જેલમાં ધકેલી દેવાયા છે. તેમણે કહ્યું કે અભિજીતની ગેરહાજરીમાં હવે નેશનલ ઓર્ગેનાઈઝેશન ઈન્ચાર્જ અજિંક્ય શિંદે આ સમગ્ર પ્રદર્શનની કમાન સંભાળશે અને આગળનું પગલું નક્કી કરશે. તેમણે ઉમેર્યું કે અમે દેશની આઝાદીની લડાઈમાંથી પ્રેરણા લઈએ છીએ અને સરકાર બદલવાનો નિર્ણય લોકતાંત્રિક વોટિંગ સિસ્ટમ દ્વારા જ થવો જોઈએ. આ વોટિંગ સિસ્ટમ અને ચૂંટણી પંચની કામગીરીને યોગ્ય કરવા માટે અમે મેદાનમાં ઉતર્યા છીએ. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે નેહા બોરાનું નિવેદન સંપૂર્ણપણે વ્યક્તિગત છે અને CJPને તેની સાથે કોઈ સંબંધ નથી.
જેમને તિરંગો ફરકાવવો ગુનો લાગે છે તેઓ પાકિસ્તાન જાય: કેજરીવાલનો કટાક્ષ
CJPના ‘લહેરા દો તિરંગા’ માર્ચ દરમિયાન સંસ્થાપક અભિજીત દીપકેની અટકાયત કરવામાં આવતાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેજરીવાલે આને "ખુલ્લેઆમ સરમુખત્યારશાહી" ગણાવી છે. તેમણે આકરા શબ્દોમાં સવાલ કર્યો કે, "આપણે આપણા દેશમાં તિરંગો નહીં લહેરાવીએ તો શું પાકિસ્તાનમાં લહેરાવીશું? જેમને ભારતીય તિરંગાથી તકલીફ છે, તેઓ પાકિસ્તાન જતા રહે." કેજરીવાલે ઉમેર્યું કે આ અટકાયત દર્શાવે છે કે સરકાર સામાન્ય જનતાના અવાજ અને તિરંગાથી કેટલી ડરેલી છે.
હાથમાં તિરંગો અને રસ્તા પર ભીડ: ચેતવણી છતાં મોટી સંખ્યામાં ઉતર્યા પ્રદર્શનકારીઓ
રાજધાની દિલ્હીમાં CJP દ્વારા બોલાવવામાં આવેલા ‘લહેરા દો તિરંગા’ વિરોધ માર્ચ દરમિયાન રાજકીય ગરમાવો વધી ગયો છે. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ભારે નારેબાજી શરૂ કરી હતી. દિલ્હી પોલીસની કડકાઈ અને કલમ 163ના નિયંત્રણો હોવા છતાં સ્થિતિ તંગ બની રહી હતી. આ વિરોધ પ્રદર્શન શરૂ થતાંની સાથે જ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરીને CJPના સ્થાપક અભિજીત દીપકેની અટકાયત કરી લીધી હતી. પોલીસનું કહેવું છે કે કનોટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
નેહા બોરાની પણ અટકાયત
દિલ્હીમાં તિરંગા માર્ચને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં સીજેપી પ્રમુખ અભિજિત દીપકેની અટકાયત બાદ હવે પોલીસે મંડી હાઉસ ખાતેથી AISA નેતા નેહા બોરાની પણ અટકાયત (ડિટેન) કરી લીધી છે.
અટકાયત છતાં સીજેપી દ્વારા તિરંગા માર્ચ ચાલુ રાખવાની જાહેરાત
અભિજિતની અટકાયત અને પોલીસ નોટિસ છતાં તેમની પાર્ટી સીજેપીએ તિરંગા માર્ચ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. પક્ષે સમર્થકોને અપીલ કરી છે કે તેઓ 5 કરતાં ઓછા લોકોના જૂથમાં કનોટ પ્લેસ પહોંચે, રાષ્ટ્રધ્વજ સાથે તસવીર ખેંચાવે અને ત્યાંથી શાંતિપૂર્ણ રીતે રવાના થઈ જાય. પક્ષે સોશિયલ મીડિયા પર #LeharaDoTiranga હેશટેગ સાથે સંદેશ આપ્યો હતો કે દેશનો તિરંગો લહેરાવવો એ કોઈ ગુનો નથી.
પોલીસકર્મીઓની અંગત વિગતો શેર કરનારા યુઝર્સોને કાનૂની ચેતવણી
દિલ્હી પોલીસના એડિશનલ કમિશનર અને PRO રાજીવ રંજને એમ પણ કહ્યું કે, કોઈ પોલીસ અધિકારી કે અન્ય કોઈપણ વ્યક્તિની ખાનગી વિગતો સોશિયલ મીડિયા પર જાહેર કરવી એ ગોપનીયતાનો સીધો ભંગ છે. તેમણે નોંધ્યું કે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફરજ પર તૈનાત પોલીસકર્મીઓના ફોટો કે વીડિયો તેમની અંગત માહિતી સાથે વાયરલ કરી રહ્યા છે, જે સંપૂર્ણપણે અયોગ્ય અને ગેરકાનૂની છે.
