ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ, PM મોદી 'એક્ટિવ'
Image: X @AIRNewsHindi |
Uttarkashi Cloudburst: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે (5 ઓગસ્ટ) ભારે વરસાદ બાદ વાદળ ફાટવાથી ભયંકર આફત સર્જાઈ હતી. આ વિનાશમાં ધારાલી ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આખેઆખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. પાણીના પૂર વચ્ચે લોકોના બૂમોથી હૃદય હચમચી ગયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે પચાસથી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. આ દરમિયાન, સેનાનું બચાવ કાર્ય ચાલુ છે.
આ વિનાશની ઝપેટમાં એક આર્મી કેમ્પ પણ આવી ગયો છે. અહીં એક આર્મી મેસ અને એક કાફે છે. આ અકસ્માતમાં ઘણા સૈનિકો ગુમ થવાની આશંકા છે. હર્ષિલમાં સેનાનું 14 રાજપૂતાના રાઇફલ્સનું યુનિટ તૈનાત છે. હર્ષિલમાં નદી કિનારે બનેલું હેલિપેડ પણ તબાહ થઈ ગયું છે. ભારે વરસાદના કારણથે હેલિકોપ્ટરથી રહાત અને બચાવ કામગીરી પણ નથી થઈ શકતી.
આ પણ વાંચોઃ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા, અમેરિકા ટેન્શનમાં!
નરેન્દ્ર મોદીએ કરી પુષ્કર ધામી સાથે વાતચીત
ધરાલીમાં મંગળવારે થયેલી આપત્તિ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને વર્તમાન પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય વિશે માહિતી લેવામાં આવી. ધામીએ વડાપ્રધાનને જણાવ્યું કે, રાજ્ય સરકાર સંપૂર્ણ તૈયારી સાથે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. સતત ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તમામ સંબંધિત એજન્સીઓ સંકલનમાં કામ કરી રહી છે જેથી અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે મદદ મળી શકે. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.
ધરાલી આફતને લઈને શું અપડેટ?
NDRFની ચાર ટીમ ઘટનાસ્થળે રેસ્ક્યુ માટે પહોંચી ગઈ છે. આ સિવાય ITBPની ત્રણ ટીમ પણ રાહત કાર્યોમાં લગાવવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને જોતા તંત્રએ લોકોને નદીથી દૂર રહેવાની અપીલ કરી છે. રાજ્ય સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે.
નેશનલ હાઇવે કાટમાળના કારણે થયો બંધ
સતત વરસી રહેલા વરસાદના કારણે ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર અનેક સ્થળો પર કાટમાળ અને બોલ્ડર પડ્યા હતા. તેનાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. BRO યુદ્ધસ્તર પર નેશનલ હાઇવે ખોલવામાં લાગ્યું છે. અકસ્માતમાં આર્મી કેમ્પ પણ લપેટમાં આવ્યું છે અને અનેક જવાન ગુમ હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે હેલિકોપ્ટરથી રાહત અને બચાવ કામગીરી શક્ય નથી થઈ રહી. ધરાલીના ખીર ગંગામાં આવેલા પૂરથી હર્ષિલ હેલિપેડમાં પણ પાણી ભરાઇ ગયું છે. ઉત્તરાકશીના નીચાણવાળા વિસ્તારોમાં જોખમ વધ્યું છે. કુદરતે સર્જેલી તારાજીના ડરથી લોકો પોતાનો વિસ્તાર છોડીને ભાગી રહ્યા છે.
હાલ હવામાન ખરાબ છે, પરંતુ તેમાં સુધારો આવતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન ફરી તેજ કરવામાં આવશે. ઉત્તરાખંડના અનેક જિલ્લામાં આજે શાળા-કોલેજ બંધ રહેશે. વાદળ ફાટ્યા બાદ સતત કાટમાળ પહાડોની નીચે ધસી રહ્યો છે.
બચાવકર્મીઓને પડી મુશ્કેલી
ઉત્તરકાશીમાં ગંગોત્રી-હર્ષિલથી જોડનારા 150 મીટરના સ્ટ્રેચમાં બનેલો માર્ગ સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયો છે. આ જ કારણે એનડીઆરએફ અને આઈટીબીપીની ટીમને પણ આગળ વધવામાં મુશ્કેલી થઈ રહી છે. તેની આગળની સ્થિતિ પણ આવી જ છે. દરેક જગ્યાએ રસ્તા ધરાશાયી થઈ ગયા છે અને રસ્તા પર મોટી-મોટી તિરાડો પડી ગઈ છે. જેના કારણે બચાવ કામગીરી માટે સામાન પહોંચાડવામાં પણ તકલીફ પડી રહી છે. રેસ્ક્યુ ટીમ માટે બોલાવવામાં આવેલી વધારાની ટીમ માટે સૌથી પહેલાં પહાડ તોડીને રસ્તો બનાવવામાં આવશે. જોકે, આ કામગીરીમાં વરસાદ સૌથી મોટો અવરોધ બની રહ્યો છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર પણ લેન્ડ નથી થઈ શકતા, પરંતુ તેમ છતા તેમને સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવ્યા છે. ભાગરથી નદીનો તેજ પ્રવાહને જોતા આખું ગામ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે.
બચાવકર્મી માટે હજુ પણ સૌથી મોટી તકલીફ ઘટનાસ્થળે પહોંચવાની છે. કારણ કે, હજુ સુધી કોઈ મશીનરી નથી. કોઈ ડિટેક્શન સિસ્ટમ નથી. એવામાં કાટમાળમાં દબાયેલા લોકોને ડિટેક્ટ કરવું મુશ્કેલ બની રહ્યું છે.
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના જબલપુરમાં 100 હેક્ટર વિસ્તારમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો ઘટસ્ફોટ
હવામાનની આગાહી
ઉત્તરાખંડમાં આજે પણ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ છે. હરિદ્વાર, નૈનિતાલ, ઉધમ સિંહ નગરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જારી કર્યું છે. બાકીના વિસ્તારોને ઓરેન્જ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને, રાજ્યના 9 જિલ્લાઓમાં રજાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. દેહરાદૂન, નૈનિતાલ, ટિહરી, ચમોલી, રુદ્રપ્રયાગ, ચંપાવત, પૌરી, અલ્મોરા, બાગેશ્વર જિલ્લામાં આજે શાળાઓ બંધ રહેશે. ધોરણ 1 થી 12 સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા રહેશે.
વળી, રૂદ્રપ્રયાગમાં મોડી રાતથી સતત વરસાદ ચાલુ છે. અલકનંદા નદી ભયના નિશાનની નજીક વહી રહી છે. કેદારનાથ ધામની યાત્રા હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. બાગેશ્વરમાં સતત વરસાદ ચાલુ છે. બાગેશ્વરમાં ગોમતી અને સરયુ બંને નદીઓ ભારે પૂરમાં છે. કોટદ્વાર અને પહાડી વિસ્તારોમાં મોડી રાતથી સતત વરસાદ ચાલુ છે.