Get The App

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન 1 - image


Vice Presidential Election : આંધ્રપ્રદેશની જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ પાર્ટીએ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી શાસક ગઠબંધનને મોટું બળ મળ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, YSR કોંગ્રેસના કુલ 11 સાંસદો છે, જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.

રાજનાથ સિંહે જગન મોહન રેડ્ડીને ફોન કર્યો

પાર્ટીનું રાધાકૃષ્ણને સમર્થન અંગે વાયએસઆર કોંગ્રેસના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીએ NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. પીટીઆઈના એક અહેવાલ મુજબ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી (Jagan Mohan Reddy) સાથે વાત કરી હતી અને શાસક ગઠબંધનના ઉમેદવાર માટે પ્રાદેશિક પક્ષનું સમર્થન માંગ્યું હતું.

YSR કોંગ્રેસના કુલ 11 સાંસદ

વાયએસઆર કોંગ્રેસના લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)નો પણ ભાગ નથી અને વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની સાથે પણ નથી. તેમ છતાં NDAના ઉમેદવારને સમર્થન આપવાનો તેમનો નિર્ણય રાજકીય રીતે ખૂબ મહત્વનો માનવામાં આવે છે. વાયએસઆર કોંગ્રેસની મુખ્ય પ્રતિસ્પર્ધી અને આંધ્ર પ્રદેશની સત્તાધારી પાર્ટી TDP ભાજપની એક મુખ્ય સાથી પક્ષ છે. આ સમર્થન બાદ હવે રાધાકૃષ્ણનનું જીતવું લગભગ નિશ્ચિત થઈ ગયું છે.

આ પણ વાંચો : કોણ છે તિરુચિ શિવા? જેમને NDAના રાધાકૃષ્ણન વિરુદ્ધ ઉમેદવાર બનાવી શકે છે I.N.D.I.A. ગઠબંધન

જગન મોહન રેડ્ડીની પાર્ટી હંમેશા NDAના સમર્થનમાં

જગન મોહન રેડ્ડીની પાર્ટીએ એનડીએને સમર્થન આપ્યું હોય તેવું પહેલીવાર બન્યું નથી. આ પહેલાં પણ પાર્ટીએ રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન રામનાથ કોવિંદ અને દ્રૌપદી મુર્મુ માટે પણ NDAને સમર્થન આપ્યું હતું. તેવી જ રીતે, અગાઉ વેંકૈયા નાયડુ અને જગદીપ ધનખડ માટે પણ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAને સમર્થન આપ્યું હતું. આ સમર્થન વગર પણ ભાજપના નેતૃત્વવાળા NDAને લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132 સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે, જેના કારણે NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર રાધાકૃષ્ણનને ઓછામાં ઓછા 425 વોટ મળવાની અપેક્ષા છે.

NDAના ઉમેદવારની જીત નિશ્ચિત?

વાયએસઆરસીપીના 11 સાંસદોના સમર્થનથી આ આંકડો 435થી વધુ થવાની સંભાવના છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે NDAનું કદ રાષ્ટ્રીય સ્તરે મજબૂત થઈ રહ્યું છે અને પ્રાદેશિક પક્ષો સાથેના તેના સંબંધો ગાઢ બની રહ્યા છે. ભલે વાયએસઆરસીપી સત્તાવાર રીતે NDAનો ભાગ ન હોય, પરંતુ રાષ્ટ્રીય ચૂંટણીઓમાં તેના સમર્થને ગઠબંધનની રાજકીય તાકાતને વધુ મજબૂત બનાવી છે. આ સમર્થનથી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત બની છે અને આંધ્ર પ્રદેશમાં ટીડીપી સાથે ગઠબંધન હોવા છતાં, ભાજપ અન્ય પ્રાદેશિક પક્ષો સાથે પણ સંતુલન જાળવી રહ્યું છે.

આ પણ વાંચો : VIDEO : શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે કરી મુલાકાત, અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ

Tags :