VIDEO : શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે કરી મુલાકાત, અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ
Shubhanshu Shukla Meets PM Modi : અંતરિક્ષમાં ભારતનો ત્રિરંગો લહેરાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આજે (18 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન શુભાંશુએ પીએમ મોદીને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી ખેંચેલી ધરતીની તસવીરો ભેટ આપી છે.
શુભાંશુ શુક્લા પાછા ફરતા જ ભવ્ય સ્વાગત કરાયું
અવકાશમાં જનારા બીજા ભારતીય અને એરફોર્સના ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા નાસાના એક્સિઓમ-4 મિશનના ભાગરૂપે ISS મિશન પછી શનિારે (16 ઓગસ્ટે) ભારત પાછા ફર્યા હતા. શનિવારે મોડી રાત્રે તેમનું વિમાન દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતર્યું હતું. દિલ્હીમાં કેન્દ્રીય સાયન્સ અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ અને દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શુભાંશુ શુક્લાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ સમયે તેમના પત્ની કામના શુક્લા અને પુત્ર એરપોર્ટ પર હાજર હતા.
‘આ જ જીવન છે...’ શુભાંશુની પોસ્ટ
શુભાંશુ શુક્લાએ ભારત આવતા પહેલાં સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ભારત પાછા આવવા માટે વિમાનમાં બેસતા જ મારા હૃદયમાં અનેક પ્રકારની ભાવનાઓ ઉભરી આવી. મને છેલ્લા એક વર્ષથી આ મિશનમાં મારા મિત્ર અને પરિવાર બની ગયેલા આ શાનદાર લોકોને પાછળ છોડીને આવવાનું દુઃખ છે. બીજીબાજુ મને આ મિશન પછી પહેલી વખત મારા પરિવાર, મિત્રો અને દેશના બધા લોકોને મળવાનો ઉત્સાહ પણ છે. મને લાગે છે કે આ જ જીવન છે... બધું એક સાથે. અવકાશ ઉડ્ડયનમાં એકમાત્ર સ્થિર બાબત પરિવર્તન છે. જીવનમાં પણ આ બાબત લાગુ પડે છે. મને લાગે છે 'યું હી ચલા ચલ રાહી... જીવન ગાડી હૈ ઔર સમય પહિયા હૈ.'
શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જનારા ભારતના બીજા નાગરિક
શુભાંશુ શુક્લા નાસાના Axiom-4 મિશનના પાઇલટ હતા, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યું હતું. શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જનારા ભારતના બીજા નાગરિક છે. તેમના પહેલાં, 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા હતા. આ રીતે, 41 વર્ષ પછી કોઈ ભારતીયએ અંતરિક્ષની ઉડાન ભરી છે. આ મિશન 25 જૂને અમેરિકાના ફ્લોરિડામાં આવેલા નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ થયું હતું. શુભાંશુ શુક્લા 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા હતા અને હવે તેમની વતન વાપસી પર તેમનું સ્વાગત થઈ રહ્યું છે.
મિશન માટે શુભાંશુએ અમેરિકામાં એક વર્ષની સખત ટ્રેનિંગ લીધી હતી
Axiom-4 મિશન માટે શુભાંશુએ અમેરિકામાં એક વર્ષની સખત ટ્રેનિંગ લીધી હતી. 25 જૂન, 2025ના રોજ તેઓ ફ્લોરિડાના કેપ કેનાવરલથી સ્પેસએક્સના ડ્રેગન કૅપ્સ્યુલ દ્વારા અંતરિક્ષયાત્રા માટે રવાના થયા હતા. બીજા દિવસે, એટલે કે 26 જૂને, તેઓ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પહોંચ્યા, જ્યાં તેમની સાથે અમેરિકન અંતરિક્ષયાત્રી પેગી વ્હિટસન, પોલેન્ડના સ્લાવોસ ઉઝનાંસ્કી-વિસ્નીવ્સ્કી અને હંગેરીના ટિબોર કાપુ પણ હતા.
શુભાંશુએ અંતરિક્ષમાં શું પ્રયોગો કર્યા?
શુભાંશુએ ખાસ કરીને ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સાત મહત્ત્વના પ્રયોગો પર કામ કર્યું. આ પ્રયોગોમાં અંતરિક્ષમાં ચણા અને મેથીના બીજ ઉગાડવા, અંતરિક્ષની શરીર પર થતી અસરનો અભ્યાસ, માંસપેશીઓની નબળાઈ અને બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ જેવા ખૂબ જ મહત્ત્વના વિષયોનો સમાવેશ થાય છે. આ પ્રયોગો માત્ર ભારતના વૈજ્ઞાનિક સંશોધનને નવી દિશા આપશે એટલું જ નહીં, પણ ભવિષ્યમાં અંતરિક્ષમાં ખેતી, મનુષ્યના સ્વાસ્થ્ય અને ટેકનોલોજીના વિકાસના ક્ષેત્રમાં પણ મહત્ત્વનું યોગદાન આપશે.