India

CJPના 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાનો હાઈકોર્ટનો ઈનકાર: દિલ્હી પોલીસે કહ્યું- ‘...તો કડક એક્શન લઈશું’

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 16 ઓક્ટોબરે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં યોજાનાર 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. દિલ્હી પોલીસે અદાલતને ખાતરી આપી હતી કે કાયદો-વ્યવસ્થા જાળવવા કડક પગલાં લેવાશે. વેપારીઓની ચિંતા છતાં, હાઈકોર્ટે પોલીસની ખાતરીને ધ્યાનમાં રાખીને આદેશ પસાર કર્યો. આ માર્ચ CJPના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડના વિરોધમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CJPના 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાનો હાઈકોર્ટનો ઈનકાર: દિલ્હી પોલીસે કહ્યું- ‘...તો કડક એક્શન લઈશું’

Delhi High Court On CJP Tiranga March : દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 16 ઓક્ટોબરના રોજ કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં યોજાનાર 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. દિલ્હી પોલીસે અદાલતને ખાતરી આપી હતી કે, વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી કડક પગલાં લેવામાં આવશે, જેને હાઈકોર્ટે પોતાના રેકોર્ડ પર લીધી છે.

'જિદ્દ ન કરો, અમે આદેશ આપી દીધો છે': હાઈકોર્ટ

કનોટ પ્લેસના એક દુકાનદાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કાર્યવાહક ચીફ જસ્ટિસ નીતિન વાસુદેવ સામ્બ્રે અને જસ્ટિસ સંજય શર્માની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે પ્રદર્શન રોકવા વારંવાર દલીલો કરી હતી, જેના પર બેન્ચે ટકોર કરી હતી કે જિદ્દ ન કરો, અમે અમારો આદેશ પસાર કરી દીધો છે.

…તો વેપારીઓ રસ્તા પર ઉતરશે: અરજદારની દલીલ

અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ દશેરાવાળો વિકેન્ડ છે અને તહેવારોની મોસમ ચાલી રહી છે. પ્રદર્શનના કારણે જો કનોટ પ્લેસની દુકાનો બંધ રાખવી પડશે અને વેપારીઓને વધુ એક વિકેન્ડનું નુકસાન સહન કરવું પડશે, તો તમામ વેપારીઓ અને દુકાનદારો રસ્તા પર ઉતરી આવશે. તેમણે દલીલ કરી હતી કે, આ પ્રદર્શન સેન્ટ્રલ પાર્કની બરાબર વચ્ચે બોલાવવામાં આવ્યું છે, જેનાથી વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગે છે અને આ જગ્યા વિરોધ પ્રદર્શન માટે યોગ્ય નથી.

પોલીસે સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપી: એડિશનલ સોલિસિટર જનરલ

સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ અદાલતને સ્પષ્ટતા કરી હતી કે, CJPના આ પ્રદર્શનને નિયંત્રિત કરવા માટે દિલ્હી પોલીસ દ્વારા જરૂરી તમામ પગલાં લઈ લેવામાં આવ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે વહીવટીતંત્ર દ્વારા અરજદાર વેપારીઓની ચિંતાઓ અને મુદ્દાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડના વિરોધમાં આંદોલન

CJP સંયોજક અભિજીત દીપકે દ્વારા આ તિરંગા માર્ચ 16 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યે કનોટ પ્લેસ ખાતે કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. આ માર્ચ પક્ષના બે નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડના વિરોધમાં યોજાઈ રહી છે. આ બંને નેતાઓને દિલ્હી પોલીસે 13 ઓક્ટોબરના રોજ કસ્ટડીમાં લીધા હતા, જ્યારે તેઓ કથિત રીતે જંતર-મંતર પર તિરંગો લઈને પહોંચ્યા હતા.

વિપક્ષી નેતાઓ અને વિદ્યાર્થી સંગઠનોનું સમર્થન

દરમિયાન આમ આદમી પાર્ટીએ આ તિરંગા માર્ચને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ માર્ચમાં વિપક્ષના અન્ય નેતાઓ તેમજ વિવિધ વિદ્યાર્થી સંગઠનો પણ મોટી સંખ્યામાં જોડાઈ શકે છે.