સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી, ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો
Kamal Haasan statement on Sanatana Dharma: અભિનેતા કમલ હાસનની સનાતન ધર્મ અંગેની ટિપ્પણીઓને કારણે વિવાદ ઊભો થયો છે. જેના લીધે ભારતીય જનતા પાર્ટીએ કમલ હાસનની ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. આ સાથે, તેમણે તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના 2023ના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ સાથે કરી હતી. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન, કમલ હાસને સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
કમલ હાસને શું વિવાદિત નિવેદન આપ્યું?
તમિલનાડુના અભિનેતા અને રાજ્યસભાના સાંસદ કમલ હાસને પ્રખ્યાત તમિલ અભિનેતા સૂર્યાના 'અગરમ ફાઉન્ડેશન' દ્વારા આયોજિત ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'શિક્ષણ એકમાત્ર એવું હથિયાર છે જે તાનાશાહી અને સનાતન ધર્મની બેડીઓને તોડી શકે છે. કૃપા કરીને અન્ય કોઈ વસ્તુને પકડી રાખશો નહીં, કારણ કે તમે જીતી શકશો નહીં. બહુમતી તમને હરાવી દેશે, બહુમતીમાં રહેલા મૂર્ખ લોકો તમને હરાવી દેશે અને સમજદારી હારી જશે.'
આ ઉપરાંત કમલ હાસને NEET પરીક્ષા પર પણ પ્રહારો કર્યા. કમલ હાસને કહ્યું કે 2017માં લાગુ કરાયેલા આ કાયદાએ હજારો બાળકોને તબીબી શિક્ષણથી વંચિત રાખ્યા છે. શિક્ષણ એકમાત્ર શક્તિ છે જેના દ્વારા કાયદો બદલી શકાય છે. તે માત્ર એક હથિયાર નથી, પરંતુ એક સાધન છે જેના દ્વારા દેશને નવો આકાર આપી શકાય છે.'
ભાજપના નેતાએ કમલ હાસનની ફિલ્મોનો બહિષ્કાર કરવા કહ્યું
તમિલનાડુ ભાજપના પદાધિકારી અમર પ્રસાદ રેડ્ડીએ એક વીડિયો દ્વારા કહ્યું કે, 'પહેલા ઉદયનિધિ સ્ટાલિન હતા. હવે કમલ છે, જે સનાતન ધર્મને ખતમ કરવા માંગે છે. તેમને પાઠ ભણાવીએ. હું દરેક હિન્દુને અપીલ કરું છું કે કમલની ફિલ્મો ન જુઓ, OTT પર પણ નહીં. જો આપણે આવું કરીશું, તો તેઓ આવા બેજવાબદાર નિવેદનો નહીં આપે, જેનાથી લાખો હિન્દુઓને દુઃખ થાય છે.'
આ પણ વાંચો: મધ્યપ્રદેશના જબલપુરમાં 100 હેક્ટર વિસ્તારમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો ઘટસ્ફોટ
ઉદયનિધિના નિવેદનનો ઉલ્લેખ
વર્ષ 2023માં, ઉદયનિધિએ સનાતન ધર્મને જડમૂળથી ઉખેડી નાખવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'જેમ ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોના વાઈરસને જડમૂળથી ઉખેડી નાખવાની જરૂર છે. એ જ રીતે, આપણે સનાતનને પણ ખતમ કરવું પડશે.'