દિલ્હી પોલીસ દ્વારા કાયદો-વ્યવસ્થા અને ફ્લેગ કોડ અંગે સ્પષ્ટતા
દિલ્હી પોલીસના એડિશનલ કમિશનર અને PRO રાજીવ રંજને જણાવ્યું હતું કે, આ મામલે કોઈ પણ વ્યક્તિ તેમને મળવા આવ્યું નથી કે ન તો કોઈ ચોક્કસ યાદી બાબતે કોઈ માહિતી અથવા વિનંતી મળી છે. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રધ્વજ લહેરાવવાના નિયમો 'ફ્લેગ કોડ'માં સ્પષ્ટ આપવામાં આવ્યા છે અને દરેક નાગરિકે તેનું ચુસ્ત પાલન કરવું જોઈએ. પોલીસે આ અંગે સોશિયલ મીડિયા પર પણ જરૂરી માહિતી જાહેર કરી છે.
કનોટ પ્લેસમાં કલમ 163 લાગુ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
સીજેપી દ્વારા આજે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં ‘લહેરા દો તિરંગા’ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, કનોટ પ્લેસમાં કલમ 163 લાગુ હોવા ઉપરાંત તિરંગા યાત્રા માટે NDMC તરફથી કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી. આ પ્રદર્શનના એલાનને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સના જવાનો અને અન્ય સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી રહી છે.
અનીશ ગાવંડેના નિવાસસ્થાનેથી અભિજિત દીપકેની અટકાયત
અભિજિત દીપકે NCP-SCPના પ્રવક્તા અનીશ ગાવંડેના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, ત્યારે જ પોલીસે તેમને અટકાવ્યા હતા. એક પોલીસ અધિકારીએ તેમને જણાવ્યું કે સાવચેતીના ભાગરૂપે તેમની અટકાયત કરવામાં આવી રહી છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે કનોટ પ્લેસ વિસ્તારમાં કલમ 163 લાગુ છે અને તે અંતર્ગત જ આ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સીજેપી પ્રમુખ અભિજિત દીપકેની દિલ્હી પોલીસે કરી અટકાયત
સીજેપી પ્રમુખ અભિજિત દીપકેની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. તેઓ 'તિરંગા માર્ચ' માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા અને કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક તરફ જવાની તૈયારીમાં હતા. અટકાયત સમયે તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘હું એકલો છું અને એકલો જ જઈ રહ્યો છું. હું હજુ સેન્ટ્રલ પાર્ક પહોંચ્યો પણ નથી, તો મને કેમ રોકવામાં આવી રહ્યો છે? મેં શું કર્યું છે?’ તેઓ સતત પોલીસને એ સવાલ કરતા રહ્યા હતા કે પ્રદર્શન કરવા માટે તેમણે આખરે ક્યાં જવું જોઈએ.
દિલ્હી પોલીસ દ્વારા દીપકેને બે અલગ-અલગ નોટિસ અપાઈ હતી
દિલ્હી પોલીસે સીજેપી પ્રમુખ અભિજિત દીપકેને આજે 2 નોટિસ પાઠવી છે. દિલ્હી પોલીસ એક્ટ હેઠળ અપાયેલી એક નોટિસમાં તેમને સેન્ટ્રલ પાર્ક ન જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 163 લાગુ હોવાનો ઉલ્લેખ કરાયો છે. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી પોલીસ તરફથી બીજી નોટિસ આપવામાં આવી છે, જે એરપોર્ટ પર બનેલી એ ઘટના સાથે જોડાયેલી છે જ્યારે અભિજિત, આશુતોષ અને સૌરવની સાવચેતીના ભાગરૂપે અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
અગાઉ એરપોર્ટ પરથી અટકાયત અને 50,000 રૂપિયાનો પીસ બોન્ડ લેવાયો હતો
આ અગાઉ પણ દિલ્હી પોલીસે અભિજિત દીપકેની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરીને તેમને બોન્ડ ડાઉન કર્યા હતા. તે સમયે અદાલતે તેમને 50,000 રૂપિયાના પીસ બોન્ડ પર મુક્ત કર્યા હતા. દિલ્હી પોલીસના સૂત્રો મુજબ, તે વખતે કોર્ટે તેમને 1 વર્ષ સુધી જાહેર શાંતિ ભંગ ન કરવાની કડક તાકીદ કરીને બોન્ડ પર સહી કરાવી હતી.




